Wed Oct 07 2026

Logo

અમદાવાદના ન્યુ રાણીપના બાળક અપહરણના કેસનો પર્દાફાશ, એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ

2026-10-06 19:20:14
Author: Chandrakant Kanoja
અમદાવાદના ન્યુ રાણીપના બાળક અપહરણના કેસનો પર્દાફાશ, એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ

અમદાવાદ: અમદાવાદના ન્યુ રાણીપના અહવાલીયા તળાવ નજીક ફૂટપાથ પરથી એક માસના બાળકના અપહરણના કેસનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો. પોલીસે અપહરણ કેસમાં એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. તેમજ આ અપહરણ નિ:સંતાન દંપતીને બાળક વેચવાના ઇરાદે કરવામાં આવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. 

બાળકનો પત્તો ન લાગતા પોલીસને જાણ કરી હતી

આ સમગ્ર અપહરણ કેસની વિગતો મુજબ મજૂરીકામ કરતા દંપતી શુક્રવારે રાત્રે ન્યુ રાણીપ વિસ્તારમાં અહવાલીયા તળાવની ફૂટપાથ પર એક માસ અને સાત દિવસના બાળક સાથે ખાટલામાં સૂતું હતું. મોડી રાત્રે આશરે 3.15થી 3.30 વાગ્યાના સુમારે માતા-પિતા જાગ્યા ત્યારે બાળક ખાટલામાંથી ગાયબ હોવાનું જણાયું હતું.  ત્યારે આસપાસ શોધખોળ કર્યા બાદ પણ બાળકનો પત્તો ન લાગતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

10 લાખમાં એજન્ટને બાળક આપવાનું નક્કી કર્યું હતું

જેની બાદ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે  બાળકને ઉઠાવી જનાર યુવતી, બે સગીર અને યુપીના એક આરોપીની ક્રાઈમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટમાં ધરપકડ કરી હતી. આ આરોપીઓએ 10 લાખમાં એજન્ટને બાળક આપવાનું નક્કી કર્યું હતું. તેમજ બાળકને યુપીમાં નિઃસંતાન દંપતીને વેચવાનું હતું. આ આરોપીઓએ આ બાળકને ઉઠાવ્યા પહેલાં સોલા સિવિલમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં બાળકી નીકળતા ચોરી માંડી વાળી હતી જે બાદ રાણીપમાંથી બાળકને ઉઠાવી લીધો હતો. આ ટોળકી 1 મહિનાના બાળકની ચોરી કરવાનો પ્રયાસ કરતાં હતા. 

પોલીસે બે સગીરની પણ અટકાયત કરી હતી

પોલીસના જણાવ્યા અનુસાર જીનલે આ બાળક ચોરીના રેકેટમાં અન્ય બે સગીર હોવાનું પણ જણાવ્યું હતું જેથી પોલીસે બે સગીરની પણ અટકાયત કરી હતી. જીનલે પોલીસને જણાવ્યું હતું કે, તે અગાઉ નોઇડામાં કામ કરતી હતી ત્યારે બે સગીર પણ કામ કરતાં હતા અને ભુવનેશ નામનો યુવક પણ કામ કરતો હતો. ભુવનેશે જીનલને એક મહિનાનું બાળક શોધવા જણાવ્યું હતું. જીનલ બાળક લઈ આપે તો તેને અને બે સગીરને 2-2 લાખ રૂપિયા આપવા જણાવ્યું હતું.

ભુવનેશની પણ યુપીથી ધરપકડ કરવામાં આવી

તેમજ સમગ્ર મામલે ભુવનેશની પણ યુપીથી ધરપકડ કરવામાં આવી છે. ભુવનેશે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેને આ બાળક એક સગીર વયના વ્યક્તિને આપવાનું હતું અને સગીર બાળક એક નિઃસંતાન દંપતીને આપવાનો હતો.