બોર્નિયો: ઇન્ડોનેશિયાના બોર્નિયો ટાપુ પર મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં બે પામ ઓઇલ વાવેતર વચ્ચેથી પસાર થઇ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં સવાર તમામ આઠ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાની ઇન્ડોનેશિયાના અધિકારીએ પૃષ્ટિ પણ કરી છે.
પશ્ચિમ કાલીમંતન પ્રાંતના મેલાવી જિલ્લામાંથી ઉડાન ભરી હતી
આ અંગે મળતી માહિતી મુજબ ક્રેશ થયેલું હેલીકોપ્ટર એરબસ H130 મોડેલનું હેલિકોપ્ટર પીટી મેથ્યુ એર નુસંતારા કંપનીનું હતું. જેણે પશ્ચિમ કાલીમંતન પ્રાંતના મેલાવી જિલ્લામાંથી ઉડાન ભરી હતી. આ ઉડાન ભર્યાના માત્ર પાંચ મિનિટ પછી હેલીકોપ્ટરનો એટીએસ જોડેથી સંપર્ક તૂટી ગયો હતો. હેલિકોપ્ટર કુબુ રાય જિલ્લામાં સ્થિત પામ ઓઇલ વાવેતર તરફ જઈ રહ્યું હતું.
હેલિકોપ્ટરનો કાટમાળ શોધી કાઢ્યો હતો
જ્યારે ઈન્ડોનેશિયાની રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સી અને પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર બચાવ ટીમોએ ત્યાર બાદ સેકાદાઉ જિલ્લાના ગાઢ જંગલોમાં હેલિકોપ્ટરનો કાટમાળ શોધી કાઢ્યો હતો. તેમજ બે ક્રૂ સભ્યો અને છ મુસાફરોના મૃતદેહ મળી આવ્યા હતા.
મૃતકોમાં એક મલેશિયન નાગરિક
આ મૃતકોમાં એક મલેશિયન નાગરિકનો પણ સમાવેશ થાય છે. 27 કરોડની વસ્તી ધરાવતો ઇન્ડોનેશિયા એક વિશાળ દ્વીપસમૂહ રાષ્ટ્ર છે. જે સતત પરિવહન અકસ્માતોનો સામનો કરે છે. જેમાં વિમાન અને હેલિકોપ્ટર અકસ્માતો, તેમજ ફેરી ડૂબવાની ઘટનાઓ સતત બની રહી છે.