મથુરાઃ વૃંદાવનની ભૂમિ પર જ નહી, સમગ્ર દેશમાં જાણીતા સંત પ્રમાનંદ મહારાજના આશ્રમમાંથી 25 સપ્ટેમ્બરે એક અનુયાયી રસીક દુલારીએ ઉર્ફે દીપક લોધીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થતા અનેક શંકા-આશંકા સેવાઈ રહી છે. આશ્રમના ચોથા ફ્લોર પરથી દીપક કૂદી જતા શરૂઆતમાં મામલો આત્મહત્યાનો લાગતો હતો. પણ પછી પોલીસે તપાસ શરૂ કરતા અનેક વિષયો પર આશ્રમ શંકાના દાયરામાં આવી ગયો છે.
હવે આ કેસની એક સ્યૂસાઈડ કેસ તરીકે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે તો મળી આવેલા કેટલાક પુરાવા માટે ફોરેન્સિક ટીમની મદદ લેવામાં આવી રહી છે. કેટલાક એવા સવાલ છે જે ખરેખર વિચારવા માટે મજબૂર કરી દે છે.
80થી વધુ લોકોના નિવેદન નોંધાયા
મથુરા પોલીસે કેસને ગંભીરતાથી લઈ અત્યાર સુધીમાં કુલ 85 લોકોનાં નિવેદન નોંધી લીધા છે. રસીક દુલારીના બ્લડ સેમ્પલને ફોરેન્સિકમાં મોકલી દેવામાં આવ્યા છે. આ અંગેનો એક રિપોર્ટ સામે આવ્યા બાદ વધુ ખુલાસા થઈ શકે છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર તપાસ દરમિયાન પોલીસને એ જાણવા મળ્યું હતું કે, આશ્રમમાં કેટલાક નિયમો હતા. આ નિયમોનું કડકપણે પાલન કરવાનું રહેતું હતું.
આશ્રમના સાધક કે શિષ્ય બનવા માટે વ્યક્તિ પાસેથી એનો મોબાઈલ ફોન લઈ લેવામાં આવતો અને આશ્રમના કાર્યાલયમાં જમા કરાવવો પડતો. એ પછી આશ્રમ તરફથી બીજો મોબાઈલ ફોન આપવામાં આવતો અને તેમાં અલગ સિમકાર્ડનો નંબર હતો. આ કેસમાં પોલીસ હવે એ વિગત શોધી રહી છે કે, નવો મોબાઈલ અને તેના સિમકાર્ડનો ઉપયોગ કેવી રીતે થતો હતો? શું તેના કોલ્સ અને મેસેજ પર સતત વૉચ રાખવામાં આવતી હતી? આ સાથે સાધકના જુના સંપર્ક અને બેગ્રાઉન્ડ પર સતત તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આશ્રમમાં એના બેગ્રાઉન્ડ અંગેની જાણકારી કોની પાસે છે અને ક્યાં સ્ટોર કરવામાં આવી છે.
ગુપ્તાંગ અડધું કપાયેલું
તપાસમાંથી એ વાત પણ સામે આવી છે કે, રસીક દુલારીના શરીર પર કેટલાક ઈજાના નિશાન મળ્યા છે. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજમાં એની ચાલને શંકાસ્પદ રીતે જોવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ અને પોલીસ તપાસમાંથી એ વિગત સામે આવી છે કે, તેના ગુપ્તાંગને ગંભીર રીતે ઈજા પહોંચાડવામાં આવી છે. ગુપ્તાંગનો અડધો ભાગ પણ કપાઈ ચૂક્યો હતો. તા. 25 સપ્ટેમ્બરના સવારે તે પોતાના રૂમની બાહર નીકળ્યો એ સમયે એના કપડાં પર લોહીના ડાઘ હતા. સીડી ચડીને તે ચોથા ફ્લોર સુધી પહોંચ્યો હતો. ત્યાં થોડીવાર માટે બેસી ગયો અને પછી થોડા સમય બાદ ત્યાં સૂઈ ગયો. પછી 10.36 વાગ્યે તે છત પરથી કુદી ગયો હતો.
આટલા ભયાનક અને પીડાદાયક ઘાવ હોવા છતા તેના ચહેરા પર કોઈ ખાસ ભાવ જોવા મળતા નથી. અસહ્ય દર્દ હોવા છતા એના ચહેરા પર કોઈ સંકેત દેખાતા નથી. આ કારણે પોલીસ માટે આ કેસ વધારે રહસ્યમય બની ગયો છે. પોલીસ એ દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે કે, ખરેખર એને કોઈ નશીલા પદાર્થ આપવામાં આવ્યા હતા કે નહીં? વગર કોઈ દર્દે એની હલનચલન પોલીસ માટે રહસ્ય છે.
રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે
બ્લડ સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે, એને કોઈ નશીલો પદાર્થ આપવામાં આવ્યો હતો કે નહીં. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, રસીક પૂરી રીતે હોશમાં હતો કે પછી નશાની સ્થિતિમાં પોતાની જાતને સ્ટેબલ કરી રહ્યો હતો? પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, રસીકનું જીવન આશ્રમમાં આવ્યો એ પહેલા કેવું હતું. આશ્રમમાં આવ્યા બાદ એના જીવનમાં શું પરિવર્તન આવ્યું.
પોલીસ હવે તેના મોબાઈલની વિગત, વોટ્સએપની ચેટ તથા ડિજિટલ સબુતની તપાસ કરી રહી છે. મથુરા પોલીસ તેના પરિવારજનોની પણ પૂછપરછ કરી રહી છે. રસીકે ક્યારેક આશ્રમના નિયમ અને કેટલાક પાસા અંગે વાતચીત કરી હતી કે કેમ? સમગ્ર કિસ્સો સામે આવતા હવે ફરી મથુરાના બીજા કેટલાક આશ્રમના નિયમ સામે ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે.
આ ઉપરાંત, કેટલાક આ પ્રકારના કિસ્સામાં આશ્રમના બીજા કેટલાક કાર્યકર્તા અને અનુયાયીઓની ભૂમિકા પણ શંકાના દાયરમાં હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આશ્રમના નિયમોની સૌથી વધારે ચર્ચા થાય છે પણ જે રીતે પોલીસે તપાસ કરી એને ધ્યાને લેતા પોલીસ ટીમ હજું પણ આશ્રમના કેટલાક પાસાની તપાસ કરી શકે છે.