Thu Jan 29 2026

Logo

White Logo

કચ્છ અને ભૂકંપનો અતૂટ નાતો: જાણો આંચકાઓની વણઝારને લઈ શું કહે છે ભૂ-વૈજ્ઞાનિકો?

3 days ago
Author: MayurKumar Patel
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)

સુસવાટા મારતા ઠંડા પવનો અને ભેજના આવરણ વાળા વાતાવરણમાં છુપાઈ ગયેલી કચ્છની લક્કી ડુંગરોની હારમાળા આસપાસના અવશેષોએ ભૂકંપની પૂર્વ સંધ્યાના દિવસે ફરી ૨૫ વર્ષ પહેલાંના એ ગોઝારા ભૂકંપની યાદ તાજી કરાવી હતી. કચ્છમાં વિનાશક ભૂકંપનો દિવસ જયારે જયારે આવે છે ત્યારે લોકો કચ્છની એ દિવસની વેદનાને ભૂલી શકતા નથી. જાણે હમણાં જ ભૂકંપ આવ્યો હોય તેવું લાગ્યા કરે છે.

તેમાં પણ કચ્છમાં અવિરતપણે ભૂકંપના આંચકા આવતા રહે છે. આ આંચકાઓની વણઝારે જાણે ભૂકંપની વેદના અને કચ્છ વચ્ચેનો પીડાદાયક સંબંધ જાળવી રાખ્યો છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે ચિંતાની બાબત એ છે કે, ભૂકંપના આ આંચકાઓ તમાંમ દિશાઓ તરફથી આવી રહ્યા છે, જેનો અર્થ ઍ થાય છે કે, ભૂગર્ભમાં કેન્દ્રિત થયેલી ઍનર્જી બહાર આવવા ભરપુર પ્રયાસો કરી રહી છે. 

કચ્છ યુનિવર્સિટીના જાણીતા ભૂ-વૈજ્ઞાનિક ગૌરવ ચૌહાણે આ અંગે જણાવ્યું હતું કે, કચ્છમાં સ્થિત અગણિત ફોલ્ટ લાઈનોમાં વાગડ ફોલ્ટલાઈન અત્યારે હાઇપર એક્ટિવ છે. તે જ રીતે અલ્લાહબંધ, ગોરો ડુંગર ફોલ્ટલાઈન પણ સક્રિય છે તેવું કહી શકાય. કારણ કે આ જ ફોલ્ટલાઈન પર તાજેતરમાં ભૂકંપના નાના-મોટા આંચકા આવ્યા હતા. જે રીતે રણમાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે ત્યારે સત્તાધીશોએ એ ખાસ યાદ રાખવું જોઈએ કે આ વિસ્તાર પણ મોટા ભૂકંપ માટે સકિય છે. 

લખપતમાં બે સદી અગાઉ જાહોજલાલી હતી

લખપત વિસ્તારમાં બે સદી અગાઉ જાહોજલાલી હતી. અહીં કસ્ટમ કલેક્શન સેન્ટર, મોટા મોટા કિલ્લા, લોખંડ- કોપરની ફેક્ટરીઓ હતી, પરંતુ ગત ૧૬મી જુન ૧૮૧૯ના રોજ સાંજે પોણાં સાત કલાકે આવેલા મહાવિનાશક ભૂકંપ બાદ લખપત નજીક સર્જાયેલા અલ્લાહબંધના કારણે સિંધુ નદીના વહેણની દિશા બદલી જતાં આ વિસ્તાર બંજર બની ગયો હતો અને એક મિનીટથી પણ ઓછા સમયમાં આખી ડેમોગ્રાફી બદલાઈ ગઈ હતી. ૨૦૦ આટલા વર્ષો બાદ ફરી એ જ ફોલ્ટ લાઈન પર ભૂકંપના આંચકા, કે જેને અર્થકવેક સાયન્સની ભાષામાં 'સ્પોટ ટુ મોડલ' કહેવાય છે તે સતત આવવા એ બાબત અત્યંત ચિંતાજનક હોવાનું ચૌહાણે ઉમેર્યું હતું.

દરમ્યાન, વર્ષ ૨૦૦૧માં આવેલા મહાવિનાશક ભૂકંપના કારણે ૯૦ કિલોમીટર લાંબી, ૧૬ કિલોમીટર પહોળી અને ૬ મીટર રણની જમીન ઉપસી ગઈ હતી. તેની સામે જે સીંધડીનો તળાવ છે તે એક સમયમાં મોટો કિલો હતો. જેની ૧૦થી ૧૨ ફુટ જેટલી ઉંચી દિવાલો હતો. આ કિલો ભૂકંપના કારણે પાણીમાં આવી ગયો હતો. રણમાં થઇ રહેલા વિકાસ કાર્યમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. કચ્છનો આ વિસ્તાર ક્રિકની નજીક છે. માંડવી-લખપતનો દરિયા કિનારો છે તેની પશ્ચિમે આ ફોલ્ટલાઈન એક્ટિવ છે. વર્ષ ૧૯૪૫-૫૦માં જે સુનામી આવી હતી. તેની અસર ખાવડાના રણ સુધી પહોંચી હતી. 

ભવિષ્યમાં કદાચ લખપત-નારાયણ સરોવર બાજુ જો સુનામી આવે તેમજ ભૂકંપના કારણે એક્ટિવીટી થાય તો રણમાં થઇ રહેલા ડેવલોપમેન્ટને અસર કરી શકે.  અલ્લાહબંધ ફોલ્ટમાં આવેલા ભૂકંપના આંચકાને ખતરાની ઘંટી સમજીને આગળ વધવું જોઈએ. ક્રિકની જમીનની અંદર મેન્ગ્રુને વધુમાં વધુ ઉઘાડવા જોઈએ જેથી સંભવિત સુનામી આવે તો દરિયાના વિનાશક મોજાની ગતિ ધીમી પડે. 

કચ્છ યુનિવર્સિટીના ગૌરવ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, જાપાનમાં અવાર નવાર ભૂકંપ આવે છે તેમ છતાં ત્યાં ખાસ નુકશાની થતી નથી, કારણ કે ત્યાંની ધરતી પર ભૂકંપ-પ્રૂફ બાંધકામ કરવામાં આવ્યું છે. કચ્છમાં પણ જાપાન જેવું અર્થકવેક પ્રૂફ ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવાની સલાહ આપી હતી અને ભુજ, ગાંધીધામ જેવાં શહેરોમાં મોતના માંચડા સમાન ખખડધજ હાલતમાં ઉભેલી ઇમારતોના પ્રશ્નનો તાકીદે ઉકેલ લાવવા પર તેમણે ભાર મુક્યો હતો.