નવી દિલ્હીઃ બાંગ્લાદેશ (Bangladesh) સરકાર પોતાની ધરતી પર હિન્દુ નાગરિકોની હત્યાનો સિલસિલો રોકી નથી શકતું ત્યાં એણે ક્રિકેટમાં થયેલા કડવા અનુભવ બાદ હવે નિશાનબાજીની રમતમાં ખૂબ સાવચેત થઈને પગલું ભર્યું છે જેમાં એણે પોતાના શૂટર્સને એશિયન રાઇફલ ઍન્ડ પિસ્તોલ ચૅમ્પિયનશિપ્સ માટે આવતા મહિને ભારત (India)ના પ્રવાસે મોકલવાનો નિર્ણય તરત લઈ લીધો છે.
આવતા મહિને (સાતમી તારીખથી) ટી-20નો વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં રમાવાનો છે અને એ માટે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમે લીગ રાઉન્ડની મૅચો માટે કોલકાતા અને મુંબઈ આવવાનું હતું. જોકે નિશાનબાજી (Shooting)ની ચૅમ્પિયનશિપ 2-14 ફેબ્રુઆરી દરમ્યાન માત્ર દિલ્હીમાં રમાવાની છે. આ સ્પર્ધાના મુકાબલા ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જમાં યોજાશે.
કુલ મળીને 17 દેશના 300 જેટલા સ્પર્ધકો શૂટિંગ ચૅમ્પિયનશિપ માટે ભારત આવી રહ્યા છે. બાંગ્લાદેશના માત્ર બે રાઇફલ શૂટર ચૅમ્પિયનશિપમાં ભાગ લેશે. તેઓ કુલ ત્રણ ઇવેન્ટમાં ભાગ લેવાના છે. બાંગ્લાદેશ સરકારનું માનવું છે કે એના બે નિશાનબાજોને દિલ્હીમાં સલામતીને લગતી કોઈ જ સમસ્યા નહીં નડે.
અગાઉ એવી ચર્ચા હતી કે બાંગ્લાદેશ પોતાના ક્રિકેટરોને ભારત નથી મોકલી રહ્યું એટલે હવે શૂટિંગની સ્પર્ધા માટે પણ નહીં મોકલે. નૅશનલ રાઇફલ અસોસિયેશન ઑફ ઇન્ડિયાના સેક્રેટરી રાજીવ ભાટિયાએ કહ્યું હતું કે ` બાંગ્લાદેશના નિશાનબાજો ભારતના પ્રવાસે આવવાના છે.'