Thu Oct 08 2026

Logo

સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ટીમની નવી કૅપ્ટન નિયુક્તઃ બે ફૉર્મેટમાં અલગ વાઇસ-કૅપ્ટન મળી...

2026-10-06 22:21:24
Author: Ajay Motiwala
સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ટીમની નવી કૅપ્ટન નિયુક્તઃ બે ફૉર્મેટમાં અલગ વાઇસ-કૅપ્ટન મળી...

નવી દિલ્હીઃ સ્મૃતિ મંધાના (Mandhana)ને મંગળવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી કૅપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. હરમનપ્રીત સિંહે અચાનક કૅપ્ટન્સી છોડી દીધી એને પગલે ક્રિકેટ બોર્ડે સ્મૃતિને નૅશનલ વિમેન્સ ટીમનું સુકાન (Captaincy) સોંપ્યું છે. શેફાલી વર્માને ટી-20ની અને દીપ્તિ શર્માને વન-ડે ટીમની વાઇસ કૅપ્ટન નીમવામાં આવી છે.

30 વર્ષની સ્મૃતિ ભારતની ટોચની બૅટર તો છે જ, અનેક વિક્રમો પોતાના નામે કરવા બદલ તે સમગ્ર ક્રિકેટજગતમાં પણ લોકપ્રિય છે. હરમનપ્રીત કૌરે મંગળવારે સુકાન છોડતી વખતે જાહેર કર્યું હતું કે તે હવે માત્ર ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખશે. તેને ઝિમ્બાબ્વે સામે આગામી 16-28 ઑક્ટોબર ઘરઆંગણે રમાનારી ટી-20 અને વન-ડે ટીમમાં સામેલ કરવામાં આવી છે.

ઝિમ્બાબ્વે સામેની 16, 18 અને 20 ઑક્ટોબરની ત્રણ ટી-20 રાયપુરમાં અને ત્યાર પછી 23, 25 અને 28 ઑક્ટોબરની ત્રણ વન-ડે વડોદરામાં રમાશે.

કઈ ટીમમાં કોણ?

ટી-20 ટીમઃ મંધાના (કૅપ્ટન), શેફાલી (વાઇસ-કૅપ્ટન), નિકી પ્રસાદ, હરમનપ્રીત, અનુષ્કા શર્મા, રિચા (વિકેટકીપર), કમલિની (વિકેટકીપર), દીપ્તિ, પ્રેમા, શ્રી ચરની, નંદની, ક્રાંતિ ગૌડ, અરુંધતી, જે. કલિતા, મિનુ મની.

વન-ડે ટીમઃ મંધાના (કૅપ્ટન), પ્રતીકા, શેફાલી, હરમનપ્રીત, હર્લીન દેઓલ, તેજલ, દીપ્તિ (વાઇસ-કૅપ્ટન), રિચા (વિકેટકીપર), યસ્તિકા (વિકેટકીપર), વૈષ્ણવી, નંદની, શ્રી ચરની, ક્રાંતિ ગૌડ, સાયલી, રેણુકા.

હરમનપ્રીત કૌરનો કૅપ્ટન્સીનો રેકૉર્ડ અસાધારણ છે

(1) ટેસ્ટ-ક્રિકેટમાં પાંચમાંથી ચાર મૅચમાં ભારતની જીત, 80.00 ટકાનો વિનિંગ રેશિયો
(2) વન-ડેમાં 51માંથી 30 મૅચમાં ભારતની જીત, 58.82 ટકાનો વિનિંગ રેશિયો
(3) ટી-20માં 155માંથી 92 મૅચમાં ભારતની જીત, 59.35નો વિનિંગ રેશિયો
(4) એકંદરે, હરમનપ્રીતનો કૅપ્ટન તરીકેનો વિનિંગ રેશિયો 59.71 છે.
(5) ટી-20 ઇન્ટરનૅશનલમાં 150થી વધુ મૅચમાં નેતૃત્વ સંભાળનાર હરમનપ્રીત (મહિલા અને પુરુષ, બન્ને વર્ગમાં) વિશ્વની સૌપ્રથમ ખેલાડી છે.