Thu Jan 29 2026

Logo

White Logo

ગુજરાતમાં પવનની ગતિ વધતા ઠંડીનું પ્રમાણ વધ્યું, દિલ્હી ઠુંઠવાયું, જાણો મહારાષ્ટ્ર સહિત દેશનું હવામાન

6 hours ago
Author: MayurKumar Patel
Video

 

અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાતમાં પવનની ગતિ વધતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.  દેશના આઠ રાજ્યોમાં હવામાનમાં અચાનક પલટો આવી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 

ગુજરાતમાં ક્યાં કેટલું નોંધાયું તાપમાન

અમદાવાદમાં 14.1, ગાંધીનગરમાં 13.2 ડિગ્રી તાપમાન, ડીસા 13.1 ડિગ્રી, મહેસાણા 12.1 ડિગ્રી તાપમાન, નલિયા 7.7 ડિગ્રી, રાજકોટ 10.7 ડિગ્રી તાપમાન, અમરેલી 12 ડિગ્રી, ભાવનગર 13.6 ડિગ્રી તાપમાન, કંડલા 10.1 ડિગ્રી, કેશોદ 10.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

અંબાલાલ પટેલ અનુસાર, આગામી બે દિવસ સુધી રાજ્યમાં હવામાનમાં પલટો જોવા મળશે. પશ્ચિમી વિક્ષેપ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વાતાવરણમાં પલટા સાથે વરસાદી ઝાપટાં સંભાવના છે. આ કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરના કારણે નવી સિસ્ટમ બનશે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બની રહેલ આ સિસ્ટમની સૌથી વધુ અસર પંચમહાલ અને  આસપાસના પંથકમાં જોવા મળી શકે છે, જ્યાં કમોસમી વરસાદ વરસી શકે છે. જો કે, માવઠાની અસર ઓછી થયા બાદ ફેબ્રુઆરીમાં મહિનામાં ફરી એકવાર ઠંડીમાં વધારો થશે. ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 

મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન

મહારાષ્ટ્રમાં હાલ હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે અને ઠંડીનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. સવારના સમયે ઘણા વિસ્તારોમાં ગુલાબી ઠંડી અને કેટલીક જગ્યાએ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે છે, જ્યારે બપોર પછી તડકાની તીવ્રતા વધતી જણાય છે. આજે રાજ્યભરમાં મિશ્ર હવામાનનો અનુભવ થશે અને આગામી થોડા દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આજે મુંબઈ, નવી મુંબઈ સહિત સમગ્ર કોંકણ પટ્ટી પર હવામાન મુખ્યત્વે ચોખ્ખું રહેવાની શક્યતા છે. આકાશ સ્વચ્છ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. સવારે હવામાન ખુશનુમા હોવા છતાં, બપોર પછી ગરમીનો અહેસાસ થઈ શકે છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આજે મહત્તમ તાપમાન આશરે 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન આશરે 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાય તેવી શક્યતા છે. કોંકણ કિનારા પર પણ હવામાન સૂકું રહેશે અને દરિયાકાંઠે હળવો પવન ફૂંકાઈ શકે છે.

દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને ઠંડી

ઉત્તર ભારતમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે. હિમાચલ પ્રદેશમાં હિમસ્ખલનનો ખતરો છે, ઉત્તરાખંડમાં બરફવર્ષાના કારણે અનેક માર્ગો બંધ છે. હવામાન વિભાગે દિલ્હીમાં શીતલહેરની ચેતવણી આપી છે. લઘુત્તમ તાપમાન 8-10 ડિગ્રી અને મહત્તમ તાપમાન 17-20 ડિગ્રી રહેવાની સંભાવન વ્યક્ત કરી છે.

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં શીતલહેર ફરી વળી છે. હિમાચલના ચંબા જિલ્લાના ભરમૌર અને પાંગીમાં હિમસ્ખલન થયું છે. મોડી રાત્રે થયેલા હિમસ્ખલનથી ત્રણ દુકાનો તથા બે પિકઅપ વાહન દબાઈ ગયા હતા.