જૂનાગઢ: છેલ્લા ઘણા દિવસોથી જૂનાગઢમાં સાધુ સંતો ગિરનાર બચાવોના નારા લગાવી રહ્યા છે. ત્યારે આજે જૂનાગઢમાં ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા ગિરનાર અને ભવનાથ ક્ષેત્રના રક્ષણ માટે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ માટે શહેરમાં એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી, જેમાં સાધુ-સંતો અને ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોડાયા હતા. આવેદનપત્રમાં જૈન સંપ્રદાયની કેટલીક સંસ્થાઓ અને તત્વો દ્વારા ગિરનાર ક્ષેત્રમાં સનાતન વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હોવાની અને સનાતની હિન્દુ ધર્મસ્થાનો પર ગેરકાયદેસર કબજાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને આપવામાં આવેલા આવેદનપત્રમાં કુલ 60 જેટલી વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં સીતાવન અને તેની આસપાસના રક્ષિત વૃક્ષોનું સંરક્ષણ કરવા , જંગલ વિસ્તારમાં બિનઅધિકૃત રીતે બનાવવામાં આવેલી જૈન ડેરીઓ અને સ્મારકોને તાત્કાલિક દૂર કરવા , તેમજ ગિરનાર ક્ષેત્રમાં જૈન મુનિઓના અગ્નિસંસ્કાર કે સમાધિ સ્થાનો બનાવવા પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગિરનાર પરની સનાતની જગ્યાઓમાં તાત્કાલિક વીજ કનેક્શન આપવા અને વાર્ષિક પાટોત્સવ ઉજવવાની કાયમી મંજૂરી આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
વધુમાં, સમિતિએ ગિરનાર અને ભવનાથ ક્ષેત્રના વિકાસ અને સુવિધા માટે મહત્વના સૂચનો કર્યા છે, જેમાં રોપ-વેની ફી 200 રૂપિયાથી વધુ ન રાખવા , જર્જરિત સીડીઓનો જીર્ણોદ્ધાર કરવા , અને દર 500 પગથિયાંએ પાણી તથા શૌચાલયની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. રા'ખેંગાર મહેલમાં સ્થાપિત સનાતની દેવી-દેવતાઓની મૂર્તિઓની પૂજા-અર્ચના કરવા દેવા અને આ જગ્યાનો કબજો સનાતની સંસ્થાઓને સોંપવાની રજૂઆત પણ કરવામાં આવી છે. આવેદનપત્રમાં ભવનાથ ક્ષેત્રને ઇકો સેન્સેટિવ ઝોનમાંથી બાકાત રાખવા અને રાત્રિ દરમિયાન ભજન-કીર્તનની કાયમી પરવાનગી આપવાની પણ માંગણી છે.
આ વિવાદમાં સમિતિએ ખાસ ચેતવણી આપી છે કે આગામી જુલાઈ માસમાં દત્તાત્રેય ભગવાનના શિખર પર જૈન સંપ્રદાય દ્વારા નિર્વાણ લાડુ ચડાવવાની પ્રક્રિયા રોકવામાં આવે, કારણ કે આ વિધિ સનાતન પરંપરામાં અપવિત્ર ગણાય છે. જો આવી કોઈપણ વિધિ કરવામાં આવશે તો તેનાથી કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાશે અને દેશમાં ધાર્મિક વૈમનસ્ય ઉભું થઈ શકે છે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની રહેશે. આ આવેદનપત્રની નકલ વડા પ્રધાન, મુખ્ય પ્રધાન અને ચારેય મઠના શંકરાચાર્યો સહિતના મહાનુભાવોને પણ રવાના કરવામાં આવી છે.