ઈસ્લામાબાદઃ હૂતી બળવાખોરો દ્વારા સતત હુમલાઓ વચ્ચે પાકિસ્તાન અને તુર્કીયે સાઉદી અરેબિયામાં સૈનિકો તૈનાત કરશે. રિયાધમાં મક્કા ડિફેન્સ એલાયન્સની સ્ટ્રેટેજિક પોલિટિકલ એન્ડ ડિફેન્સ કમિટીની એક ઈમરજન્સી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીયેના અધિકારીઓએ આ બેઠકમાં હાજરી આપી હતી.
હૂતીઓના હુમલા બાદ સાઉદી અરેબિયા, પાકિસ્તાન, તુર્કીયે વચ્ચેના ત્રિપક્ષીય સંરક્ષણ કરાર હેઠળ પાકિસ્તાન અને તુર્કીયે સાઉદી અરેબિયામાં તેમના સૈન્ય દળો તૈનાત કરવા માટે સંમતિ સાધી છે.
એક સંયુક્ત નિવેદન અનુસાર, સાઉદી અરેબિયા સામેના પ્રાદેશિક ઘટનાક્રમ અને જોખમોનો સામનો કરવા માટે ત્રણેય પક્ષોએ સોમવારે રિયાધમાં 'મક્કા અલાયન્સ ફોર ડિફેન્સ'ની વ્યૂહાત્મક રાજકીય અને સંરક્ષણ સમિતિની બેઠક યોજી હતી.
ઓગસ્ટમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીયે વચ્ચે થયેલા સંરક્ષણ કરારમાં સામૂહિક સુરક્ષાનું માળખુ બનાવવામાં આવ્યું હતું. જેમાં જોગવાઈ છે કે તેમાંથી કોઈપણ એક પરનો સશસ્ત્ર હુમલો એ બધા પરનો હુમલો ગણવામાં આવશે.
સોમવારે બેઠક અગાઉ થયેલી રાજકીય અને સૈન્ય પરામર્શના પરિણામોની સમીક્ષા કરી અને તેને રજૂ કરવામાં આવેલી ભલામણોને મંજૂરી આપી હતી. સમિતિએ પુષ્ટી કરી કે મક્કા કરાર સામૂહિક સંરક્ષણ અને જોખમોનો સામનો કરવામાં એકીકૃત વલણ પ્રત્યેની મક્કમ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સમિતિએ "સામૂહિક સંરક્ષણની પ્રતિબદ્ધતાઓને તરત લાગુ કરવા અને સંમત સૈન્ય દળો અને ક્ષમતાઓ પૂરી પાડવા તેમજ સાઉદી અરેબિયા) તેમની ઝડપી તૈનાતી સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો. ત્રણેય દેશોએ પુષ્ટી કરી છે કે દરેક પક્ષની સુરક્ષા એ ત્રણેય દેશોની સામૂહિક સુરક્ષાનો અભિન્ન અંગ છે."
નિવેદનમાં સૈનિકોની તૈનાતી અંગે કોઈ વિગતો કે સમયની જાણકારી આપવામાં આવી નથી. તેમાં હૂતીઓના ખતરાનો ઉલ્લેખ કરાયો નહોતો. પાકિસ્તાન તરફથી નાયબ વડાપ્રધાન ઈશાક ડાર, સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે બેઠકમાં હાજરી આપી હતી.