(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિમંત્રણા ઉપરાંત ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે પણ 10 દિવસના યુદ્ધવિરામના અહેવાલ સાથે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો આવ્યો હોવાથી ફુગાવામાં વધારો થવા અંગેની ચિંતા હળવી થતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 1.4 ટકા વધી આવ્યાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે પાંખાં કામકાજો વચ્ચે હાજરમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1445થી 1451નો ઘટાડો આવ્યો હતો અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1352 ઘટી આવ્યા હતા.
વધુમાં સરકારે નવાં નાણાકીય વર્ષ માટે બુલિયનની આયાતની પરવાનગી ઔપચારિક રીતે જાહેર ન કરી હોવાથી ભારતીય બૅન્કોએ વિદેશી સપ્લાયરોને સોના અને ચાંદીની નવી આયાતના ઓર્ડરો આપવાનું અટકાવી દીધુ છે અને ટનબંધ સોનું કસ્ટમમાં અટવાયેલું હોવાના અહેવાલ હતા.
દરમિયાન આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેવાની સાથે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહી હોવાથી વિશ્વ બજારથી વિપરીત વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1352ના ઘટાડા સાથે રૂ. 2,49,940ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1445ના ઘટાડા સાથે રૂ. 1,51,048 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1451 ઘટીને રૂ. 1,51,655ના મથાળે રહ્યા હતા.
ઈઝરાયલ અને લેબેનોન વચ્ચેના 10 દિવસના યુદ્ધવિરામને ધ્યાનમાં લેતા અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધનો વહેલી તકે અંત આવે તેવો આશાવાદ વ્યક્ત કરતા વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં નિરુત્સાહ રહેતાં હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને આૈંસદીઠ 4790.73 ડૉલર આસપાસ અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 0.1 ટકાના સાધારણ સુધારા સાથે 4813.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.4 ટકા વધીને આૈંસદીઠ 79.51 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં સોનામાં રોકાણકારોનો નિરુત્સાહ રહ્યો હતો, પરંતુ અમુક અંશે ડૉલર ઈન્ડેક્સની નરમાઈનો ટેકો મળ્યો હોવાનું અગ્રણી વિશ્લેષક રોસ નોર્મને જણાવતાં ઉમેર્યું હતું કે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ છ સપ્તાહની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો.
તેમ જ અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિમંત્રણાના બીજા રાઉન્ડના આશાવાદ સાથે ક્રૂડતેલના વાયદામાં પણ ભાવ બેરલદીઠ 100 ડૉલરની અંદર પહોંચ્યા હોવાથી ફુગાવામાં વધારો થવાની ચિંતા પણ હળવી થતાં હવે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો વર્ષ 2026ના અંત સુધીમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં એક વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવી 31 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.