Thu Apr 23 2026

Logo

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટનાઃ 300 મીટર ઊંડી ખીણમાં વાહન ખાબકતા આઠનાં મોત,  પ્રશાસન એક્શનમાં

2026-04-23 19:07:38
Author: Mumbai Samachar Team
Article Image

તેહરીઃ ઉત્તરાખંડના ચંબા-કોટીકોલોની માર્ગ પર પહાડી વિસ્તારમાં એક વાહન 300 મીટર ઊંડી ખીણમાં ખાબકતા 8 વ્યક્તિના મોત નીપજ્યા છે. આ વાહનમાં કુલ 10 વ્યક્તિઓ અંદર બેઠા હતા. જિલ્લા વહીવટી તંત્રના અધિકારી બૃજેશ ભટ્ટે આઠ વ્યક્તિઓના મૃત્યુના સમાચાર આપ્યા છે, જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે, તેમને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. 

યુદ્ધના ધોરણે બચાવકાર્ય શરૂ કરાયું

રિપોર્ટ અનુસાર, તમામ ઈજાગ્રસ્ત લોકો ઘનસાલીના ચાંજી, ઠેલા અને ચકરેડા ગામના હતા. આ તમામ લોકો કોઈના અંતિમસંસ્કારમાં હાજરી આપવા માટે ગયા હતા. હરિદ્વારથી પરત ફરતી વખતે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાને પગલે ઘનસાલીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. મૃતકોને વાહનમાંથી બાહર કાઢવામાં આવ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી ચંબા પોલીસ અને SDRFની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.  રાહત તથા બચાવકાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું હતું. 

અંતિમ સંસ્કારમાંથી પરત આવતા ઘટના બની

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બપોરના સમયે 3.30 વાગ્યે બની હતી. આ તમામ લોકો હરિદ્વારમાં અંતિમ સંસ્કાર માટે ગયા હતા. હરિદ્વારથી પરત આવતી વખતે આ ઘટના બની હતી. વાહન ખીણમાં પડ્યાની જાણકારી મળતા આસપાસના લોકો બચાવકાર્યમાં જોડાઈ ગયા હતા. ઈજાગ્રસ્ત અને અન્ય લોકોને ખીણમાંથી બાહર કાઢવામાં આવી રહ્યા હતા. ઈજાગ્રસ્તની ઓળખાણ ઉત્તમ પુસ્સુ અને આશા લાલ તરીકે થઈ છે. ઘટનાને ગંભીરતા લઈને વહીવટી તંત્રએ સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જિલ્લા અધિકારી ખંડેલવાલ નિતિકા પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ શોક વ્યક્ત કર્યો હતો. 

મોનિટરિંગ વધારવા આદેશ

મુખ્યમંત્રી ધામીએ કહ્યું હતું કે, ઈજાગ્રસ્ત અને મૃતકો પ્રત્યે મારી સંવેદના છે. ઈશ્વરને પ્રાર્થના છે કે, મૃતકોની આત્માને શાંતિ મળે અને ઈજાગ્રસ્ત છે તે ખૂબ ઝડપથી સ્વસ્થ થાય. મૃતકોના પરિવારજનોને  આ આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે. મુખ્યમંત્રીએ આ સમગ્ર રૂટ પર મોનિટરિંગ વધારવા આદેશ આપ્યા છે. સમગ્ર રૂટની તપાસ કરવાના પણ આદેશ આપ્યા હતા. જોકે, પહાડી વિસ્તારમાં વાહન ખાડીમાં ખાબક્યું હોય એવી આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ કાર અને બસ જેવા વાહનો ખીણમાં ખાબક્યા છે.