ભુજઃ કચ્છના નખત્રાણા હાઇવે પર કાળમુખા ટ્રકે એક હસતા-રમતા પરિવારને પીંખી નાખ્યો હતો. અમદાવાદથી નખત્રાણા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવી રહેલા પાટીદાર પરિવારની કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં દંપતી અને યુવાન પુત્રી સહિત કુલ ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે.
નખત્રાણા પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતની આ ઘટના ધાવડા અને દેવપર વચ્ચેના માર્ગ પર બની હતી. ધાવડાથી દેવપર તરફ જઈ રહેલી ટ્રક (નં.જીજે-૧૨-ડબ્લ્યુ-૬૫૯૦)નું અચાનક ટાયર ફાટતા ચાલકે સંતુલન ગુમાવ્યું હતું. જેના કારણે ટ્રક સામેથી આવી રહેલી અમદાવાદના પરિવારની ટાટા કાર (નં. જીજે-૦૧-ડબ્લ્યુએચ-૩૩૪૫) સાથે ધડાકાભેર ટકરાઈ હતી.
આ દુર્ઘટનામાં કારમાં સવાર ઘનશ્યામ અરજણભાઇ કેશરાણી (ઉ.વ. ૪૭) અને તેમના પત્ની કલ્પનાબેન (ઉ.વ. ૪૫) નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પુત્રી આશ્વી (ઉ.વ.૨૩) ને ગંભીર હાલતમાં ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણીએ દમ તોડ્યો હતો. ઘનશ્યામભાઈના વૃદ્ધ પિતા અરજણભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી છે.
મૃતકોના સંબંધી ધર્મેન્દ્રભાઈ કેશરાણીએ ભારે હૈયે જણાવ્યું હતું કે, મૂળ નખત્રાણાના અને હાલ અમદાવાદના નરોડા વિસ્તારમાં ટીમ્બરનો વ્યવસાય કરતા આ પરિવારમાં લગ્નનો ઉત્સાહ હતો. નખત્રાણા પહોંચવા માટે જ્યારે માત્ર ૮ કિલોમીટરનું અંતર બાકી હતું, ત્યારે જ કુદરતે આ ક્રૂર મજાક કરી હતી.
સેવાભાવી યુવાન મિતેશ જોશીની એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કરુણાંતિકાથી કચ્છ સહીત બૃહદ કચ્છના પાટીદાર સમાજ અને નખત્રાણા પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
(ઉત્સવ વૈદ્ય)