Thu Apr 23 2026

Logo

થાણે સ્ટેશન નજીક એસટી બસમાં લાગી આગ: ગોવંડીમાં 10 કાર સળગી

2026-04-23 19:38:40
Author: Yogesh D Patel
Article Image

મુંબઈ: થાણે અને મુંબઈમાં ગુરુવારે આગના બે બનાવ નોંધાયા હતા, જેમાં થાણે સ્ટેશન નજીક સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી) બસમાં આગ લાગ્યા બાદ 17 પ્રવાસીઓને ઉગારી લેવાયા હતા, જ્યારે ગોવંડીમાં સીએનજી સિલિન્ડર વિસ્ફોટ બાદ લાગેલી આગમાં નજીકમાં પાર્ક કરાયેલી 10થી 12 કાર સળગી ગઇ હતી.

થાણે રેલવે સ્ટેશનની નજીક બ્રિજ પર ગુરુવારે બપોરના 1.30 વાગ્યાની આસપાસ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની લકઝરી શિવશાહી બસમાં આગ લાગી હતી. એ સમયે બસમાં ડ્રાઇવર, કંડક્ટર તેમ જ 17 જેટલા પ્રવાસી હાજર હતા. 

બસના એન્જિનમાં ધુમાડો નીકળતો જોયા બાદ ડ્રાઇવરે તમામ પ્રવાસીઓને બસમાંથી તાત્કાલિક ઊતરી જવાનું કહ્યું હતું. દરમિયાન આગની જાણ થતાં અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને આગ બુઝાવવાનું શરૂ કર્યું હતું. બસમાં લાગેલી આગમાં પ્રવાસીઓનો  સામાન સળગી ગયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાન ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ પર બૈંગનવાડી સિગ્નલ નજીક ગુરુવારે બપોરેના પાર્કિંગ એરિયામાં ભીષણ આગ લાગી હતી, જેમાં નજીકમાં પાર્ક કરાયેલી 10થી 12 કાર સળગી ગઇ હતી. વાયરલ થયેલા એક વીડિયો મુજબ કારના સીએનજી સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આગમાં કોઇ જાનહાનિ થઇ ન હોવાનું અગ્નિશમન દળના અધિકારીએ કહ્યું હતું.

પાલિકાની ઓફિસમાં લાગેલી આગમાં તમામ રેકોડર્સ બળીને ખાખ

થાણે જિલ્લામાં મહાનગરપાલિકાની જૂની ઓફિસ બિલ્ડિંગમાં બુધવારે સાંજે આગ લાગી હતી, જેમાં રેકોડર્સ અને ફર્નિચર બળીને ખાખ થઇ ગયા હતા. 

થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ કહ્યું હતું કે મુંબ્રના સહયોગ અપાર્ટમેન્ટમાં આવેલી વાર્ડ કમિટી ઓફિસમાં બુધવારે સાંજે 6.53 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જોકે આગમાં કોઇને ઇજા થઇ નહોતી. અગ્નિશમન જળના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને રાતે નવ વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવ્યો હતો. 

આગમાં પાલિકાની ઓફિસમાંના તમામ રેકોડર્સ તથા ફર્નિચર સળગી ગયા હતા. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. (પીટીઆઇ)