જયવંત પંડ્યા
ઇન્સ્ટન્ટનો જમાનો છે. કોઈ પણ ચીજ ઇન્સ્ટન્ટ.
ઑનલાઇન કોમર્સમાં દસ મિનિટ (હવે નિયમ બદલાયો છે)માં ઇન્સ્ટન્ટ ડિલિવરી. દવાની જાહેરખબર કહે છે કે ઇન્સ્ટન્ટ રિલીફ મળશે. નાનું બાળક બહુ રોવે છે તો ઇન્સ્ટન્ટ બે મિનિટમાં તૈયાર થતાં નૂડલ્સ બનાવી દો.
માતા માટે સરળ. ખીચડી બનાવવા માટે યાદ રાખીને ચાર કલાક પહેલાં ચોખા-દાળ પલાળો. તેને બાફો. વઘારો. આવી મહેનત કોણ કરે? આ તો પેકેટ તોડ્યું, નૂડલ્સનો ભૂકો કર્યો, મસાલો નાખ્યો, પાણી નાખ્યું ને નૂડલ્સ તૈયાર. બાળકના પેટનું જે થવાનું હોય તે થાય.
પેટમાં દુ:ખાવો થયો તો હિંગ, સૂંઠ વગેરે લગાડવાની મહેનત કોણ કરે? દવા કે સિરપ લાવો અને બાળકને પીવડાવી દો. બાળકને શાળામાં નથી ફાવતું તો ટ્યૂશન રખાવી દો. શિક્ષકનું દાયિત્વ. બાળક ભણવામાં ‘ઢ’ હોય તો તો પેપર સેટર ફોડી લો. પેપર સેટર ન મળે તો તપાસનાર ફોડી લો. આ બધા છતાં ઓછા માર્ક છે? તો ડોનેશન આપી પેમેન્ટ સીટ પર ઍડ્મિશન લઈ લો. તે પછી દીકરા/દીકરીની કારકિર્દી પાટા પર નથી ચડતી?
કારકિર્દી બનાવવા ઍડ્. આપી ઇન્સ્ટન્ટ પ્રસિદ્ધિ મેળવી દો. આજકાલ લોકોને કામથી નહીં, ફેક પબ્લિસિટીથી રાતોરાત પ્રસિદ્ધ થવું છે. વેચાતા એવોર્ડ લઈ લો. પેઇડ ઍડવટોરિયલ છપાવો....નોકરીમાં ઇન્સ્ટન્ટ પ્રમોશન અને પગાર વધારો જોઈએ છે. તેના માટે ‘જે કરવું પડે તે કરવા તૈયાર છે.’
સંબંધ પણ ઇન્સ્ટન્ટ થાય છે. ‘સોમવાર કો હમ મિલે, મંગલવાર કો નૈન, બુધ કો મેરી નીંદ ગઈ, ઝૂમે રાત કો ચૈન. અરે શુકર શનિ કટે મુશ્કિલ સે, આજ હૈ ઇતવાર, સાત દિનોં મેં હો ગયા, સાત જનમ કા પ્યાર’. આવું છે. પહેલી દૃષ્ટિએ જ પ્રેમ થઈ ગયો. મન મળ્યાં પછી થોડા જ સમયમાં તન પણ મળી ગયાં ને પછી ઇન્સ્ટન્ટ બ્રેક અપ પણ થઈ ગયું. ફરી ઇન્સ્ટન્ટ પ્રેમ પછી ઈત્યાદિનું ચકકર ....
સારું છે કે હજુ કોઈ એવી શોધ નથી થઈ કે બાળકની ઇન્સ્ટન્ટ ડિલિવરી થાય અને બાળક ઇન્સ્ટન્ટ મોટું થઈ જાય, નહીંતર આજની પ્રજા તેની પાછળ પણ દોડે તેવી છે. મની ડઝન્ટ મેટર, યૂ નો.
જોકે બાળકને પોતાને પણ ઇન્સ્ટન્ટ મોટું તો થવું જ છે. બાળકનું બાળપણ અને ભોળપણ કાર્ટૂન ચેનલો, મનોરંજન જગતથી લઈને સમાચાર પત્રો અને સોશ્યલ મીડિયા, સુધી કોઈએ રહેવા દીધું છે? દસ-બાર વર્ષ સુધીમાં તો બાળકને બધી જ ખબર પડવા લાગે છે. બધી એટલે બધી જ. ચૂંટણીમાં પરિણામ માટે પહેલાં બે-ત્રણ દિવસ લાગી જતાં, હવે ઇન્સ્ટન્ટ આવે છે.
સ્કૂટરથી માંડીને ફોન, ઘર, બધું જ ઇન્સ્ટન્ટ મળી જાય છે. પહેલાં તો બુક કરાવો તે પછી કેટલાય મહિના રાહ જુઓ અને પછી મળતું હતું. આનંદ પણ ઇન્સ્ટન્ટ બની ગયો છે. સારી કાર લીધી, તેનું કવર સ્લો મોશનમાં નીકળતું હોય અને તેને પત્ની ચાંદલો કરતી હોય તેવું મસ્ત મજાનું રીલ બનાવ્યું અને થોડાકે કહ્યું, બ્રો કોંગ્રેચ્યુલેશન. ઘણા બધાએ માત્ર જોયું અને આનંદ ઇન્સ્ટન્ટ અદૃશ્ય!
પેટમાં દુખાવો થાય કે દાંતમાં, પગમાં થાય કે કેડમાં, પેઇનકિલર લીધી અને ઇન્સ્ટન્ટ દુ:ખાવો અદૃશ્ય. ફલાણા બામ મલિએ ઔર કામ પર ચલિએ. પછી? બે દિવસ પછી ફરી એ દુ:ખાવો હાજર. ડોક્ટર પાસે જઈશું અને પૂછીશું કે આ વારંવાર કેમ થાય છે? તો ડોક્ટર કહેશે, પેઇનકિલરથી આવું જ પરિણામ મળે. એક કામ કરો. આપણે લિવરનું ટ્રાન્સ્પ્લાન્ટ કરી નાખીએ.
કાં તો કહેશે, આ દાંત પડાવી નાખો. નવા દાંત ઇમ્પ્લાન્ટ કરાવી દઈએ. આયુર્વેદની કડવી દવા લેવી, ચરી પાળવી અને થોડો સમય જાય, પરંતુ જડમૂળથી બીમારી જાય તેવી ધીરજ કોને છે? આપણા ઘરડા કહેતા હતા, ‘ઉતાવળે આંબા ન પાકે.’ ‘ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર’. આજે સમય જ કોની પાસે છે? એટલી ધીરજ કોની પાસે છે?
હા, આ ઇન્સ્ટન્ટના જમાનામાં લોકોમાં ખૂટી ગઈ છે ધીરજ. આપણે સાંભળ્યું છે કે ધીરજનાં ફળ મીઠાં. પરંતુ આજે મીઠાં ફળ તો બધાને ખાવાં છે, પરંતુ ધીરજ નથી. બાળકની સાથે રમવાનો, તેમની પાસે બેસીને તેમને ભણાવવાનો, તેમની સાથે બેસીને તેમની કાલીઘેલી ભાષામાં વાત સાંભળવાનો માતાપિતા પાસે સમય નથી. નોકરીમાં મહેનત કરી, સારું પરિણામ અપાવી પ્રમોશન અને પગાર વધારો મેળવવાની ધીરજ નથી. ખીચડી બનાવવી હોય અને બાળકને તેમ જ કોઈ પણને પચે તેવી અને પૌષ્ટિક બનાવવી હોય તો ધીમા તાપે ચડવા દેવી પડે. ઝડપથી રાંધો તો કાચી રહે.
બધું ઇન્સ્ટન્ટ નથી હોતું, બધું ઇન્સ્ટન્ટ સારું નથી હોતું. જોકે હવે લોકો સમજતા થયા છે કે ચાવી-ચાવીને ખવાય, પાણી ઘૂંટડે-ઘૂંટડે પીવાય. વાંચવાની ટેવ રાખવી જોઈએ.સાચો અભ્યાસ કરવો હોય તો ત્રીસ સેકન્ડના રીલમાં ન સમજાવી શકાય. તેના માટે મધ્યમ માપસર નો લેખ કે પુસ્તક વાંચવું પડે. સંબંધોમાં પણ ત્યાગ, સમર્પણ, સમય આપવો આવશ્યક છે. કુદરતના ખોળે સેલ્ફીમાં નહીં, સેલ્ફ સાથે બેસવું વધુ આનંદદાયક છે.
આમ હવે ઈન્સ્ટન્ટની દુનિયા પણ પલટાઈ રહી છે. સ્લો ડાઉન...જીવનની ગતિ ધીમી કરો... આની પણ એક નવી થિયરી આકાર લઈ રહી છે. એની વાત પણ રસપ્રદ છે. એ વિષે ફરી ક્યારેક...