(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ વધતા અકસ્માતોનું એક કારણ આંખો આંજી દેતી સફેદ એલઈડી લાઈટ્સને પણ માનવામાં આવે છે, આવી લાઈટ્સના ઉપયોગને રોકવા માટે રાજ્ય પરિવહન વિભાગે નિર્દેશ જાહેર કર્યા હતા. અમદાવાદના સુભાષબ્રિજ આરટીઓ ઓફિસના સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2026ના શરૂઆતી 28 દિવસમાં 275 કેસ નોંધવામાં આવ્યા હતા અને રૂ. 2.75 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.
સમગ્ર ગુજરાતમાં હાઇ-ઇન્ટેન્સિટી એલઇડી લાઇટનો ઉપયોગ વધ્યો છે, જેના કારણે અન્ય લોકો વિઝિબિલિટી ઓછી થઈ જાય છે અને અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. સુભાષબ્રિજ આરટીઓ અધિકારીઓના જણાવ્યા અનુસાર તાજેતરના આદેશો બાદ અમલીકરણ વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. બક્ષીના જણાવ્યા મુજબ, 2025 માં, આરટીઓએ 1,086 કેસ નોંધ્યા હતા અને લગભગ રૂ. 11 લાખ દંડ વસૂલ કર્યો હતો, જ્યારે આ વર્ષે જાન્યુઆરીના પ્રથમ 28 દિવસમાં, 275 વાહનચાલકો સામે કેસ નોંધાયા હતા અને રૂ. 2.75 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
અધિકારીઓએ નોંધ્યું હતું કે માનવબળની અછત હોવા છતાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, અને મુખ્ય ટ્રાફિક જંકશન અને કોરિડોર પર ધ્યાન રાખવામા આવી રહ્યું છે. વાહનચાલકોને નિર્ધારિત લાઇટિંગ ધોરણોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે, વારંવાર ઉલ્લંઘન કરવાથી કડક કાર્યવાહી થવાની સંભાવના છે, તેમ તેમણે ઉમેર્યું હતું.