Thu Jan 29 2026

Logo

White Logo

અમદાવાદના અસારવા સ્ટેશનને 'હાઈટેક' બનાવાશે: જાણો કેવી મળશે સુવિધા?

23 hours ago
Author: Vimal Prajapati
Video

સ્ટેશન વિશ્વસ્તરીય બનાવવા માટે આધુનિક ફૂટઓવર બ્રિજ, પાર્કિંગનું કામ ઝડપી બનાવ્યું
 
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ ક્ષેત્રના અસારવા રેલવે સ્ટેશનનો કાયાકલ્પ અમૃત ભારત સ્ટેશન યોજનાના અંતર્ગત ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યો છે. આ મહત્ત્વાકાંક્ષી પરીયોજનાના અંતર્ગત સ્ટેશન ભવન, પ્લેટફોર્મ તેમ જ યાત્રી સુવિધાઓનું વ્યાપક આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામે યાત્રીઓને સુરક્ષિત, સુવિધાજનક તથા આધુનિક યાત્રાનો અનુભવ પ્રાપ્ત થશે.

સ્થાનિક વેપાર, પર્યટન અને રોજગાર પણ પ્રોત્સાહન મળશે

આ સાથે સાથે અમૃત ભારત સ્ટેશન યોજનાના અંતર્ગત થતો આ પુનર્વિકાસ માત્ર મુસાફર સુવિધાઓમાં ગુણાત્મક સુધારો લાવશે. એટલું જ નહીં, પરંતુ સ્થાનિક વેપાર, પર્યટન તથા રોજગારના અવસરોને પણ પ્રોત્સાહન મળી રહેશે. પુનર્વિકસિત અસારવા રેલવે સ્ટેશન આધુનિક, સુરક્ષિત તથા પર્યાવરણ અનુકૂળ સુવિધાઓ સાથે અમદાવાદ ક્ષેત્રના સમગ્ર વિકાસમાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઊભરી આવશે.

પુનર્વિકાસ કાર્યોના અંતર્ગત સ્ટેશન ભવનનું નવીનીકરણ, પ્લેટફોર્મ શેડનું નિર્માણ, પ્લેટફોર્મ રીસર્ફેસિંગ તેમજ પાર્કિંગનું કામ પૂર્ણ કરવામાં આવી ચૂક્યું છે. ઉપરાંત વિવિધ કાર્યો અત્યારે ચાલી રહ્યાં છે. આ કામોની વિગતે વાત કરવામાં આવે તો...

- પ્લેટફોર્મ નંબર 1 પર લગભગ 34,000 વર્ગ ફૂટ તથા પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર અંદાજે 50,000 વર્ગ ફૂટ વિસ્તારમાં કવર શેડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે મુસાફરોને ધુપ, વરસાદ તેમજ પ્રતિકૂળ હવામાનથી રક્ષણ મળશે.

- 40 ફૂટ પહોળા તથા 82 ફૂટ લાંબા ફૂટ ઓવર બ્રિજ દ્વારા પ્લેટફોર્મો વચ્ચે સુરક્ષિત અને સુગમ આવાગમન સુનિશ્ચિત કરવામાં આવશે.

- સર્ક્યુલેટિંગ એરિયાને પ્લેટફોર્મ નંબર 1 ને પ્લેટફોર્મ નંબર 2/3 સાથે જોડવા માટે 40 ફૂટ પહોળા ફૂટઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે યાત્રીઓની અવરજવર સુગમ, સુરક્ષિત તથા સુચારુ બનશે.



- આશરે અડધા એકર વિશાળ પાર્કિંગ વિકસાવવામાં આવ્યું છે, જેમાં ટુવ્હીલર, ફોરવ્હીલર તથા ઓટો રિક્ષા માટે અલગ-અલગ અને સુવ્યવસ્થિત જગ્યાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે.

- આ યોજનાના અંતર્ગત 20 ફૂટ પહોળું ભવ્ય પ્રવેશ અને નિકાસદ્વાર, લગભગ 6500 વર્ગફૂટ ક્ષેત્રફળની કેનોપી સાથે ડેડીકેટેડ પિક-અપ/ડ્રોપ-ઓફ ઝોન તેમજ સુવ્યવસ્થિત સર્ક્યુલેટિંગ એરિયાનું વિકાસ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

- સ્ટેશન પરિસરમાં આકર્ષક લેન્ડસ્કેપિંગ તથા વિશાળ કોન્કોર્સ ક્ષેત્ર વિકસાવવામાં આવી રહ્યો છે, જેના કારણે યાત્રીઓ ને આધુનિક અને આરામદાયક વાતાવરણ મળશે. સ્ટેશન ફસાડ તથા પ્રવેશ દ્વારનું આકર્ષક સૌંદર્યીકરણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સ્ટેશનને આધુનિક અને વિશ્વસ્તરીય ઓળખ મળશે.

- મુસાફરોની સુવિધા માટે ડિલક્સ એ.સી., નોન-એ.સી. તથા સામાન્ય પ્રતીક્ષાલય, દિવ્યાંગજન અનુકૂળ શૌચાલય, આધુનિક ટિકિટિંગ કાઉન્ટર, ડિજિટલ સૂચના પ્રણાલી, પર્યાપ્ત બેઠક વ્યવસ્થા તેમ જ સ્વચ્છ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

- હાલ અસારવા સ્ટેશન પર 12 નિયમિત તેમજ 4 વિશેષ ટ્રેનોનું સ્ટોપેજ છે અને દરરોજ લગભગ 10,600 યાત્રીઓ અહીંથી યાત્રા કરે છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્ટેશનને દરરોજ લગભગ 1,00,000 યાત્રીઓની સુવિધા અનુસાર વિકસાવવામાં આવી રહ્યું છે.