Mon Oct 05 2026

Logo

વિના વિઘ્ને ગણેશોત્સવના સમાપનનું રહસ્ય

2026-10-05 20:46:58
Author: Yogesh D. Patel
વિના વિઘ્ને ગણેશોત્સવના સમાપનનું રહસ્ય

પોલીસની ’એક મંડળ, એક કોન્સ્ટેબલ’ પહ

મુંબઈ: મહારાષ્ટ્ર પોલીસની સમાજલક્ષી ‘એક મંડળ, એક કોન્સ્ટેબલ’ પહેલ રાજ્યમાં ગણેશોત્સવને શાંતિપૂર્ણ રીતે અને વિઘ્ન વિના સંપન્ન કરવામાં મદદરૂપ બની હતી, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. 

આ પહેલને આપણા ડીજીપીના માર્ગદર્શન હેઠળ એક સરળ વિચારધારા સાથે તૈયાર કરવામાં આવી હતી કે જ્યારે એકબીજાને ઓળખતા લોકો તહેવારોનું સંચાલન કરે ત્યારે તે વધુ સુરક્ષિત રહે છે, એમ એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) નિખિલ ગુપ્તાએ જણાવ્યુંં હતું.

ગયા વર્ષે પહેલની રૂપરેખા તૈયાર કરનારા અને 2025ના ગણેશોત્સવ દરમિયાન તેને પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકનારા આઇપીએસ ઓફિસરે જણાવ્યું હતું કે જ્યારે એક કોન્સ્ટેબલ મંડળના પદાધિકારીઓને ઓળખતો હોય અને મંડળને બરાબર ખબર હોય કે કોનો સંપર્ક સાધવો, ત્યારે મોટા ભાગની સમસ્યાઓ શરૂ થાય તે પહેલા જ ઉકેલાઇ જાય છે.

નિખિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘મને ગર્વ છે કે મંડળોએ આ પહેલને ચળવળનું સ્વરૂપ આપી દીધું અને તેમાં એમ્બ્યુલન્સ, બ્લડ બૅંક, વૃક્ષો અને હેલ્મેટ જેવી બાબતોનો સમાવેશ કર્યો. અમે નવરાત્રિ દરમિયાન પણ આ અભિગમ અપનાવીશું, જેમાં દરેક સાર્વજનિક મંડળને તેનો પોતાનો પોલીસ ભાગીદાર મળશે.’

ગુપ્તાએ જણાવ્યું હતું કે અમરાવતી જિલ્લાના અંજનગાંવના સુરજી નગરમાં બાળગોપાલ ગણેશ મંડળે વિસર્જનના બજેટની સમીક્ષા કરી અને તે રકમ સરઘસ પાછળ ખર્ચવાને બદલે ગામ માટે એમ્બ્યુલન્સ ખરીદવાનો નિર્ણય લીધો હતો.
ગુપ્તાએ કહ્યું હતું કે આ આઇડિયા હૅડ કોન્સ્ટેબલ રમણ હિરાવલેનો હતો, જેને આ વર્ષે 14થી 25 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં અમલમાં મુકાયેલી ‘એક મંડળ, એક પોલીસ અમલદાર’ યોજના હેઠળ મંડળની જવાબદારી સોંપવામાં આવી હતી.

(પીટીઆઇ)