Thu Apr 23 2026

Logo

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં મતદારોને ડરાવવામાં આવ્યાંના આરોપ! EC એ માંગ્યો રિપોર્ટ

2026-04-23 12:29:00
Author: Vimal Prajapati
Article Image

મુર્શિદાબાદઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા દરમિયાન મુર્શિદાબાદ જિલ્લાના ડોમકલમાંથી ગેરરીતિ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે ચૂંટણી પંચે સંબંધિત અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો છે. એવો આરોપ છે કે ડોમકલમાં ઘણા લોકોને મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ મતદારોને ડરાવવા અને ધમકાવવામાં આવ્યાં છે. આ આરોપ ટીએમસીના કાર્યકર્તાઓ પર લાગ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ડોમકલમાં મતદાન કરતા અટકાવવાના પ્રયાસો

પશ્ચિમ બંગાળના ડોમકલમાં મતદારોને ડરાવવા અને તેમને મતદાન કરતા અટકાવવાના પ્રયાસો અંગે ચૂંટણી પંચે રિપોર્ટ માંગ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ડોમકલમાં અનેક મતદારોએ ફરિયાદ કરી છે કે, તેમને મતદાન પહેલા ડરાવવામાં આવ્યાં હતાં. કેટલાક લોકો દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, તેમને પોલિંગ બુથ પર જતા રોકવામાં આવ્યાં હતાં. 

સત્તાધારી પાર્ટી ટીએમસી પર લાગ્યાં આ તમામ આરોપ 

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે વિધાનસભાના રાયપુર ગામાં પણ સવારથી હથિયારો સાથે અસામાજિ તત્વો હાજર રહ્યા હતા. આ સ્થિતિના કારણે મતદાન દરમિયાન સગ્રમ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. ચોંકાવનારી વાત એ છે કે, આ તમામ આરોપ સત્તાધારી પાર્ટી ટીએમસી પર લાગ્યાં છે. જો કે, ટીએમસી દ્વારા આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આરોપ એવો એવો પણ છે કે, વહેલી સવારે સ્થાનિક પોલીસ કે કેન્દ્રીય દળો આ વિસ્તારમાં દેખાતા નહોતા. પરંતુ સ્થિતિ કાબૂમાં લેવા માટે બાદમાં કેન્દ્રીય દળો સાથે પોલીસનો મોટો કાફલો આ વિસ્તારમાં પહોંચ્યો હતો. 

આ મામલે અધિકારીઓનું કહેવું છે કે, આ ગેરરીતિ અંગે ચૂંટણી પંચ દ્વારા આ સંદર્ભમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. અધિકારીઓએ વધુમાં માહિતી આપી હતી કે, ત્યારબાદ, મતદારોને સુરક્ષા ઘેરાબંધી હેઠળ મતદાન મથકો પર લઈ જવામાં આવ્યા હતા, અને ત્યાં વ્યવસ્થિત રીતે મતદાન ફરી શરૂ થયું હતું.