(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 'રાઈટ ટુ એજ્યુકેશન' (આરટીઈ) હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજી કરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 એપ્રિલ 2026ના રોજ રાત્રિના 12:00 કલાક સુધી નક્કી કરવામાં આવી હતી. જોકે, વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને હવે આ સમયગાળો લંબાવવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ જરૂરિયાતમંદ બાળકો આ યોજનાનો લાભ લઈ શકે.
નવી જાહેરાત મુજબ, હવે પાત્રતા ધરાવતા ઉમેદવારો આગામી 23 એપ્રિલ 2026, ગુરુવાર સુધી આરટીઈ વેબપોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, આરટીઈ એક્ટ-2009ની કલમ 12.1 (સી) અન્વયે બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા બેઠકો પર નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. જે વાલીઓએ હજુ સુધી ફોર્મ ભર્યા નથી, તેઓ આ લંબાવવામાં આવેલી મુદતનો ઉપયોગ કરી નિર્ધારિત સમય મર્યાદામાં પોતાની અરજી પૂર્ણ કરી શકશે.