પ્રીમિયર લીગમાં ચેલ્સી હાર્યું એટલે ચૅમ્પિયન્સ લીગમાં ક્વૉલિફાય થવાનું મુશ્કેલ બન્યું
લંડનઃ ચેલ્સી ફૂટબૉલ ક્લબની ટીમ છ વખત ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL)નું અને બે વખત ચૅમ્પિયન્સ લીગ (CL)નું ટાઇટલ જીતી ચૂકી છે, પરંતુ મંગળવારે કંઈક એવું જેને કારણે ચેલ્સીની ટીમ મોટી મુસીબતમાં મુકાઈ શકે એવી સ્થિતિ સર્જાઈ છે. આ ટીમ ચૅમ્પિયન્સ લીગ માટે ક્વૉલિફાય ન થઈ શકે એવા સંજોગો ઊભા થયા છે.
મંગળવારે ચેલ્સી (CHELSEA)નો પ્રીમિયર લીગમાં બ્રાઇટન સામે 0-3થી પરાજય થયો હતો જેને કારણે ચૅમ્પિયન્સ લીગમાં ક્વૉલિફાય થવાનું એને માટે મુશ્કેલ થઈ ગયું છે. બ્રાઇટન સામેના પરાજયને પગલે ચેલ્સીની ટીમ સાતમા નંબરે જતી રહી છે. પ્રીમિયર લીગની ટોચની પાંચ ટીમને જ ચૅમ્પિયન્સ લીગમાં ક્વૉલિફાય થવા મળે છે. હવે પ્રીમિયર લીગના ચાર જ રાઉન્ડ બાકી છે એટલે ચૅમ્પિયન્સ લીગમાં પ્રવેશ મેળવવાની બાબતમાં ચેલ્સી માટે ખાંડાની ધાર પર ચાલવા જેવી હાલત થઈ ગઈ છે.
ચેલ્સી સામેની મૅચમાં બ્રાઇટન વતી ફર્ડી કૅડિયોગ્લુએ ત્રીજી મિનિટમાં, જૅક હિન્શેલવૂડે 56મી મિનિટમાં અને ડૅની વેલ્બેકે 91મી મિનિટમાં ગોલ કર્યો હતો.
ચેલ્સીની હાલત અત્યારે કફોડી હોવાનું મોટું કારણ એ છે કે આ ટીમ તમામ સ્પર્ધાઓમાં કુલ આઠમાંથી સાત મૅચ હારી છે. હજી એક વર્ષ પહેલાં ક્લબ વર્લ્ડ કપનો તાજ જીતનારી ટીમ છેલ્લી નવમાંથી એક જ મૅચ જીતી છે. એટલું જ નહીં, છેલ્લી પાંચ મૅચમાં ચેલ્સીના ખેલાડીઓ એકેય ગોલ નથી કરી શક્યા. ફૂટબૉલ નિષ્ણાતો કહે છે કે `ચેલ્સીની હાલની જે હાલત છે એ અગાઉ છેક 1912માં હતી. એ વર્ષ એવું કમનસીબ હતું જેમાં ટાઇટનિક જહાજ ડૂબી ગયું હતું.