Tue Oct 06 2026

Logo

ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલની ટીમ ભારતમાં: જાણી લો, ક્યારે થશે ભારત સામે ઐતિહાસિક મુકાબલો

2026-10-02 13:32:00
Author: Ajay Motiwala
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલની ટીમ ભારતમાં: જાણી લો, ક્યારે થશે ભારત સામે ઐતિહાસિક મુકાબલો

કોલકાતા: પાંચ વખત ફિફા વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલા બ્રાઝિલની નેશનલ ફૂટબૉલ ટીમ ગુરુવારે રાત્રે ભારત આવી પહોંચી હતી. ભારતના ટૂંકા પ્રવાસ દરમ્યાન બ્રાઝિલની આ ટીમના ખેલાડીઓ ભારતીય પ્લેયર્સ સામે મુકાબલામાં ઊતરશે.

તાજેતરના ફિફા વર્લ્ડ કપના પાંચમી વર્લ્ડ રેન્કના બ્રાઝિલ વતી રમી ચૂકેલો વિનિસિયસ જુનિયર 138મી રેન્કવાળા ભારત (India)ના પ્રવાસે આવનાર આ ટીમનો મુખ્ય ખેલાડી છે.

આવતી કાલે (શનિવારે) કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ (વિવેકાનંદ યુવા ભારતી ક્રિડાંગણ)માં સાંજે 7:30 વાગ્યાથી ભારત-બ્રાઝિલ વચ્ચે ફ્રેન્ડલી મૅચ રમાશે.

ગુરુવારે રાત્રે ફૂટબૉલના પાવર હાઉસ ગણાતા બ્રાઝિલની ટીમ કોલકાતા આવી પહોંચી ત્યારે અસંખ્ય લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ ખેલાડીઓ પ્રોફેશનલ ફૂટબૉલમાં રિયલ મૅડ્રિડ અને પીએસજી જેવી ટોચની ટીમો વતી રમે છે.

બ્રાઝિલ (Brazil)ની સિનિયર નેશનલ ટીમના ખેલાડીઓ પહેલી જ વખત ભારત સામે રમશે. આ ઐતિહાસિક ઘટના કહેવાશે. ફૂટબૉલ જગતમાં ભારતીય ટીમ ‘બ્લુ ટાઈગર્સ' તરીકે જાણીતી છે.

ભારત અને બ્રાઝિલની આ ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી મૅચ કહેવાશે અને પહેલી કિક આવતી કાલે શનિવારે સાંજે 7:30 વાગ્યે નિર્ધારિત છે. ખાલિદ જમિલ ભારતીય ટીમના અને કાર્લો ઍન્સલૉટી બ્રાઝિલની ટીમના હેડ-કોચ છે.

બંને ટીમના મુખ્ય ખેલાડીઓ

ભારત: ગુરુપ્રીત સિંહ સંધુ, અનવર અલી, અનિરુદ્ધ થાપા, સહલ અબ્દુલ સામદ, મનવીર સિંહ, રાયન વિલિયમ્સ.

બ્રાઝિલ: વિનિસિયસ જુનિયર (રિયલ મૅડ્રિડ), એન્ડ્રિક (રિયલ મૅડ્રિડ), બ્રુનો ગિમારૅઝ (આર્સેનલ), ગેબ્રિયેલ માર્ટીનેલી (આર્સેનલ), ગેબ્રિયલ મેગલહૅઝ (આર્સેનલ), માર્કિન્યોસ (પીએસજી).