Thu Apr 23 2026

Logo

ઈસ્લામાબાદમાં 10 દિવસથી 'લોકડાઉન' જેવી સ્થિતિ, જનતાના હાલ બેહાલ: જાણો શું છે કારણ

Islamabad   2026-04-23 16:32:56
Author: Devayat Khatana
Article Image

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ સમાપ્ત કરવા યુએસ અને ઈરાનના પ્રતિનિધિ મંડળો પાકિસ્તાનની રાજધાનીમાં વાટાઘાટો યોજવાના છે. યુએસ અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરાવવા બદલ પાકિસ્તાનની સરકાર ગર્વ લઇ રહી છે, ત્યારે ઈસ્લામાબાદના લોકો આ સંભવિત વાટાઘાટોને કારણે હેરાન થઇ રહ્યા છે. 

અહેવાલ મુજબ યુએસ અને ઈરાનના પ્રતિનિધિ મંડળો વચ્ચે વાટાઘાટોની શક્યતાને કારણે ઈસ્લામાબાદમાં છેલ્લા 10 દિવસથી લોકડાઉન જેવી સ્થિતિ છે. શહેરના રસ્તાઓ બંધ છે, બજારો બંધ છે અને તમામ જગ્યાએ સુરક્ષા દળો તૈનાત છે. શહેરના કેટલાક રસ્તાઓ પર સામાન્ય નાગરીકોના પ્રવેશ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જેના કારણે લોકોને હાલાકી થઇ રહી છે.

સંઘર્ષને કારણે પાકિસ્તાનમાં મોંઘવારી વધવાને કારણે સામાન્ય જનતાની કમર પહેલાથી જ તૂટેલી છે, ત્યારે ઇસ્લામાબાદમાં લોકડાઉન જેવી સ્થિતિને કારણે લોકોની હાલત વધુ કફોડી બની છે. પાકિસ્તાનની રાજધાનીની ઇસ્લામાબાદમાં અઘોષિત લોકડાઉન લાગેલું છે. શહેરમાં દુકાનો બંધ છે અને જાહેર પરિવહન બંધ છે. અધિકારીઓ અને ઓફિસ કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે શ્રમિકો કામ વગર રહી ગયા છે. શહેરના રોડ પર સૈનિકો અને પોલીસ અધિકારીઓ જ દેખાય રહ્યા છે.

ઇસ્લામાબાદ અને પડોશી રાવલપિંડીમાં ઘણા કામદારો ઘર ભાડું ચૂકવી શક્યા ન હતાં,  શનિવારે સૂચના આપ્યા વિના એક હોસ્ટેલમાંથી શ્રમિકોને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, જેના કારણે હજારો લોકોને નવા રહેઠાણ શોધવા કરી રહ્યા છે.

ઇસ્લામાબાદમાં થનારી વાટાઘાટો અંગે હજુ પણ અનિશ્ચિતતા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે આગામી 72 કલાકમાં વાટાઘાટો અંગે સારા સમાચાર આવી શકે છે.