નવી દિલ્હીઃ ચૈત્ર અને વૈશાખ મહિનનો શરૂ થાય એટલે કાળઝાળ ગરમીના દિવસો શરૂ થાય. તાપમાનનો પારો રેકોર્ડબ્રેક કરી નાંખે અને લૂ રીતસર અકળાવી નાંખે. મૌસમનો સતત અને સખત રીતે બદલતો મિજાજ માત્ર ગરમી લઈને જ આવે એવું બિલકુલ જરૂરી નથી. આ વર્ષે ગરમી કરતા માવઠાએ ચિંતા વધારી દીધી હતી. આની સીધી અસર દૈનિક જીવન પર થાય છે. ખાસ કરીને ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની ચિંતા રાતોરાત વધી જાય છે. આ વર્ષનો ઉનાળો સૌથી આકરો રહેવાના એંઘાણ વર્તાય રહ્યા છે. હીટવેવ અને તાપમાનમાં સતત વધારાને કારણે શહેરો અગનભઠ્ઠી સમાન બની રહેવાના છે.
તાપમાન સીધુ 8 ડિગ્રી વધશે
હવામાન વિભાગના એક રિપોર્ટ અનુસાર એપ્રિલ અને મે, એમ બે મહિનામાં અસામાન્ય કહી શકાય એવી ગરમી પડશે. અનેક એવા શહેરોનું તાપમાન રેકોર્ડબ્રેક રીતે વધશે. દેશના મહાનગર ગણાતા શહેરોમાં તાપમાન ક્રમશઃ 8 ડિગ્રી સુધી વધવાના અણસાર છે. આવી આગ જેવી ગરમીમાં સૌથી વધારે અસર શ્રમિકોને, ડિલેવરી કરતા ડિલેવરી બોયને, ટ્રાફિક પોલીસને, ખેડૂતો તથા વેપારીવર્ગને થાય છે. માત્ર પરસેવો આવે એટલું જ નહીં તાપ લાગશે એટલે રીતસર જાણે અગનભઠ્ઠીમાં બેઠા હોય એવો અહેસાસ થશે. આના કારણે આરોગ્ય પણ જોખમાઈ શકે છે. આવું ન થાય એ માટે કોર્પોરેશન તથા નગરપાલિકાઓએ ખાસ પ્રકારની ગાઈડલાઈન્સ પણ જાહેર કરી દીધી છે.
ત્રણ દિવસ સુધી યથાવત રહેશે યલો એલર્ટ
અમદાવાદ જેવા મહાનગરમાં ત્રણ દિવસ સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, વડોદરા, સુરત અને ભાવનગર જેવા શહેરોમાં તાપમાન વધી શકે છે. ગુજરાત જ નહીં આ વર્ષે તો મહારાષ્ટ્રમાં પણ ગરમીએ રેકોર્ડ સર્જી દીધો છે. અકોલામાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ જ્યારે અમરાવતી, વર્ધા અને નાગપુર જેવા શહેરમાં પણ તાપમાનનો પારો 38થી 41ની વચ્ચે રહ્યો છે.
છત્તીસગઢ, તેલંગણા, બિહાર, ઉત્તર પ્રદેશના નાના શહેરોમાં પણ પારો 44 ડિગ્રી સુધી જઈ શકે છે. તો રાજધાની દિલ્હીમાં પારો 46 ડિગ્રીને પણ સ્પર્શી શકે છે. આના કારણે વીજ વપરાશ વધે છે. પાણીની સપ્લાયને અસર થાય છે. પાણીનો વપરાશ વધે છે. શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં વિશેષ દવાઓનો સ્ટોક રાખવો અનિવાર્ય બની જાય છે. ઓઆરએસ જેવા મહત્ત્વના પીણાની માગ વધે છે.
આ વર્ષનો ઉનાળો સૌથી આકરો
હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું હતું કે, આ વર્ષનો ઉનાળો આકરો એટલા માટે છે કારણ કે, સતત તાપમાન વધતું રહેવાથી હવે આસપાસના વિસ્તારોને પણ માઠી અસર પહોંચે છે. બપોરના સમયે જ્યારે સૌથી વધારે તાપ હોય છે એવા સમયે રસ્તા પર, ઘરની બાહર કે ઓફિસની બાહર નીકળવું મુશ્કેલ બને છે.
એક અઠવાડિયા સુધી તાપમાન સતત વધતુ રહ્યું તો શાળા-કૉલેજના સમયમાં ફેરફાર કરવો પડે એવી સ્થિતિ છે. કારણ કે, લાંબા સમય સુધી તાપ અનુભવાશે. મેં મહિના બાદ પણ તાપની તીવ્રતા ઘટશે નહીં. આટલી કાળઝાળ ગરમી પડવા પાછળનું કારણ સોલાર રેડિએશન, સ્વચ્છ હવામાન, ઓછા વાદળો હોય છે. આ સિવાય ઉત્તર-પશ્ચિમ દિશાથી વહેતા સૂર્યના ગરમ પવનો તાપમાન વધારે છે.
રાતોરાત વધી જાય છે તાપમાન
આ તમામ ફેક્ટર્સ એકસાથે મળી જાય ત્યારે ગરમી એકાએક વધી જાય છે. રાતોરાત તાપમાનનો પારો ઉપર ચડવા લાગે છે. આ વર્ષે જમ્મુ કાશ્મીર અને હિમાલયના પ્રદેશો ગણાતા વિસ્તારમાં ખાસ કોઈ હિમવર્ષા થઈ નથી. આના કારણે સૂર્યના કિરણો જે બરફને પીગાળતા હતા એ પ્રક્રિયા એટલી નથી થઈ. બીજી તરફ પેસિફિક મહાસાગરમાં તાપમાન વધતા એની અસર હવમાનમાં થઈ છે. આના કારણે ઠંડી પવનો ગરમ પવનોમાં ફેરવાયા અને લૂ ફૂંકાવવાનું શરૂ થઈ ગયું. ગ્લોબલ રેંકિગના રિપોર્ટ અનુસાર ભારતમાં વધી રહેલી ગરમી હવે ચિંતાનો વિષય બની રહી છે. આ વર્ષનો ઉનાળો અસાધારણ રહેવાનો છે. આની એક અસર પર્યાવરણને પણ થાય છે.
સમગ્ર એશિયામાં પરિસ્થિતિ વણસી
માત્ર ભારત જ નહીં સમગ્ર એશિયામાં આવેલા રાષ્ટ્રના મહાનગરમાં તાપમાન વધી રહ્યું છે. આ પાછળનું બીજું એક કારણ જે તે રાજ્ય ઉપર સ્વસ્છ હવામાન પણ માનવામાં આવે છે. વધારે પડતાં વાદળોને કારણે તાપ સીધો લાગતો નથી પણ આના કારણે બફારો વધી જાય છે, જે શરીરમાં પરસેવો વધારે છે અને ખંજવાળ કરે છે. આવું માત્ર ભારતમાં થાય છે એવું નથી પણ થાઈલેન્ડ, વિયેતનામ અને ચીનના પણ કેટલાક રાજ્યોમાં આવા તાપની માઠી અસર ઊભી થાય છે. હવે હીટવેવ શરૂ થાય તો પવન પણ ગરમ ફૂંકાય છે. આ કારણે આસપાસની સપાટી સૂર્યપ્રકારની હાજરીમાં લાંબા સમય સુધી ગરમ થાય છે.
આવી થિયરી કામ કરે છે
આ સપાટીનો વિસ્તાર ખૂબ વિશાળ હોય ત્યારે આસપાસના નદી-નાળા કે સમુદ્રી પવનોને પણ આની અસર થાય છે. એટલા માટે સૂર્યાસ્ત બાદ પણ પવન ઠંડો ફૂંકાતો નથી. દરિયા કિનારે પણ ભેજ હોવા છતાં ઠંડક વર્તાતી નથી. આવી સપાટી ઝડપથી ઠંડી પડતી નથી અને પાણીનો છંટકાવ કરવા છતાં ગરમાવો ઠંડકમાં ફેરવાતો નથી. આ કારણે દરિયાકિનારે બપોરે વધારે ગરમી લાગે છે. જ્યાં દરિયો નજીક નથી કે વિશાળ નદી નથી એવી જગ્યાઓ ઉપર પણ આ થિયરી કામ કરે છે આ કારણે સૂર્યાસ્ત બાદ પણ લાંબા સમય સુધી તાપમાન નીચે ઊતરતું હોવા છતાં ગરમી યથાવત રહે છે.