Fri Apr 17 2026

Logo

જૂનાગઢમાં ગિરનાર બચાવો સમિતિની આરપારની લડાઈઃ 23મીએ વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન

2026-04-17 19:33:03
Author: Devayat Khatana
Article Image

જૂનાગઢઃ જૂનાગઢમાં ગિરનાર ક્ષેત્રમાં ગેરકાયદે દબાણ થઈ રહ્યું હોવાના આક્ષેપોથી વિવાદ સર્જાયો છે. ગિરનાર ક્ષેત્રમાં પ્રાચીન ધાર્મિક સ્થાનો અને સાર્વજનિક મિલકતો પર થઈ રહેલા અતિક્રમણ તેમ જ સરકારી દસ્તાવેજોમાં થયેલી ગંભીર ગેરરીતિઓના વિરોધમાં ‘ગિરનાર બચાવો સમિતિ’ દ્વારા આરપારની લડાઈના મંડાણ કરવામાં આવ્યા છે. આ વિવાદના ઉકેલ માટે આગામી 23મી તારીખે વિશાળ જનજાગૃતિ રેલી અને કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

જૂનાગઢના ભૂતનાથ મંદિર ખાતે સંતો અને સંગઠનોની બેઠક મળી હતી, જેમાં મહંત મહેશગીરી બાપુએ ઉગ્ર રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, ગિરનારમાં જમીનો વેચાઈ રહી છે અને મંદિરોમાં ગેરકાયદે કબજા થઈ રહ્યા છે. 

તેમણે આક્ષેપ કર્યો હતો કે જ્યાં અમે લોહી પાણી એક કરીને અન્નક્ષેત્રો ચલાવીએ છીએ તેમ છતાં એક પથ્થર હટાવી શકતા નથી. જ્યારે તમામ શરતોનો ભંગ કરીને જૈન તેમજ અન્ય સંપ્રદાયોને જમીનો ફાળવવામાં આવી છે, જે સનાતન ધર્મના હિત વિરુદ્ધનો ભ્રષ્ટાચાર હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. 

મહેશગીરી બાપુએ ચેતવણી આપી છે કે જો સમય રહેતા પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં તળેટીમાં પગ મૂકવો પણ મુશ્કેલ બનશે. તેમણે ગિરનારના શેષાવન અને હનુમાનધારા જેવા વિસ્તારોમાં લેન્ડ રેકોર્ડમાં છેડછાડ કરી મોટાપાયે જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો અને તેમાં સરકારી અધિકારીઓની મિલીભગત હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. 

આ આંદોલનને વેગ આપવા માટે રાજકીય નેતાઓને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને 23મી તારીખે હજારોની સંખ્યામાં ભક્તોને બાઈક રેલીમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું. 

તેમણે ગિરનાર પર બનેલી માંસ-મદિરા અને મૂર્તિ ખંડિત જેવી અગાઉની ઘટનાઓનો ઉલ્લેખ કરી જૂનાગઢની જનતાને સનાતન અસ્મિતા બચાવવા મેદાને પડવા હાકલ કરી હતી.