Thu Jan 29 2026

Logo

White Logo

અજિત 'દાદા'નું CM બનવાનું સપનું અધૂરું રહ્યું, પણ 'કાકા'એ કહ્યું હતું...

1 day ago
Author: Kshitij Nayak
Video

'કાકા'-'ભત્રીજા'ના સંબંધોમાં 'ભરતી-ઓટ' આવી પણ...

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું, જેનાથી તમામ પક્ષોના નેતાઓને ઝટકો લાગ્યો છે. અજિત પવારની અચાનક એક્ઝિટથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની સાથે પરિવારને મોટો આંચકો લાગ્યો છે, પરંતુ અજિત પવારની અનેક વાતો અને સાહસો પણ વણઉકેલ્યા રહ્યા છે. હંમેશાં મુખ્ય પ્રધાનની રેસમાં રહેનારા અજિત પવારને ફક્ત નાયબ મુખ્ય પ્રધાનપદેથી સંતોષ માનવો પડ્યો પણ મુખ્ય પ્રધાન તો બની શક્યા નહીં એ પણ સંયોગ હતો. પણ દાદા સીએમ બની શક્યા નહીં એમાંય કાકાના વેણ જવાબદાર હતા કે એ સમગ્ર મુદ્દાને જાણીએ. 66 વર્ષીય અજિત પવારનો અંત પણ માદરે વતન યાને બારામતી નજીક થયો એ પણ સંયોગ છે, પરંતુ પોતાને મુખ્ય પ્રધાન બનવું છે એ વાત પણ ક્યારેય છુપાવી નહોતી.

રાજકીય સંબંધોમાં ઓટ આવ્યા પછી કાકા સાથે રહ્યા
જુલાઈ, 2023માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને શિવસેનાના ગઠબંધનવાળી સરકારમાં સામેલ થયા પહેલા પણ નવેમ્બર, 2019માં દેવેન્દ્ર ફડણવીસ સીએમ સાથે અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા હતા. જોકે, એ સરકાર માંડ બે દિવસ ચાલી હતી. અજિત પવાર પ્રભાવશાળી રાજકારણી હતા. અજિત પવાર એવા નેતા હતા, જેઓ ભાજપ, કોંગ્રેસ, શિવસેનાના કાર્યકાળમાં પણ નાબય મુખ્ય પ્રધાન બન્યા હતા. છેલ્લે છેલ્લે કાકા શરદ પવારથી અલગ થઈને ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિમાં જોડાઈને નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા. જોકે, અજિત પવારે કાકા શરદ પવાર સાથે રાજકીય સંબંધોમાં છેડો ફાડ્યા પછી પણ પારિવારિક સંબંધોમાં સુમેળ જાળવી રાખ્યો હતો. અજિત પવારને કાર્યકરો અને પોતાની પાર્ટીના નેતાઓ સાથે જોરદાર સંબંધો હતો, જેઓ પ્રેમથી અજિત પવારને દાદા (મોટાભાઈ) કહેતા.

ચૂંટણી પંચે એનસીપીનું નામ અજિત પવારને આપ્યું
અજિત પવાર છ વખત નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા, પરંતુ અકોલામાં શરદ પવારે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન બનવાનું અજિત પવારનું સપનું ક્યારેય પૂરું થશે નહીં. એટલે અજિત પવારનું સીએમ બનવાનું સપનું ફક્ત સપનું જ રહેશે. એના પછી મહારાષ્ટ્રમાં ચૂંટણી પછી મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકાર બની હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ભાગલા પાડ્યા પછી અજિત પવારે કાકા શરદ પવાર પાસેથી એનસીપીનું નામ છીનવ્યું હતું અને તેનો અધિકાર ચૂંટણી પંચ પાસેથી પણ લીધો હતો. એના વર્ષો પછી મહાનગર પાલિકાની ચૂંટણીમાં અમુક જગ્યાએ તો શરદ પવાર સાથે યુતિ કરી હતી એનું પણ સૌને આશ્ચર્ય હતું. મહાયુતિના સાથી પક્ષો (ભાજપ યા એકનાથ શિંદે સેના)એ પણ અજિત પવારને લાગતું નથી કોઈ સવાલ કર્યો હોય.

શરદ પવારનો દીકરો હોત તો સીએમ બન્યો હોત
એક ઈવેન્ટમાં અજિત પવારે તો એટલે સુધી કહ્યું હતું કે જો તેઓ શરદ પવારના દીકરા હોત તો સીએમ બન્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે જો પોતે શરદ પવારના દીકરા હોત તો શું મને તક મળી ના હોત. ચોક્કસ મળી હોત. હું શરદ પવારનો દીકરો નથી, તેથી મને તક મળી નહોતી. આ તો અન્યાય છે. 2010થી લઈને અત્યાર સુધીમાં અજિત પવારે છ વખત મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ પદની જવાબદારી સંભાળી હતી, પરંતુ મુખ્યપ્રધાન બનવાની ઈચ્છા પૂરી થઈ નહોતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વખતે પણ એનસીપીના અનેક નેતા અને કાર્યકર્તાઓએ અજિત પવારને મુખ્યમંત્રી બનાવવાની માગણી કરી હતી અને એના સંબંધમાં પોસ્ટર પણ લગાવ્યા હતા. ગયા વર્ષે જ મહારાષ્ટ્ર દિવસે અજિત પવારે સીએમ બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમણે એટલે સુધી કહ્યું હતું કે અત્યાર સુધીમાં તો મુખ્ય પ્રધાન બનવાની તક મળી નહોતી, પરંતુ ભવિષ્યમાં કદાચ સપનું પૂરું થાય.

બારામતીમાં સફર શરુ થઈ અને પૂરી પણ થઈ
અજિત પવાર પુણે જિલ્લા સહકારી બેંકના પ્રમુખ બન્યા હતા અને 16 વર્ષ સુધી એ પદે પણ રહ્યા હતા. આ વર્ષે પણ બારામતીથી લોકસભાની ચૂંટણી માટે ચૂંટાયા હતા, પરંતુ કાકા શરદ પવાર માટે છોડી હતી. એના પછી 1991માં બારામતી લોકસભાની સીટ પરથી પણ ચૂંટાયા હતા પછી કાકા શરદ પવાર માટે એ સીટ ખાલી કરી હતી. 

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયા હતા. અજિત પવારે બારામતીમાંથી 1995, 1999, 2009 અને 2014માં જીત્યા હતા. રાજકીય કારકિર્દીમાં તેમણે કૃષિ, બાગાયત, વીજ, જળસંસાધન, નાણા સહિત અન્ય મહત્ત્વપૂર્ણ મંત્રાલયો સંભાળ્યા હતા. મુંબઈમાં આગામી મહિના દરમિયાન વિધાનસભાના બજેટ (2026-27)નું રાજ્યનું બજેટ રજૂ કરવાના હતા, પણ એ કામ અધૂરું રહેશે.