Fri Apr 17 2026

Logo

ખુશખબર: 49 દિવસ બાદ હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું, જાણો ભારત સહિત દુનિયા પર શું થશે અસર

Tehran   2026-04-17 19:42:54
Author: Mumbai Samachar Team
Article Image

સીઝફાયર બાદ ઈરાનનો મોટો નિર્ણય: હોર્મુઝ જળમાર્ગ ખુલતા હવે તેલ અને ગેસના પરિવહનમાં મળશે મોટી રાહત

તહેરાનઃ મિડલ ઈસ્ટમાંથી એક ગૂડ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આ વાવડથી એશિયા સહિત અનેક દેશ હવે રાહતના શ્વાસ લેશે. સીઝફાયરની શરત અનુસાર 49 દિવસ બાદ હોર્મુઝ સ્ટ્રેટ ઈરાને ખોલી દીધું છે. હોર્મુઝ જળમાર્ગ પૂરી રીતે ખોલી દેવાનું ઈરાને એલાન કરી દીધુ છે.

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાધચીએ કહ્યું હતું કે, અમે હોર્મુઝ જળમાર્ગને ખોલી રહ્યા છીએ,ઈરાનના અધિકારીઓ આ જળમાર્ગના બીજા રૂટ નક્કી કરશે. હોર્મુઝ સ્ટ્રેટને ખોલવાને કારણે તેલ-ગેસના ભાવમાં ઘટાડો થઈ શકે છે, જ્યારે ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ તેલના ભાવમાં 10 ટકા અને ગેસના ભાવમાં 8.50 ટકાનો ઘટાડો નોંધાયો છે.

તમામ જહાજનો ગ્રીન સિગ્નલ

લેબનાનમાં સીઝફાયરના એલાન બાદ ઈરાને આ મોટો નિર્ણય કર્યો છે. અરાધચીએ કહ્યું હતું કે,હવે દરેક જહાજ આરામથી હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી શકશે. ઈરાની અધિકારી અરાધચીએ ઉમેર્યું કે,આ એક અસ્થાયી સીઝફાયર છે. હોર્મુઝમાંથી તમામ પ્રકારના કમર્શિયલ જહાજ પસાર થઈ શકે છે.

તમામ જહાજ ઈરાનના ઈસ્લામી ગણરાજ્યના પોર્ટ તથા સમુદ્રી સંગઠન દ્વારા અગાઉથી જાહેર કરેલા માર્ગમાંથી પસાર થઈ શકે છે. ટ્રમ્પે સીઝફાયર બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી નાકાબંધી દૂર કરવાની જાહેરાત કરી હતી. અમેરિકાએ કહ્યું હતું કે, ચીન સાથેની વાતચીત બાદ નાકાબંધી દૂર કરવામાં આવી છે. ઈરાને પણ હોર્મુઝને લઈને અમારી વાત સ્વીકારી લીધી છે. 

અમેરિકાનો ચીનને લઈને દાવો

અમેરિકાએ દાવા સાથે કહ્યું હતું કે, ઈરાન જ નહીં ચીને પણ અમારી વાત સ્વીકારી છે. ઈરાન પર હોર્મુઝને લઈને દબાણ ઊભું કરવામાં આવ્યું હતું.રિપોર્ટ અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરને આગળ વધારવા માટે બન્ને દેશ વચ્ચે સહમતી બની હતી. આ કવાયત બાદ હોર્મુઝ સ્ટ્રેટ ઈરાને ખોલ્યું છે.

હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા માટે પેરીસમાં 40 દેશની એક મિટિંગ યોજાશે, જેમાં ફ્રાંસ અને બ્રિટન જેવા મોટા દેશના નેતાઓ જોડાશે. ઈરાન એક સાથે આટલા બધા દેશ સાથે દુશ્મનાવટ કરી શકે એમ નથી અને ઈરાનને આર્થિક રીતે પણ પોસાય એમ નથી.

ઓમાને પ્રસ્તાવ ફગાવ્યો

આ પહેલા ઓમાને પણ ટોલ લેવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. ઓમાને સ્પષ્ટ કર્યું હતું કે જે રસ્તો નેચરલ છે એમાંથી કેવી રીતે તમે ટોલ વસુલી કરી શકો? આ કારણે ઈરાન પર રાતોરાત ફરી દબાણ ઊભું થયું હતું. 
ઓમાનની ખાડી અને પર્શિયન ગલ્ફ વચ્ચેનો સમુદ્રી જળમાર્ગને જોડતો જળમાર્ગ હોર્મુઝ છે.

આખી દુનિયામાં 20 ટકાથી વધારે ક્રૂડ અને ગેસના જહાજ આ રસ્તેથી પસાર થાય છે. મિડલ ઈસ્ટના રાષ્ટ્રો આ જ રસ્તેથી તેલનો વેપાર કરે છે. 34 કિમીના આ જળમાર્ગ પર ઈરાનનો સંપૂર્ણપણે કંટ્રોલ છે.