Thu Jan 29 2026

Logo

White Logo

શિંદેના નગરસેવકો હજી કેદમાં જયારે કૉંગ્રેસના ૨૪ નગરસેવકના ગ્રૂપ લીડર સહિતનું રજિસ્ટ્રેશન પૂર્ણ...

1 week ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી) 
મુંબઈ
: મુંબઈ મહાનગરપાલિકાની તાજેતરમાં પાર પડેલી ચૂંટણીમાં મુંબઈના મેયર કોણ બનશે તેનો સસ્પેન્સ હજી યથાવત છે. સૌથી મોટા તરીકે બહાર આવેલા પક્ષને બહુમતી  માટે ખુટતી સંખ્યા અને સાથીપક્ષના નવા ચૂંટાયેલા નગરસેવકોને પક્ષપલટોથી બચાવવા હોટલમાં કેદ કર્યા હોવાનો ડ્રામા એક તરફ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ કૉંગ્રેસે પોતાના ગ્રૂપ લીડર સહિત કુલ ૨૪ નગરસેવકોનું રજિસ્ટ્રેશન બેલાપૂરમાં કોંકણ ભવનમાં પાર પાડયું હતું. ગ્રૂપની સ્થાપના અને રજિસ્ટ્રેશન થઈ જવાથી હવે કૉંગ્રેસનો એક પણ નગરસેવક ફૂટી શકશે નહીં.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ મોટો પક્ષ તરીકે ઊભર્યો છે. બીજા નંબરે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને ત્રીજા નંબરે શિંદેની સેના ૨૯ નગરસેવકો સાથે રહી છે. તો કૉંગ્રેસના ૨૪ નગરસેવકો ચૂંટાયા છે અને તે ચોથા નંબરે રહી છે. પાલિકાની ચૂંટણી ભાજપ-શિંદે સેના સાથે લડી છે. પાલિકાના ૨૨૭ નગરસેવકોમાં સત્તા સ્થાપના માટે ૧૧૪ એ બહુમતીનો આંકડો છે. ભાજપ અને શિંદે સેના સાથે સત્તા સ્થાપી શકે છે. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શિંદેની મદદ સિવાય ભાજપ કોઈ પણ પરિસ્થિતિમાં સત્તા અને મેયર બેસાડી શકશે નહીં એ શિંદે સારી રીતે જાણે છે અને તેથી તેમના નગરસેવકો ફૂટે નહીં તે ડરે તેમના પક્ષના  તમામ ચૂંટાયેલા નગરસેવકોને હોટલમાં રાખવામાં આવ્યા છે. 

આ દરમ્યાન  કૉંગ્રેસે આ સમયે પોતાના નગરસેવકો ફૂટીને બીજા પક્ષમાં જતા ન રહે તે માટે તકેદારીના પગલારૂપે કૉંગ્રેસે નવા ચૂંટાયેલા નગરસેવકોની ગ્રૂપની સ્થાપના કરી હતી. એ અગાઉ ગ્રૂપ લીડર તરીકે સોમવારે અશરફ આઝમીને નીમવામાં આવ્યા હતા અને મંગળવારે તેઓએ નવી મુંબઈના કોંકણ ભવનમાં જઈને ગ્રૂપ લીડર સહિત પક્ષના કુલ ૨૪ નગરસેવકોનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ પાલિકાના મુખ્યાલયમાં પાલિકાના સેક્રેટરીને તમામ દસ્તાવેજો સોંપીને પ્રક્રિયા પૂર્ણ કરી હતી.  હવે રજિસ્ટ્રેશન બાદ કૉંગ્રેસના નગરસેવકો પક્ષપલટો કરે તો પક્ષ નિયમ મુજબ તેમની સામે કાર્યવાહી કરી શકે છે અને નગરસેવક પદ રદ પણ કરાવી શકે છે.