Thu Jan 29 2026

Logo

White Logo

રાજકોટમાં ગેરકાયદે દબાણ પર ફરશે બુલડોઝર, 1357 બાંધકામો મોકલાઈ નોટિસ

5 hours ago
Author: Tejas Rajpara
Video

રાજકોટ: શહેરમાં સરકારી જમીનોને પચાવી પાડનારા તત્વો સામે તંત્રએ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. ખાસ કરીને પૂર્વ ઝોન વિસ્તારમાં ટી.પી. સ્કીમના પ્લોટ પર વર્ષોથી જમાવાયેલા દબાણો દૂર કરવા માટે જિલ્લા કલેક્ટર તંત્ર હવે સજ્જ બન્યું છે. વિકાસના કાર્યોમાં અવરોધરૂપ બનતા અને ગેરકાયદે રીતે સરકારી માલિકીના પ્લોટ પર થયેલા બાંધકામોને દૂર કરવા માટે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.

રાજકોટના પૂર્વ ઝોન મામલતદાર દ્વારા સર્વે નંબર 256 અને ટી.પી. સ્કીમ નંબર 6 હેઠળ આવતા જંગલેશ્વર, નાડોદાનગર, બુધનગર અને રાધા-કૃષ્ણનગર વિસ્તારના દબાણને અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. આશરે 1,357 જેટલા ગેરકાયદે બાંધકામોને સાત દિવસમાં સ્વેચ્છાએ તોડી પાડવા સૂચના અપાઈ છે. જો આ સમયગાળામાં જગ્યા ખાલી કરવામાં નહીં આવે, તો તંત્ર દ્વારા બળજબરીપૂર્વક ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરીને જમીન ખુલ્લી કરવામાં આવશે.

લગભગ એક લાખ ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીન પરના આ દબાણો દૂર કરવા માટે તંત્રએ લાંબી કાનૂની લડત લડી છે. સ્થાનિક કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી તમામ કાયદાકીય અવરોધો હવે દૂર થઈ ગયા છે. મામલતદાર કચેરી દ્વારા ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026 દરમિયાન અનેકવાર રૂબરૂ સુનાવણી યોજવામાં આવી હતી, જેમાં રહેવાસીઓ જમીન માલિકીના કોઈ સચોટ પુરાવા રજૂ કરી શક્યા નહોતા, ત્યારબાદ કલમ 202 હેઠળ આ આખરી નિર્ણય લેવાયો છે.

બીજી તરફ, આ વિસ્તારોમાં દાયકાઓથી રહેતા અંદાજે 4,000 પરિવારોમાં હવે બેઘર થવાનો ભય વ્યાપી ગયો છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આશરે 20,000 લોકો આ વસાહતોમાં રહે છે અને સરકારે માનવીય અભિગમ અપનાવીને આ સ્લમ વિસ્તારને નિયમિત કરવો જોઈએ. રહેવાસીઓએ માંગ કરી છે કે જો તેમનું ઘર તોડવામાં આવે, તો સરકારની સ્લમ રિહેબિલિટેશન સ્કીમ હેઠળ તેમને રહેવા માટે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી આપવામાં આવે.