મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થતાં પવાર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મહારાષ્ટ્રના બારામતી એરપોર્ટ નજીક થયેલી આ ભયાનક વિમાન દુર્ઘટનામાં જે રીતે ઘટનાક્રમ બન્યો તે જાણીને સૌ કોઈ સ્તબ્ધ છે. જોકે, આ બધા વચ્ચે આખરે પાંચ મૃતકોમાંથી અજિત પવારના મૃતદેહની ઓળખ કઈ રીતે થઈ એ એક સવાલ છે. ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીએ આ વિશે ખુલાસો કર્યો છે, જોઈએ શું કહ્યું છે આ ઘટનાને નજરે જોનારા સાક્ષીએ...
મહારાષ્ટ્રના રાજકારણમાં જેમનો શબ્દ અંતિમ મનાતો તેવા અજિત પવારનું વિમાન અકસ્માતમાં નિધન થયું છે. બારામતીથી બેથી ત્રણ કિલોમીટર દૂર થયેલાં આ અકસ્માતની તીવ્રતા એટલી વધુ હતી કે અજિત પવારના દેહની ઓળખ પણ માત્ર તેમણે પહેરેલી કાંડા ઘડિયાળ અને કપડાંઓ દ્વારા જ શક્ય બની હતી, એવું આ ઘટનાને નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું હતું.
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, અજિત પવારનું વિમાન લેન્ડિંગ પહેલા આકાશમાં થોડી વાર સુધી ચકર મારી રહ્યું હતું. જોકે, અચાનક વિમાન ખૂબ જ ઝડપથી જમીન પર પટકાયું અને એક મોટો ધડાકો સંભળાયો હતો. સ્ફોટ બાદ વિમાનમાં ભીષણ આગ લાગી ગઈ હતી અને જોતજોતામાં વિમાનના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. ગ્રામજનો બચાવ કાર્ય માટે દોડી આવ્યા હતા, પરંતુ આગની જ્વાળાઓ એટલી ભયાનક હતી કે કોઈને બહાર કાઢવા અશક્ય હતા.
દુર્ઘટના બાદ વિમાનના ટૂકડેટૂકડા થઈ ગયા હતા એવામાં મૃતદેહોને ઓળખવા અત્યંત મુશ્કેલ હતા. રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા મુજબ, અજિત પવારના હાથમાં રહેલી તેમની લાક્ષણિક ઘડિયાળ સુરક્ષિત હતી. જેના પરથી તેમની ઓળખ પક્કી કરવામાં આવી હતી. આ ઓળખ બાદ તેમના મૃતદેહને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
વાત કરીએ આ અકસ્માત કઈ રીતે સર્જાયો હતો એની તો આ અકસ્માત બારામતી એરપોર્ટથી આશરે બેથી ત્રણ કિલોમીટર દૂર એક ઊંડાણવાળા ભાગમાં થયો હતો. આ વિસ્તારમાં ઉંડા ખાડા, ઝાડ-ઝાંખરા અને શેરડીના ખેતરો આવેલા છે. પ્રાથમિક માહિતી મુજબ, ટેકનિકલ ખામીને કારણે વિમાન રન-વે સુધી પહોંચી શક્યું નહીં અને એરપોર્ટની નજીકના ઉતારવાળા ભાગમાં જઈને ખાબક્યું હતું.
અકસ્માત સ્થળેથી થોડે દૂર વિમાનના ટુકડા અને સીટની સાથે સાથે કેટલાક અડધાં બળી ગયેલાં કાગળો અને એક ડાયરી મળી આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે દુર્ઘટનામાં આખું વિમાન બળીને ખાખ થઈ ગયું હોવા છતાં કેટલાક મહત્વના દસ્તાવેજો એકદમ સુરક્ષિત રીતે બહાર ફેંકાઈ ગયા હતા.
આ ગમખ્વાર દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના નિધન થયા હતા છે, જેમાં વિમાનના પાયલટ અને સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ બારામતી સહિત મહારાષ્ટ્રના રાજકારણમાં શોકની લહેર પસરી ગઈ છે. બારામતી ખાતે હોસ્પિટલ બહાર કાર્યકર્તાઓ અને લોકોની ભીડ જોવા મળી રહી છે.