(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ માટેની વાટાઘટેો અટકતાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઊછળીને બેરલદીઠ 100 ડૉલરની સપાટી પાર કરી જતાં ફુગાવો વધવાની ચિંતા સપાટી પર આવવાની સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા મંદ પડી હતી. તેમ જ આજે ડૉલર ઈન્ડેક્સમાં પણ મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 8084નો કડાકો બોલાયો હતો અને સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1053થી 1057 ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને ઘટતી બજારે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 8084ના ઘટાડા સાથે રૂ. 2,40,598ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ વિશ્વ બજાર પાછળ નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, આજે ડૉલર સામે રૂપિયો વધુ 23 પૈસા ગબડ્યો હોવાથી આયાત પડતરમાં વધારો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહેતાં વેરારરહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1053ના ઘટાડા સાથે રૂ. 1,50,454 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1057ના ઘટાડા સાથે રૂ. 1,51,059ના મથાળે રહ્યા હતા. આજે ભાવઘટાડો જોવા મળ્યો હોવા છતાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી નિરસ રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડ અને ડૉલરમાં મજબૂત વલણ ઉપરાંત અમેરિકી 10 વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ પણ વધીને એક સપ્તાહની ઊંચી સપાટીએ રહી હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.9 ટકા ઘટીને આૈંસદીઠ 4696.71 ડૉલર અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 0.8 ટકા ઘટીને 4714 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ 3.9 ટકાના કડાકા સાથે આૈંસદીઠ 74.63 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ફુગાવાને ધ્યાનમાં રાખીને તાજેતરમાં સોનામાં ભાવનું વલણ ક્રૂડતેલના ભાવને અનુસરી રહ્યું છે. ક્રૂડતેલના ભાવ વધતાં સોનામાં ઘટાડો અને ક્રૂડતેલના ભાવ ઘટતાં સુધારો જોવા મળી રહ્યો હોવાનું સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ ઓલે હાસને જણાવ્યું હતું.
ઈરાન સાથે વાટાઘાટો પુનઃ શરૂ ન થવાના સંકેતો મળતાં અમેરિકી પ્રમુખે હુમલાની ચેતવણી આપ્યા બાદ ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં બે જહાજોને જપ્ત કર્યા હતા. જોકે, અમેરિકાએ શાંતિ કરારનો ભંગ કરીને નાકાબંધી ચાલુ રાખી વાટાઘાટો માટે અમે સહમત ન હોવાનું ઈરાને જણાવ્યું હોવાથી આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધીને બેરલદીઠ 100 ડૉલરની સપાટી પાર કરી ગયા હતા. તાજેતરમાં રૉઈટર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણના અહેવાલ અનુસાર અમેરિકી ફેડરલ રિઝર્વ આ વર્ષમાં વ્યાજદરમાં કાપ મૂકતાં પહેલા છ મહિના ફુગાવાના દર પર નજર રાખશે અને ત્યાર બાદ વ્યાજ કપાત અંગે કોઈ નિર્ણય લેશે એમ જણાવાયું હતું.