Thu Jan 29 2026

Logo

White Logo

નેપાળમાં યોજાનારી ચૂંટણી પૂર્વે રાજકારણ તેજ, ચાર મંત્રીઓએ રાજીનામા આપી ઉમેદવારી નોંધાવી

khatmandu   1 week ago
Author: Chandrakant Kanojia
Video

કાઠમંડુ : નેપાળમાં યોજાનારી ચૂંટણી પૂર્વે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. જેમાં કાર્યવાહક વડાપ્રધાન સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળની સરકારના ચાર મંત્રીઓએ ચૂંટણી લડવા માટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ  મંત્રીઓએ  5 માર્ચે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભર્યા છે. જેમાં નેપાળના વિજ્ઞાન અને શિક્ષણ મંત્રી મહાબીર પુને મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને મ્યાગડી જિલ્લામાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જયારે  સોમવારે  સંદેશા વ્યવહાર મંત્રી જગદીશ ખારેલ અને રમતગમત મંત્રી બબલુ ગુપ્તાએ પણ પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું અને પ્રતિનિધિ સભાની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. 

ઉર્જા અને જળ સંસાધન મંત્રી કુલમન ઘિસિંગે થોડા અઠવાડિયા પૂર્વે રાજીનામું આપ્યું

જેમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી વતી જગદીશ ખારેલે લલિતપુર-2 મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે બબલુ ગુપ્તાએ સિરાહા-1 બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત  ઉર્જા અને જળ સંસાધન મંત્રી કુલમન ઘિસિંગે થોડા અઠવાડિયા પહેલા રાજીનામું આપ્યું હતું અને ઉજ્યાલો નેપાળ પાર્ટીના પ્રમુખ તરીકે નવી રાજકીય ભૂમિકા સંભાળી હતી. ઘિસિંગે મંગળવારે કાઠમંડુ મતવિસ્તાર નંબર 3 થી ઉમેદવારી નોંધાવી હતી.  નેપાળની સામાન્ય ચૂંટણીમાં કુલ 1 કરોડ 89 લાખ  મતદારો છે. જેમાં 92 લાખથી વધુ  મહિલા મતદાર છે. 

ઝેન-જી આંદોલનના લીધે  કેપી ઓલીએ  રાજીનામું આપ્યું હતું 

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ  સપ્ટેમ્બરમાં ઝેન-જી આંદોલનના લીધે તત્કાલીન  વડા પ્રધાન કેપી ઓલીને રાજીનામું આપવાની ફરજ પડી હતી.
ઝેન-જીએ  ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. જે પાછળથી હિંસક બન્યા હતા.ઓલીના રાજીનામા બાદ 73 વર્ષીય સુશીલા કાર્કીએ 12 સપ્ટેમ્બરના રોજ કાર્યકારી વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. જયારે તેમની ભલામણ પર રાષ્ટ્રપતિએ પ્રતિનિધિ ગૃહનું વિસર્જન કર્યું અને ચૂંટણીની તારીખ જાહેર કરી.