Thu Apr 23 2026

Logo

માનવ તસ્કરી અને દેહવેપારના કેસમાં કોર્ટે પાંચને નિર્દોષ છોડ્યા

2026-04-23 17:23:59
Author: Yogesh C Patel
Article Image

થાણે: મીરા રોડમાં માનવતસ્કરી અને દેહવેપાર ચલાવવાના કેસમાં સેશન્સ કોર્ટે પાંચ જણને નિર્દોષ જાહેર કર્યા હતા અને એવું નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષના કેસમાં ઘણી બધી ખામીઓ અને ગંભીર ભૂલો છે, જેમાં મુખ્ય સાક્ષીઓ અને પીડિતાઓનું નિવેદન ન નોંધવાનો સમાવેશ થાય છે.

માનવ તસ્કરી સામાજિક દૂષણ છે, એવી નોંધ કરીને એડિશનલ સેશન્સ જજ વસુધા એલ. ભોસલેએ મંગળવારે આપેલા ચુકાદામાં એ વાત પર ભાર મૂક્યો હતો કે કોર્ટ નબળી તપાસમાં કોર્ટ કોઈ લાભ આપી ન શકે.
આ કેસ પોલીસે મીરા રોડમાં કરેલી કાર્યવાહીનો હતો. પોલીસે 29 ડિસેમ્બર, 2020ના રોજ મીરા રોડની એક હોટેલમાં રેઇડ કરી હતી. હોટેલમાંથી એક બાંગ્લાદેશી અને બીજી પશ્ર્ચિમ બંગાળની યુવતીને છોડાવાઈ હતી. આ યુવતીઓને દેહવેપારની ફરજ પડાઈ હતી.

કોર્ટે પોલીસ તપાસમાં અને ફરિયાદ પક્ષની રજૂઆતમાં ગંભીર નિષ્ફળતા પર પ્રકાશ પાડ્યો હતો. આરોપીઓની ધરપકડ માટે છટકું ગોઠવનારા અને સૌથી મહત્ત્વપૂર્ણ સાક્ષીદારો પોલીસ અધિકારીઓની જુબાની નહીં લેવી તે ગંભીર છબરડો છે.

માનવ તસ્કરીના કેસમાં પીડિતાઓની જુબાની સૌથી મહત્ત્વની હોય છે. તેમની જુબાની નહીં લેવી તે ફરિયાદ પક્ષને પ્રત્યક્ષ અને સ્વાભાવિક ઉપલબ્ધ પુરાવાઓથી વંચિત રાખવા જેવું છે, એવું કોર્ટે જણાવ્યું હતું.
ફરિયાદ પક્ષનો કેસ મોટે ભાગે ‘બોગસ ગ્રાહક’ પર આધાર રાખતો હતો, જેણે ફેરવી તોળ્યું હતું.

કોર્ટે એ મુદ્દા તરફ પર પણ ધ્યાન દોર્યું હતું કે જ્યાં આરોપીઓ આ રૅકેટ ચલાવતા હતા તે હોટેલ માલિકો વિરુદ્ધ આરોપનામું દાખલ કરાયું નહોતું. માત્ર હોટેલના નીચલા સ્તરના કર્મચારીઓ પર કાર્યવાહી કરાઈ હતી.
આ અપૂરતા પુરાવા માત્ર ટેક્નિકલ ખામી નથી, પરંતુ આરોપીઓને કસૂરવાર ઠેરવવા માટે અપૂરતા છે. તેથી આરોપીઓ શંકાના લાભના હકદાર છે, એવું જણાવી કોર્ટે આરોપી વિજય બાળકૃષ્ણ કદમ, વિજય દ્વારકા યાદવ, વિજય ખુશિયાલ સૉ, શંભુ સિદ્ધેશ્ર્વર સૉ અને સતીશ મહાબાલા શેટ્ટીને નિર્દોષ છોડ્યા હતા. (પીટીઆઈ)