Thu Jan 29 2026

Logo

White Logo

અમૃતા ફડણવીસ વિશે ગાયિકા અંજલી ભારતીનું વિવાદાસ્પદ નિવેદન: સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

2 days ago
Author: Mumbai Samachar Team
Video

મુંબઈઃ જાણીતી ગાયિકા અંજલી ભારતીનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક કાર્યક્રમ દરમિયાન ગાયિકાએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદનને લઈ ગાયિકા સામે કાયદાકીય કાર્યવાહીની માંગ  થઈ રહી છે.

એક કાર્યક્રમમાં ગાયિકાએ અમૃતા ફડણવીસ વિશે અણછાજતી ટિપ્પણી કરી હતી. જેના કારણે હવે વિવાદ ઉભો થયો છે અને ઘણાએ અંજલી તરફ નિશાન સાધ્યું છે. 13 જાન્યુઆરીના રોજ ભંડારામાં ભીમ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાવડામાં અંજલિ ભારતીએ છોકરીઓ પર થતા બળાત્કાર અને અત્યાચારની આકરી ટીકા કરી હતી. પરંતુ અમૃતા ફડણવીસ વિશે વાત કરતી વખતે અંજલીની જીભ લપસી ગઈ. મહિલાઓ પરના અત્યાચાર અને બળાત્કાર વિશે વાત કરતી વખતે ગાયિકાએ કોઈ કારણ વગર અમૃતા ફડણવીસના વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી.

હાલમાં, ગાયિકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બળાત્કાર અંગે નિવેદન આપતી વખતે અંજલી ભારતીએ અમૃતા ફડણવીસ વિશે ખૂબ જ નીચલી કક્ષાનું નિવેદન આપ્યું. હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

કોણ છે ગાયિકા અંજલી ભારતી?
મુખ્ય પ્રધાનનાં પત્ની અમૃતા ફડણવીસ વિશેના વિવાદાસ્પદ નિવેદનને કારણે અંજલિ ચર્ચામાં આવી છે. પરંતુ તેમનો ચાહક વર્ગ પણ ઘણો મોટો છે. અંજલી ભારતી એક બૌદ્ધ બળવાખોર ગાયિકા તરીકે જાણીતી છે. અંજલીએ ઘણા ગીતો ગાયા છે, જ્યારે દીદી અંજલી ભારતી નામની યુટ્યુબ ચેનલ પણ છે.

અંજલીના યુટ્યુબ ચેનલ પર લગભગ 6.5 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. ગાયિકાએ તેની યુટ્યુબ ચેનલ પર ઘણા ગીતોના વીડિયો અપલોડ કર્યા છે. ભારતીએ ડૉ. બાબાસાહેબ આંબેડકર પર પણ ઘણા ગીતો ગાયા છે, પરંતુ મુખ્ય પ્રધાનના પત્ની અંગેના વિવાદાસ્પદ નિવેદનને કારણે અંજલિ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. દરમિયાન વાયરલ વીડિયો અંગે ભારતીય જનતા પાર્ટી સહિત અન્ય પક્ષના નેતાઓ અને સામાજિક કાર્યકરોએ પણ ગાયિકાના નિવેદનોને વખોડી કાઢવામાં આવ્યા હતા.