Thu Jan 29 2026

Logo

White Logo

કચ્છી ચોવકઃ મામૈદેવ ને મેકણદાદા

1 day ago
Author: કિશોર વ્યાસ
Video

કિશોર વ્યાસ

કચ્છી ચોવકોમાં એ કચ્છી ભાષાના આદ્ય પુરુષ મામૈદેવની અગમવાણી અને સંત મેકણદાદાની વાણીઓએ પણ રૂપાંતરિત સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમાં તમામ પ્રકારના ‘પ્રાસ’ અને ‘અલંકાર’ પણ જોવા મળે છે.

ગયા અંકમાં વાચકો માટે એક ચોવક મમળાવવા માટે મુકી હતી:

‘કીંક ધઙે ધાબઙે,
કીંક છડે છાબઙે,
કીંક ડાંઢી મેં ફેર,
કીંક ઓછો આથ શેર;’

ગુજરાતીમાં તેનો સીધો અર્થ એક જ કહેવતમાં સમાઈ જાય છે: ‘દૂધમાંથી ફોરાં કાઢવાં’, અને ઉપરોક્ત કચ્છી ચોવકનો સીધો અર્થ થાય છે: ‘સરવાળે દરેક વસ્તુમાં કંઈને કંઈ ખામી હોવી, કે શોધવી, કે કાઢવી!’

આજે વગર મહેનતે કંઈ પરબારું પ્રાપ્ત થઈ જાય તેવી આશાએ ઘણા હાથ જોડી બેઠા હોય છે, તો તેના માટે કચ્છીમાં એક સુંદર ચોવક છે: ‘ઉછેઘીયેની અઠસો વારસ’ મતલબ કે હરામનું ખાવા માટે ઘણા તૈયાર.

કાવ્યાત્મક રૂપે, પિરોલીમાં વણી લેવાયેલી કહેવતો પણ કચ્છી ભાષામાં જોવા મળે છે. આવી પિરોલીમાં બાળકોની જિજ્ઞાસુ વૃત્તિને પોષવા તેમજ શિક્ષણ આપવાનું પણ એક ઉત્તમ માધ્યમ છે.

‘મડધ મિદૃજો, કંધ કપાજો, જડેં લગોવા, તેડો નિકરી વેઓ સા.’

કોઈને પણ પ્રશ્ન ઊભો થાય કે, માટીનો મરદ, કપાસની ગરદન, અને પવન લાગતાં જ જીવ નીકળી જાય, એ વળી શું હશે? આખી આ પિરોલીનો જવાબ છે ‘દીવો’ પણ ‘જડે લગોવા, તેડો નિકરી વેઓ સા’ આટલા આ વાક્યને ચોવકરૂપે પણ વાપરવામાં આવે છે. જોકે પિરોલીઓ (ઉખાણાં)નું સાહિત્ય વળી જુદું છે.

‘ઓરખીતો જમાધાર બ ધુકા સેલા મારે’

ઓળખાણમાં પણ ઘણીવાર સહન કરવું પડતું હોય છે તેના માટે આ ચોવક છે. ગુજરાતીમાં પણ આપણે કહેતા હોઈએ છીએ કે ‘ઓળખીતો હવાલદાર બે ધોકા વધુ મારે.’

કચ્છીમાડુની આવડત માટે એક મઝાની ચોવક છે: ‘કચ્છી માડુ ઈંધો, ત ખોટી કોરી કીંધો.’ કચ્છીમાડુની આવડત કે હોશિયારી કે ચાલાકી બતાવતાં એ ચોવકનો અર્થ છે: ‘કચ્છી માણસ ખોટો રૂપિયો પણ વાપરી બતાવે.’ હવે એ માત્ર ચલણના અર્થમાં જ નથી. આપણે કોઈને કહીએ. ‘આ સાવ ખોટો સિક્કો છે’ એવી વ્યક્તિને પણ જો કચ્છીમાડુ તરાસે તો હોશિયાર થઈ જાય. ચોવકોમાં અર્થબંધન નથી એ સાર્વત્રિક અર્થ ધરાવે છે.

કચ્છી સમાજમાં અવારનવાર વપરાતી એક કહેવત છે: ‘ખખી ન ખરચે ખીમજી નેં વા વિસનજીવા’ આ ચોવકનો અર્થ જોઈએ તે પહેલાં, શરૂઆતમાં જ મેં એક વાત કરી કે કચ્છી ચોવકોમાં ‘પ્રાસ’નાં દર્શન થાય છે. આ ચોવકમાં ‘ખ’ અને ‘વ’નો પ્રયોગ જોઈલો! એવા લોકો માટે આ ચોવક છે કે તેઓ પોતે એક પૈસાનો ખર્ચ ન કરે, ખર્ચ ન કરવાની વૃત્તિ વાળા હોય પણ બીજાની ખુશામત કરી જયાફતનો લાભ લીધે રાખે! ખરેખર કોઈ ‘ખીમજી’ કે ‘વિસનજી’ માટે આ કહેવત નથી પણ નામ પ્રાસ મેળવવા પ્રતીકરૂપે રાખવામાં આવ્યાં છે.

ઘણાનો સ્વભાવ હોય, જોક્સ સાંભળીને પણ ન હસે. કચ્છીમાં એને ‘શેઠ’ માણસ કહેવાય છે. જેના માટે ચોવક છે ‘ખિલે જા પ પૈસા ગિનણા’. એ હસવાના પણ પૈસા લે!

શખીખોર માણસોને પણ કચ્છી ચોવકે આડેધડ લીધા છે: ‘ગાલ્યૂં કરે ગચ, પ ડૂઈન ડે હિકઙી’ કામ કંઈ કરવું નહીં અને માત્ર ગામગપાટા મારવા તેવો આનો અર્થ થાય છે.

હવે જ્યારે ‘ગજ જો આંકો અચી રેયો આય’ ત્યારે... હા, મારાથી લેખના અંતે કચ્છી ચોવક એ અર્થમાં જ મુકાઈ ગઈ કે હવે આજે આ લેખ અહીં પૂરો થવામાં છે. ચોવકનો અર્થ છે. ‘વાતનો અંત’. પણ તે પહેલાં વાચકો માટે એક ચોવક મુખવાસ તરીકે અહીં રાખું છું. 
અર્થ જોઈશું ‘જીરા હુંધાસીંત અગલે બુધવારજો! ચોવક આય: ‘છઠી જા લેખ તિતે કેર મારે મેખ’.