Fri Apr 17 2026

Logo

રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબાર કરનારા શૂટરનો સાથી યુપીમાં પકડાયો

2026-04-17 17:41:55
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ફિલ્મમેકર રોહિત શેટ્ટીના જૂહુ ખાતેના નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) સાથે જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. ઉપીથી પકડાયેલો આરોપી ગોળીબાર વખતે શૂટર દીપક રમેશચંદ્ર શર્મા સાથે ઘટનાસ્થળે હાજર હતો, એવો દાવો પોલીસે કર્યો હતો.

યુપીના આગરા-ઈટાવા રોડ ખાતેના છદામી મઠ પાસેથી પકડી પાડવામાં આવેલા આરોપીની ઓળખ પ્રદીપકુમાર રામસિંહ જાઠવ ઉર્ફે ગાઠ (22) તરીકે થઈ હતી. ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચની ખંડણી વિરોધી શાખા તેની વધુ પૂછપરછ કરી રહી છે.

આ કેસમાં અગાઉ 14 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જાઠવના પકડાવાથી આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 15 થઈ હતી. ધરપકડ કરાયેલા શૂટર દીપક શર્મા અને અન્ય આરોપીઓની પૂછપરછમાં જાઠવનું નામ સામે આવ્યું હતું. પોલીસ તેની શોધ ચલાવી રહી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે આગરા સહિત અન્ય ઠેકાણે સંતાતો ફરતો હતો.

મળેલી માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ યુપી પહોંચી હતી. યુપી એસટીએફની મદદથી ગુરુવારે છટકું ગોઠવી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ શેટ્ટી ટાવર પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે શૂટર દીપક સાથે આરોપી જાઠવ પણ ત્યાં હાજર હતો. દીપક અને જાઠવ સહિત ચાર જણ ગોળીબાર સમયે શેટ્ટી ટાવર નજીક હતા.

પ્રાથમિક પૂછપરછમાં જાઠવે પોલીસને જણાવ્યું હતું કે શુભમ લોણકર ગૅન્ગની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પરની વિવિધ પોસ્ટ જોઈને તે પ્રભાવિત થયો હતો. પોતાનું વર્ચસ દેખાડવા સોશ્યલ મીડિયાના માધ્યમથી તે આ ગૅન્ગના સંપર્કમાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ફિલ્મજગત અને ઉદ્યોગપતિઓમાં ખંડણી માટે ભય ફેલાવવાને ઇરાદે શેટ્ટીના ઘર બહાર ગોળીબાર કરાયો હતો. ગોળીબાર માટે શૂટર દીપકને ત્રણ લાખ રૂપિયાની લાલચ અપાઈ હતી.