નવી દિલ્હીઃ સામાન્ય પ્રજાને વધુ એક મોંઘવારીનો માર પડવાનો છે. જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓના ભાવમાં નોંધપાત્ર ભાવવધારો થયા બાદ હવે રીચાર્જ પ્લાન મોંઘા થવાના છે. રીચાર્જ પ્લાનમાં ભાવ વધારો ઝીંકી દેવા ટેલિકોમ કંપનીઓએ તૈયારીઓ કરી લીધી છે. એક રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે કે, ટેલિકોમ કંપનીઓ આગામી ચારથી પાંચ મહિનામાં આ અંગે મોટો નિર્ણય લઈ શકે છે. ટેરિફ પ્લાનમાં 12થી 15 ટકાનો ભાવ વધારો કરી શકે છે. ઈન્સ્ટિટ્યુશનલ રીસર્ચના એક રિપોર્ટ અનુસાર ટેલિકોમ કંપનીઓના આર્થિક પાસાની વાત કરવામાં આવે તો બીજા ત્રિમાસિક ગાળામાં ભારતીય એરટેલ, રીલાયન્સ-જીઓ, વોડાફોન-આઈડિયા જેવી કંપનીઓના ખર્ચા વધ્યા હોવાના રિપોર્ટ છે.
દિવસોની સંખ્યામાં ફેરફાર થવાના એંધાણ
હાલમાં ભાવવધારા માટે એક અનુકુળ વાતાવરણ બની રહ્યું છે. આ રિપોર્ટમાં એવું સ્પષ્ટ કરાયું કે, બીજા ક્વાર્ટરમાં યુઝરદીઠ આવકમાં વધારો થયો છે. ગ્રાહકોમાં થયેલા નોંધપાત્ર વધારા અને ક્વાર્ટરમાં દિવસોની સંખ્યા વધારે હોવાના કારણે નવાજુની થવાના પૂરા એંધાણ છે. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ભારતીય એરટેલ તથા રિલાયન્સ જીઓ માર્કેટશેર મેળવવાનું ચાલું રાખશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આવનારા દિવસોમાં જીઓ 80 લાખ નવા સબસ્ક્રાઈબર્સનો ઉમેરો કરી શકે છે.
જ્યારે ભારતીય એરટેલ ક્વાર્ટર દર ક્વાર્ટરમાં 30 લાખ વાયરલેસ સબસ્ક્રાઈબર ઉમેરી શકે છે. આનાથી કંપનીના યુઝર્સ તો વધે પણ જે યુઝર્સ હાલમાં છે એના રિચાર્જ પ્લાન ટેરિફમાં વધારો થતા માસિક કે ત્રિમાસિક ધોરણે વધારે પૈસા ચૂકવવા પડશે. આ ઉપરાંત દિવસોમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવશે. ટૂંકમાં અત્યારે જે રિચાર્જ માટે રકમ ખર્ચવામાં આવી રહી છે એમાં નોંધપાત્ર રીતે વધારો થવાનો છે. રીચાર્જ માટેના પ્લાનનો ભાવ વધારવા પાછળનું ખાસ કોઈ કારણ સામે આવ્યું નથી પણ જ્યારે પણ કંપની આ પ્રકારે વધારો કરે છે એ માટે કોઈ કારણ પણ આપતી નથી.
વાર્ષિક પ્લાનમાં થઈ શકે છે મોટા ફેરફાર
હાલમાં માર્કેટમાં જીઓ સૌથી મોટી કંપની માનવામાં આવે છે આ પછી એરટેલ અને વીઆઈ. એવી પણ શક્યતાઓ વર્તાય રહી છે કે, હવે મોટાભાગના ગ્રાહકો કોઈ વધારે દિવસના પ્લાનમાં પૈસા ખર્ચવાના બદલે આખા વર્ષનું એકસાથે રીચાર્જ કરાવી શકે છે. આનાથી ફાયદો એ થશે કે, જે ત્રણ કે ચાર મહિને, 56 કે 80 દિવસના અંતર બાદ પૈસા ચૂકવવા પડે છે એ નહીં રહે. આ ઉપરાંત કંપની પણ કોઈ વાર્ષિક પ્લાનમાં સ્કિમ આપી શકે છે.
બીજી તરફ પોસ્ટપેઈડ ગ્રાહકો નવા આવશે તો પોસ્ટપેઈડના ભાડામાં વધારો થઈ શકે છે, આ માટે કંપની પ્લાન નવા લાવી શકે છે અને મોટા ફેરફાર કરી શકે છે. હાલના પોસ્ટપેઈડ પ્લાન બદલાશે કે નહીં એ અંગે કોઈ કંપનીએ ખાસ સ્પષ્ટતા કરી નથી. બીજી તરફ સર્વિસ સંબંધિત કેટલાક સુધારા વધારે થઈ શકે છે. હવે રીચાર્જ માટે બજેટ વધવાનું છે ત્યારે મોટાભાગના ગ્રાહકો વાર્ષિક ધોરણે થતા ફેરફારની ગણતરી કરીને 56 કે 80 દિવસથી બચવા માટે વાર્ષિક પ્લાન લઈ શકે છે.