નેધરલૅન્ડ્સ `વર્લ્ડ હેપ્પીનેસ' ઇન્ડેક્સમાં સાતમા ક્રમે બિરાજે છે
હેપ્પીનેસ ઇન્ડેક્સમાં નેધરલૅન્ડ્સ સાતમા ક્રમે છે.
ગો ડચ: એક જ ટેબલ પર સાથે બેઠેલાઓએ પોતપોતાનું બિલ ચૂકવવાનું.
- કામિની શ્રોફ
`વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2026' અનુસાર 7.223 ઇન્ડેક્સ સાથે નેધરલૅન્ડ્સ સાતમા ક્રમે છે. 7.764 ઇન્ડેક્સ સાથે ફિનલૅન્ડ પહેલા ક્રમે છે. આર્થિક સમૃદ્ધિથી છલકાતું યુએસએ 6.816 ઇન્ડેક્સ સાથે 23મા ક્રમે છે. એકંદરે ડચ લોકો માનસિક રીતે ખૂબ જ ખુશખુશાલ છે અને રહે પણ છે. જોકે ફરિયાદ કરવી તેમને ખૂબ ગમે છે, પણ આ ફરિયાદ ગંભીરતાથી નથી કરતા. તેમના માટે ખરાબ હવામાન, મોડી પડતી ટે્રનો કે મોંઘવારી વિશે ફરિયાદ કરવી એ એકબીજા સાથે વાતચીત કરી હળવા થવાનો સૌથી આસાન રસ્તો છે. એમને આ ફરિયાદનો ઉકેલ મેળવવાની કોઈ તાલાવેલી નથી હોતી. બસ ગપાટાં મારવા-ટાઇમ પાસ આવી વાતો કરતા હોય છે.
ગો ડચ
આ શબ્દપ્રયોગ નેધરલૅન્ડ્સમાં સૌથી વધુ પ્રચલિત છે અને એમાં ડચ એટલે કે નેધરલૅન્ડ્સના નિવાસીઓનો ઉલ્લેખ આવે છે એ ખરુંં, પણ એનો ઉગમ ડચ પ્રદેશમાં નહીં, પણ 17મી સદીમાં એંગ્લો-ડચ યુદ્ધ દરમિયાન ઇંગ્લૅન્ડમાં થયો હોવાનું એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું. ઇંગ્લૅન્ડ અને નેધરલૅન્ડ્સ વચ્ચે આ યુદ્ધ વેપાર અને સમુદ્ર પર વર્ચસ મેળવવા થયું હતું. એ વખતે અંગ્રેજોએ દુશ્મન ડચ લોકો વિરુદ્ધ ઘણા અપમાનાસ્પદ શબ્દપ્રયોગો બનાવ્યા હતા. એમાંનો એક પ્રયોગ હતો કે ડચ લોકો `કંજૂસ' છે. પોતપોતાનો હિસાબ રાખવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. 19મી સદીના અંત ભાગમાં અમેરિકામાં Dutch treat શબ્દ ચલણમાં આવ્યો જેનો અર્થ એવો થતો કે કોઈ તમને જમવા લઈ જાય પણ તમારે તમારું બિલ તમારે પોતે ચૂકવી દેવાનું. વીસમી સદીના બીજા દાયકામાં આના પરથી Go Dutch શબ્દપ્રયોગ લોકપ્રિય બન્યો. આજની તારીખમાં પણ નેધરલૅન્ડ્સમાં મિત્રો કે જૂથમાં જમતી વખતે બિલ સરખે ભાગે વહેંચવું અથવા પોતપોતાના ઑર્ડર મુજબ ચૂકવવું એ ખૂબ જ સામાન્ય અને સામાન્ય શિષ્ટાચાર ગણાય છે. ટૂંકમાં બે કે એથી વધુ લોકો જમવા રેસ્ટોરાંમાં ગયા હોય તો દરેક વ્યક્તિએ પોતે પેટમાં પધરાવેલી આઇટમના પૈસા ચૂકવી દેવાના. ડચ યંગસ્ટર્સ હોય તો વેઇટર પૂછ્યા વિના વ્યક્તિ એટલા બિલ ટેબલ પર મૂકી દે એ અમે નજરે જોયું. શિષ્ટાચારમાં અવ્વલ ગણાતા ડચ લોકો સાથે જમી અલગ અલગ બિલ ચૂકવી અલગ અલગ ટિપ પણ આપતા જોયા.નેધરલૅન્ડ્સના લોકો આને કંજૂસાઈ નથી ગણતા, પરંતુ સમાનતા, વ્યવહારિકતા અને આર્થિક સ્વતંત્રતાનું પ્રતીક માને છે.અમારા ચહેરા પર તાજ્જુબીના ભાવ જોઈ સાથે આવેલા એક ભાઈએ જાપાનના શિષ્ટાચારની વાત કરી. એ પોતે જાપાન ફરી આવ્યા હતા. તેમના કહેવા અનુસાર જાપાનમાં પણ Warikan નામની પદ્ધતિ પ્રચલિત છે. અહીં પણ બિલને સરખે ભાગે વહેંચવાની પ્રથા છે જે `ગો ડચ' નું જેપનીઝ સ્વરૂપ કહી શકાય. એક ફરક એ છે કે આ પદ્ધતિમાં કુલ બિલને ગ્રુપમાં હાજર રહેલા લોકોની કુલ સંખ્યા વડે ભાગી નાખવામાં આવે છે. દરેક વ્યક્તિ, પછી ભલે તેને ઓછું ખાધું હોય કે વધારે, સરખી જ રકમ ચૂકવે છે. નેધરલૅન્ડ્સમાં જેટલું ખાધું એટલું બિલ એ પ્રથા છે.
આખાબોલા
સંબંધો સાચવવાની કળામાં પાવરધા ગુજરાતીઓ કડવી વાતો આકરા શબ્દોમાં કહેવાને બદલે થોડી નરમાશથી કહે છે. સામેની વ્યક્તિને ખોટું ન લાગે તે રીતે પોતાની વાત ખૂબ જ વિનમ્રતાથી, મીઠાસ અને યુક્તિપૂર્વક રજૂ કરવામાં હોશિયાર હોય છે. આ અભિગમને કેટલાક લોકો ગોળગોળ વાત કરવાની આદત સમજી બેસે છે. હા, ગુજરાતીઓને વાતમાં મોણ નાખી બોલવાની આદત હોય છે ખરી. આ ગુજરાતીઓ જો નેધરલૅન્ડ્સ જાય અને ડચ લોકો સાથે નિયમિત વાર્તાલાપ કરવાનું આવે તો શું થાય એ સમજવા માટે ડચ લોકની વાતચીતની શૈલી સમજવી જોઈએ. નેધરલૅન્ડ્સના રોકાણ દરમિયાન મુખ્યત્વે ભારતીય લોકોને મળવાનું થયું, પણ ડચ લોકોને પ્રસંગોપાત મળવાની તક મળી એ વખતે એમના આખાબોલા સ્વભાવનો પરિચય થયો.
ડચ લોકોને ગોળગોળ વાત કરવી મુદ્દલ પસંદ નથી. મનમાં-દિલમાં હોય એ જ હોઠ પર આવી વાણીમાં અવતરે. જો એમના સ્વભાવની ખાસિયત ન જાણતા હો તો એમની વાત અત્યંત અપમાનાસ્પદ લાગી શકે એ હદે એ લોકો આખાબોલા હોય છે. એમના સ્વભાવની આ ખાસિયતને નહીં ઓળખતા વિદેશીઓને ડચ લોકો અસભ્ય કે તોછડા લાગી શકે. એક પાર્ટીમાં અમને એનો અનુભવ થયો. યજમાન દંપતીને ત્યાં આયોજિત એક ગેટ ટુ ગેધરમાં ભારતીય મિત્રો સાથે ડચ લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ડચ ફ્રેન્ડને સજોડે આવવાનું આમંત્રણ હોવા છતાં એ એકલો આવ્યો હતો. એટલે સહજ ભાવે `કેમ એકલા?' એવો સવાલ થયો. ડચ ભાઈ શબ્દો ચોર્યા વિના ચહેરા પર સ્મિત સાથે સ્પષ્ટ ખુલાસો કર્યો : She hates such get togethers. (એને આવા મેળાવડા જરાય નથી ગમતા) અને પછી ઘરમાં નજર દોડાવી બોલ્યો કે Your curtains are awful. Please change them. (તમારા ઘરના પડદા ભંગાર છે. એને પ્લીઝ બદલી નાખો). આટલું કહી શેકહૅન્ડ કરી અન્ય લોકોને મળવા આગળ વધ્યો. એની પ્રતિક્રિયાની યજમાન પર શી અસર થઈ એની એને કોઈ દરકાર જ નહોતી. અમે બંને ચોંકી ગયા, પણ ડચ લોકોને સુપેરે ઓળખતા અમારા યજમાને કહ્યું આ બધું નૉર્મલ છે.
સમયની શિસ્ત
ડચ લોકોના સમયની શિસ્તના કડક આગ્રહી. ડચ લોકોને મળવાનું હોય ત્યારે નક્કી કરેલા સમયે જ પહોંચાય એની તકેદારી રાખવાની. કોઈ સમય કરતાં વહેલું આવે કે મોડું, એમને ગમતું નથી. `યુ આર લેટ' એવું મોઢે ચોપડી પણ દે. બીજી એક ખાસ વાત ધ્યાનમાં રાખવી કે ડચ લોકોને વણબોલાવ્યા લોકોની હાજરી જરાય પસંદ નથી. `ફલાણે દિવસે અમુક સમયે અમે આવીશું ' અને એનો `ઓકે' જવાબ ન મળ્યો હોય તો ટપકી નહીં પાડવાનું. `આ તો તમારુંં ઘર રસ્તામાં આવતું હતું એટલે થયું કે કેમ છો કેમ નહીં પૂછતો જઉં... બહુ દિવસથી આપણો ભેટો નથી થયો એટલે રહેવાયું નહીં...' જેવું તો ભૂલેચૂકે ન કરવું. નક્કી ન થયું હોવા છતાં તાત્કાલિક મળવું જ પડે એમ હોય તો પહેલાં ફોન કરવાનો અને આગમનની જાણકારી આગોતરી આપી દેવાની. ડચ પીપલ હૅન્ડશેકની બાબતમાં પણ ચોકસાઈનો આગ્રહ રાખતા હોય છે. જમણા હાથે જ હસ્તધૂનન કરવાનું. ડાબા હાથે કરશો તો હાથ નહીં મિલાવે. હાથ મિલાવ્યા પછી હાથમાં હાથ ઝાલી વાત કરતા નહીં રહેવાનું. સામેવાળાને આ રીતે બાંધી નહીં રાખવાના... હથેળી તરત છોડી દેવાની.