નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષના બીજા છ માસિકગાળામાં દેશમાં સ્ટીલની માગમાં આઠથી 10 ટકા વધારો થવાની શક્યતા ટાટા સ્ટીલના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર અને મેનેજિંગ ડિરેક્ટર ટી વી નરેન્દ્રને વ્યક્ત કરી છે.
અત્રે યોજાયેલ ઈન્ડિયન ફાઉન્ડેશન ફોર ક્વૉલિટી મેનેજમેન્ટ (આઈએફક્યુએમ) સિમ્પોઝિયમ 2026 પશ્ચાત્ તેમણે પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું કે હાલમાં તમામ વપરાશકાર ક્ષેત્રોની માગ મજબૂત હોવાને કારણે વર્તમાન નાણાકીય વર્ષના બીજા છ માસિકગાળાની માગ અંગે અમે આશાવાદી છીએ અને ઉદ્યોગની માગમાં આઠથી 10 ટકા વધારો થઈ શકે છે.
વધુમાં નેધરલેન્ડનાં પ્રસ્તાવિત પ્રોજેક્ટ અંગે તેમણે જણાવ્યું હતું કે કંપની સક્રિયપણે સરકાર સાથે ચર્ચા કરી રહી છે અને કરાર થતાં પૂર્વે તમામ મુદ્દાઓને ઉકેલ લાવવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે કૉક ઑવન ક્લોઝર સંબંધિત સમસ્યાઓ છે. સ્ટીલ સ્લેહનું વર્ગિકરણ અને સંચાલન કેવી રીતે કરવું તે બાબતે સમસ્યા છે, તેથી કોઈપણ બંધનકર્તા કરાર પર પહોંચતા પહેલા આ તમામ મુદ્દાઓ પર ધ્યાન આપવાની આવશ્યકતા છે. ભારત સ્થિત ટાટા સ્ટીલ નેધરલેન્ડ ખાતે એક સ્ટીલ એકમ ધરાવે છે જેની વાર્ષિક સ્થાપિત ક્ષમતા અંદાજે 60 લાખ ટનની છે.
કંપનીએ ઓછું કાર્બન ઉત્સર્જન કરતી સ્ટીલ પ્રક્રિયાઓ સ્થાપિત કરીને ઉત્પાદન કાર્યક્ષમતા વધારવા, ખર્ચ ઘટાડવા અને પ્રોડક્ટ મિક્ષ તથા માર્જિનને વાજબી સ્તર પર લાવવા માટે પરિવર્તન કાર્યક્રમ અપનાવ્યો છે.