Thu Apr 23 2026

Logo

ડૉલર સામે રૂપિયામાં સતત ચોથા સત્રમાં પીછેહઠ

2026-04-23 19:25:53
Author: Ramesh Gohil
Article Image

23 પૈસા તૂટીને મહિનામાં બીજી વખત 94ની સપાટી કુદાવી 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ પ્રબળ રહેતાં ડૉલરમાં આક્રમક લેવાલી રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કટમાં સતત ચોથા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં ધોવાણ જળવાઈ રહેતાં ડૉલર સામે રૂપિયો 23 પૈસાના ગાબડાં સાથે 94.01ના મથાળે બંધ રહ્યો હતો અને એક મહિનામાં બીજી વખત ડૉલર સામે રૂપિયાએ 94ની સપાટી કુદાવી હોવાનુ સૂત્રોએ જણાવતા ઉમેર્યું હતું કે આજે સત્ર દરમિયાન નીચામાં 94.17 સુધી તૂટ્યો હતો, પરંતુ સંભવિતપણે રિઝર્વ બૅન્કનો હસ્તક્ષેપ રહેતા ધોવાણ મર્યાદિત રહ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 93.78ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 94.03ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 94.17 સુધી ગબડ્યો હતો અને ઉપરમાં 93.78 સુધી મજૂબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 23 પૈસાના કડાકા સાથે 94.01ના મથાળે બંધ રહ્યો હતો.

નોંધનીય બાબત એ છે કે છેલ્લાં ચાર સત્રમાં ડૉલર સામે રૂપિયામાં 110 પૈસાનો કડાકો બોલાઈ ગયો છે. તેમ જ પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ સપાટી પર આવ્યો ત્યારથી અર્થાત્‌‍ ગત 28મી ફેબ્રુઆરીનાં રોજથી અત્યાર સુધીમાં ડૉલર સામે રૂપિયાએ બીજી વખત 94ની સપાટી કુદાવી છે. આ પૂર્વે 23મી માર્ચનાં રોજ રૂપિયો 94ની ઉપર બંધ રહ્યો હતો અને તે દિવસે સત્ર દરમિયાન ઐતિહાસિક 95.22ની સપાટી સુધી ગબડ્યો હતો. 

અમેરિકા-ઈરાન વચ્ચેની વાટાઘાટોની અનિશ્ચિતતા વચ્ચે હાલ વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં જોવા મળી રહેલી તેજી અને ઈક્વિટી માર્કેટની નરમાઈને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 93.80થી 94.50ની રેન્જમાં રહે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી. 

આજે વૈશ્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.12 ટકા વધીને 98.53 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 1.88 ટકા વધીને બેરલદીઠ 103.83 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. વધુમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2078.36 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશ ઉપરાંત આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 852.49 પૉઈન્ટનો અને 205.05 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી ગબડતાં રૂપિયાને ઢાળ મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.