Fri Apr 17 2026

Logo

જેક્લીન ફર્નાન્ડીઝ બનશે સરકારી સાક્ષી? ૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં નવો વળાંક

2026-04-17 19:08:41
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ મહાઠગ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં એક નવો મોટો વળાંક આવ્યો છે. અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝે તાજેતરમાં દિલ્હીની એક અદાલતને આ કેસમાં પોતે સરકારી સાક્ષી બનવા ઇચ્છુક હોવાનું જણાવ્યું હતું.

આ અંગે કોર્ટે જણાવ્યું કે આ માટે તેણીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)ને ઔપચારિક વિનંતી કરવી પડશે. પટિયાલા હાઉસ કોર્ટે આજે તેમની અરજી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને નોટિસ જારી કરી હતી અને આ મામલાની સુનાવણી માટે ૨૦ એપ્રિલની તારીખ નક્કી કરી હતી.

પ્રક્રિયા અનુસાર આવી વિનંતી તપાસ એજન્સીને કરવાની હોય છે. જે તેમનું નિવેદન નોંધશે અને પછી નક્કી કરશે કે તેને સરકારી સાક્ષી બનાવવા માટે કોર્ટમાં અરજી કરવી કે નહીં. સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસમાં જેક્લીન સામેની ફોજદારી કાર્યવાહી રદ્દ કરવાનો ઇનકાર કર્યાના મહિનાઓ પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે.

હાલમાં ચંદ્રશેખર અનેક કેસોના સંબંધમાં જેલમાં બંધ છે. તે સતત અભિનેત્રીનો બોયફ્રેન્ડ હોવાનો દાવો કરે છે. તેણે ઘણા ખાસ પ્રસંગોએ જેલમાંથી જેક્લીનને પત્રો મોકલીને તેણી પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. 

જો કે લીક થયેલી તસ્વીરો પરથી જાણવા મળે છે કે બંને એકબીજાને ઓળખતા હતા. પરંતુ જેક્લીને કોર્ટમાં દાવો કર્યો છે કે સુકેશે તેને ગેરમાર્ગે દોરી હતી અને પોતે એક પ્રામાણિક ઉદ્યોગપતિ હોવાની ખાતરી આપી હતી.

અત્રે નોંધનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શરૂ કરવામાં આવેલી મની લોન્ડરિંગની કાર્યવાહીને રદ કરવાના દિલ્હી હાઇ કોર્ટના નિર્ણયને પડકારતી જેક્લીનની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. 

અભિનેત્રીએ તમામ આરોપોને ફગાવતા કહ્યું હતું કે તેને સુકેશના ગુનાહિત બેકગ્રાઉન્ડ વિશે કોઇ જાણકારી નહોતી. જોકે, ઇડીએ ઓગસ્ટ ૨૦૨૨માં દાખલ કરેલી ચાર્જશીટમાં તેણીને સહ-આરોપી બનાવી છે.