નવી દિલ્હી/કોલકાતા/ચેન્નઈઃ લોકશાહીના મહાપર્વ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આજે મતદારોએ એકંદરે શાંતિપૂર્વક પણ ઐતિહાસિક મતદાન કર્યું. જોકે, પશ્ચિમ બંગાળમાં દસેક જગ્યાએ હિંસા-અશાંતિના માહોલ વચ્ચે મતદાન સંપન્ન થયું હતું, પરંતુ તમિલનાડુમાં શાંતિપૂર્ણ વોટિંગ થયું હતું.
પશ્ચિમ બંગાળમાં 152 બેઠક માટેના પહેલા તબક્કાનું ઐતિહાસિક મતદાન કરવામાં આવ્યું છે, જ્યારે તમિલનાડુની 17મી વિધાનસભાની ચૂંટણી માટે એકસાથે વોટિંગ કરાયું પણ મતદારોએ વોટિંગ માટે જોરદાર ઉત્સાહ દાખવ્યો. પશ્ચિમ બંગાળમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં 89.93 ટકા મતદાન થયું છે, જે અગાઉની તુલનામાં વધુ છે, જ્યારે તમિલનાડુમાં પાંચ વાગ્યા સુધી 82.84 ટકા મતદાન થયું છે. ઐતિહાસિક મતદાનને કારણે બંને રાજ્યમાં મતદારોએ નવી સરકાર માટે મન બનાવ્યું હોઈ શકે છે, જે પરિવર્તન લાવી શકે છે, એમ પણ રાજકીય વર્તુળોએ જણાવ્યું હતું.
પ. બંગાળમાં છેલ્લી ત્રણ ચૂંટણીની તુલનામાં વધુ મતદાન
પશ્ચિમ બંગાળની ચૂંટણી પર સમગ્ર દેશની નજર છે, જ્યાં સત્તાધારી પાર્ટી તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની વચ્ચે પહેલાથી ખેંચાખેંચી જોવા મળી રહી છે. આજે ચૂંટણીના દિવસે બીરભૂમ જિલ્લાના દુબરાજપુર વિધાનસભા વિસ્તારમાં તણાવ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળમાં જૂના આંકડાની વાત કરીએ તો 2011માં 84.72 ટકા મતદાન થયું હતું, જ્યારે 2016માં 83.02 ટકા તથા 2021માં 82.30 ટકા. મતલબ આ વખતે મતદારોએ વધુ ઉત્સાહ દાખવીને ઐતિહાસિક મતદાન કર્યું છે.
29 એપ્રિલના બીજા તબક્કાનું થશે વોટિંગ
પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન રઘુનાથગંજ વિધાનસભા વિસ્તારમાં થયું, ત્યાર પછી અલીપુરદુઆર, જલપાઈગુડી, કલિમ્પોંગ, દાર્જિંલિંગ, ઉત્તર દિનાજપુર મતદાન થયું. ઉપરાંત દક્ષિણ દિનાજપુરમાં રેકોર્ડ બ્રેક મતદાન થયું. પહેલા તબક્કામાં 16 જિલ્લાની 152 સીટ પર વોટિંગ કરવામાં આવ્યું હતું. સવારથી લઈ સાંજ સુધી મતદારોએ મતદાન કરવા માટે લાંબી લાઈનો લગાવી હતી. પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામ, ખડગપુર, પુરુલિયા, બાંકુરા અને ઝારગ્રામની સીટનો સમાવેશ થાય છે. રાજ્યમાં બીજા તબક્કાની 29 એપ્રિલના 142 સીટનું મતદાન કરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ તૃણમુલ કોંગ્રેસ પાર્ટી
કોલકાતામાં રેલીને સંબોધતા મમતા બેનરજીએ કહ્યું હતું કે ચૂંટણીના પહેલા તબક્કામાં અત્યાર સુધીના મતદાનથી ટીએમસી જીતની સ્થિતિમાં હોવાના સંકેતો મળી રહ્યા છે. મને કોઈ હોદ્દાની પડી નથી, પરંતુ હું તો ફક્ત કેન્દ્રમાં ભાજપ સરકારનો અંત ઈચ્છું છું. બીજી બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચોથી મેના મમતા સરકારની એક્સપાયરી ડેટ હોવાનું જણાવ્યું હતું. ભાજપના સાંસદ મનન કુમાર મિશ્રાએ કહ્યું હતું કે ચોથી મેના મમતાદીદી જશે. છેલ્લી બે-ત્રણ ચૂંટણીમાં મતદારો મતદાન કરવા જતા નહોતા, પરંતુ હવે એ ડર દૂર થઈ ગયો છે.
તમિલનાડુમાં પણ બમ્પર મતદાન
આ વર્ષે તમિલનાડુમાં સરેરાશ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થયો છે. સવારથી લોકોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં બમ્પર મતદાન થયું. વોટિંગ માટે લોકો લાંબી લાંબી લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું હતું. બપોરના એક વાગ્યા સુધી રાજ્યમાં 56.81 ટકા મતદાન થયું હતું, પરંતુ બપોરના લોકો ગરમી સહન કરીને પણ મતદાન કેન્દ્રોએ પહોંચ્યા હતા.
બપોરના એક વાગ્યાથી ત્રણ વાગ્યાની વચ્ચે 70 ટકા મતદાન થયું હતું, જ્યારે પાંચ વાગ્યા સુધીમાં 82.24 ટકા મતદાન નોંધાયું છે. ભીષણ ગરમી હોવા છતાં મતદારોના વોટિંગ કરવાના ઉત્સાહમાં જરાય ઘટાડો થયો નથી. રાજ્યમાં તાપમાનનો પારો 39 ડિગ્રી પાર થયો હોવા છતાં ચેન્નઈ, કોઈમ્બતુર, મદુરાઈ સહિત અન્ય શહેરોમાં નાગરિકોએ પોતાની ફરજ બજાવી હતી.
સેલમ, ચેન્નઈ, મદુરાઈ જિલ્લામાં વધુ વોટિંગ
તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી માટે સાઉથના મોટા ભાગના સ્ટારકાસ્ટે મતદાન કર્યું હતું, જેમાં રજનીકાંત, કમલ હાસનનો સમાવેશ થયો હતો. ઉપરાંત, સીએમ એમકે સ્ટાલિન, ડેપ્યુટી સીએમ ઉદયનિધિ સ્ટાલિન, ટીવીકે પ્રમુખ વિજય વગેરે ચેન્નઈમાં મતદાન કર્યું હતું. 234 વિધાનસભાની બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થયું હતું, જેમાં સેલમ જિલ્લામાં સૌથી વધુ વોટિંગ થયું હતું. ચેન્નઈમાં 68.13 ટકા, જ્યારે મદુરાઈમાં 67.15 ટકા, કોઈમ્બતુરમાં 71.16 ટકા, તિરુચિરાપલ્લી જિલ્લામાં 71.05 ટકા મતદાન થયું.