Tue Oct 06 2026

Logo

'બેબી ફૂડ'ને લઈ FDA એક્શનમાં: પેકેજિંગ અને જાહેરાતો પર લાગુ થશે પ્રતિબંધ?

2026-09-29 20:17:02
Author: Mumbai Samachar Team
'બેબી ફૂડ'ને લઈ FDA એક્શનમાં: પેકેજિંગ અને જાહેરાતો પર લાગુ થશે પ્રતિબંધ?

Chat GPT Generated Image


મુંબઈઃ તમારા બાળકના હાથમાં બેબી ફૂડનું પેકેટ આપતા પહેલા હવે તેની જાહેરાત અને પેકેટ પર શું લખ્યું છે તેના પર પણ નજર રાખવી પડશે. મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ બે વર્ષથી નાની ઉંમરના બાળકોના ખોરાક અને પોષણને લઈને નિયમો વધુ કડક કરવાનો નિર્ણય લીધો છે. એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ સ્પષ્ટ કર્યું છે કે માતાના દૂધને કોઈપણ રીતે બેબી ફૂડના વિકલ્પ તરીકે રજૂ કરી શકાય નહીં. નવા નિયમો હેઠળ બેબી ફૂડના પેકેટ પર ખાસ વૈધાનિક ચેતવણી આપવી પડશે અને ભ્રામક જાહેરાતો પર નિયંત્રણ રહેશે.

બેબી ફૂડના પેકેટ પર હવે શું બદલાશે?

નવા નિયમો મુજબ બેબી ફૂડના પેકેટ પર “માતાનું દૂધ જ બાળક માટે શ્રેષ્ઠ દૂધ છે” એવી સ્પષ્ટ ચેતવણી લખવી ફરજિયાત રહેશે. સાથે જ ઉત્પાદન માત્ર પૂરક ખોરાક છે અને તેનો ઉપયોગ છ મહિનાની ઉંમર બાદ ડૉક્ટરની સલાહ મુજબ કરવો જોઈએ તે અંગેની માહિતી પણ આપવી પડશે. પેકેટ પર માતા અને બાળકના ફોટોગ્રાફના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જાહેરાતોમાં પણ કંપનીઓએ સાવચેત રહેવું પડશે. માતાના દૂધની સમકક્ષ અથવા તેનો વિકલ્પ હોવાનો ભ્રામક દાવો કરતી જાહેરાતો પર પ્રતિબંધ રહેશે. ગ્રાહકોને આકર્ષવા માટે મફત સેમ્પલ, ડિસ્કાઉન્ટ કૂપન અથવા ભેટ આપવાની પ્રથાને પણ નિયમોમાં આવરી લેવામાં આવી છે. આ નિયમો સ્થાનિક સપ્લાયરો, મૂળ બ્રાન્ડ માલિકો અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ માટે લાગુ પડશે.

મહારાષ્ટ્રમાં સ્તનપાનના આંકડા પણ ચિંતાજનક

એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ જણાવ્યું કે રાજ્યમાં સ્તનપાનનું પ્રમાણ 65 ટકાથી ઘટીને 58 ટકા થયું છે. તેમના જણાવ્યા મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રમાણ આશરે 75 ટકા છે, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 52 ટકા સુધી ઘટ્યું છે. જન્મ બાદના પ્રથમ એક કલાકમાં બાળકને સ્તનપાન કરાવવાના પ્રમાણ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.

બેબી ફૂડના સેમ્પલમાં પણ સામે આવી ચૂક્યા છે નિયમભંગ

મહારાષ્ટ્ર એફડીએની નજર હવે માત્ર જાહેરાતો પર જ નહીં, પરંતુ બેબી ફૂડની ગુણવત્તા અને લેબલિંગ પર પણ છે. સરકારી આંકડા મુજબ 2024-25 દરમિયાન દેશભરમાં ઇન્ફન્ટ મિલ્ક સબ્સ્ટિટ્યૂટ્સ અને ઇન્ફન્ટ ફૂડના 522 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાંથી 45 સેમ્પલ નિયમો મુજબ ન હોવાનું સામે આવ્યું હતું. તેમાં 5 સેમ્પલ અસુરક્ષિત, 18 સબ-સ્ટાન્ડર્ડ અને 22 સેમ્પલમાં લેબલિંગ, ભ્રામક દાવા અથવા અન્ય પ્રકારની ખામીઓ મળી હતી.

એફડીએનું ફોકસ હવે બાળકોના પોષણ પર

તુકારામ મુંઢેએ જણાવ્યું કે નવજાત અને નાના બાળકોના પોષણ તથા આરોગ્ય સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે. એફડીએ દ્વારા અગાઉ પણ ખાદ્ય સુરક્ષા અને ભ્રામક દાવાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે બે વર્ષથી નાની ઉંમરના બાળકો માટેના ખોરાક અને પોષણ ઉત્પાદનો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

આ નિર્ણયનો સીધો અસર બેબી ફૂડ બનાવતી કંપનીઓ, વિતરકો, રિટેલર્સ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર પડશે. ખાસ કરીને ઉત્પાદનના પેકેજિંગ, જાહેરાત અને ગ્રાહકોને આપવામાં આવતી પ્રચારાત્મક ઓફર્સ અંગે પણ હવે કંપનીઓએ નિયમોનું પાલન કરવું પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી એફડીએ દ્વારા આપવામાં આવી છે.