Fri Apr 17 2026

Logo

T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ફિક્સિંગ થયું હતું! આ દેશની ટીમ પર આરોપ, ICCએ તપાસ શરુ કરી

Dubai   2026-04-17 16:08:00
Author: Savan Zalariya
Article Image

દુબઈ: ભારત અને શ્રીલંકાની સંયુક્ત મેજબાનીમાં યોજાયેલો ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 સફળ રહ્યો, ભારતે સતત બીજીવાર ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો. ફાઈનલ મેચના એક મહિના બાદ આ ટુર્નામેન્ટ ફરી ચર્ચામાં આવી છે. ટુર્નામેન્ટ દમિયાન એક મેચમાં મેચ ફિક્સિંગ થયું હોવાના આરોપો લાગ્યા છે.

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ન્યુઝીલેન્ડ વિરુદ્ધ કેનેડાની મેચ દરમિયાન મેચ ફિક્સિંગ થયું  હોવાના આરોપ લાગ્યા છે, આ મેચ 17 ફેબ્રુઆરીએ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. અહેવાલ મુજબ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નાં ભ્રષ્ટાચાર વિરોધી એકમે મેચ ફિક્સિંગના આરોપોની તપાસ શરુ કરી છે.  

ડોકયુમેન્ટરીમાં થયા ખુલાસા:
10 એપ્રિલના રોજ કેનેડાની એક ન્યુઝ ચેનલ દ્વારા "કરપ્શન, ક્રાઈમ એન્ડ ક્રિકેટ" શીર્ષક હેઠળ પ્રસારિત 43 મિનિટની એક ડોકયુમેન્ટરી ફિલ્મ પ્રસારિત કરી હતી, જેમાં ક્રિકેટ કેનેડામાં ગેરરીતીના આરોપો મૂકવામાં આવ્યા હતા.

ગ્રુપ સ્ટેજમાં કેનેડા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. કેનેડાએ આપેલો 174 રનનો ટાર્ગેટ ન્યૂઝીલેન્ડે 15.1 ઓવરમાં આઠ વિકેટ બાકી રહેતા ચેઝ કરી લીધો.

આ ઓવરમાં ફિક્સિંગમાં આરોપ:
ન્યુઝીલેન્ડ રન ચેઝ કરી રહ્યું હતું, ત્યારે કેનેડાના કેપ્ટન દિલપ્રીત બાજવા દ્વારા ફેંકવામાં આવેલી પાંચમી ઓવર દરમિયાન ફિક્સિંગ થયું હોવાનાં આરોપ છે. બાજવાએ એક નો-બોલ અને એક વાઈડ બોલ સાથે ઓવરની શરૂઆત કરી, એ ઓવરમાં તેણે 15 રન આપ્યા. 

ટુર્નામેન્ટના ત્રણ અઠવાડિયા પહેલા જ દિલપ્રીત બાજવાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. 

કેનેડાના ભૂતપૂર્વ કોચ ખુર્રમ ચૌહાણનો ટેલિફોન કોલનું રેકોર્ડિંગ જાહેર થઇ છે. ચૌહાણ આરોપ લગાવી રહ્યા છે કે ક્રિકેટ કેનેડાના સિનિયર બોર્ડના સભ્યોએ તેમના પર રાષ્ટ્રીય ટીમ માટે ચોક્કસ ખેલાડીઓની પસંદગી કરવા માટે દબાણ કર્યું હતું. તેમનો એવો પણ દાવો છે કે મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ICCના ભ્રષ્ટાચાર વિરોધી એકમે ચોક્કસ આરોપો અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. 

આ મામલાની તપાસ કરી રહી છે. ભારતે 2026 T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ફાઇનલમાં, ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડને હરાવીને સતત બીજી વખત ટાઇટલ જીત્યું હતું. ભારત ઘરઆંગણે T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ પણ બન્યો હતો.