(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી નરમાઈ ઉપરાંત ક્રૂડતેલના ભાવમાં પણ ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં 1.4 ટકાનો અને ચાંદીના ભાવમાં 1.7 ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 4003નો અને સોનાના ભાવમાં રૂ. 1777થી 1784નો ઉછાળો આવ્યો હતો. જોકે, આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 19 પૈસા મજબૂત થયો હોવાથી આયાત પડતરો ઘટતાં વિશ્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે કિલોદીઠ ભાવ ગઈકાલના બંધ સામે રૂ. 4003 વધીને રૂ. 2,21,109ની સપાટીએ રહ્યા હતા. જોકે, આજે જ્વેલરી ઉત્પાદકોની લેવાલી નિરસ રહી હતી. વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં રોકાણકારોની અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગનો ટેકો મળતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1777 વધીને રૂ. 1,48,832 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1784 વધીને રૂ. 1,49,430ના મથાળે રહ્યા હતા. જોકે, આજે રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સાથે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 1.4 ટકા વધીને આૈંસદીઠ 4189.99 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 1.4 ટકા વધીને 4215.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.7 ટકા વધીને આૈંસદીઠ 60.36 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આગામી નવેમ્બર મહિનાની વચગાળાની ચૂંટણી પૂર્વે ઈરાન પર કોઈ લશ્કરી કાર્યવાહી કરવામાં નહીં આવે એવો સંકેત આપતા ભૂરાજકીય તણાવ હળવો થવાની સાથે ક્રૂડ તેલના ભાવ ઘટી આવ્યા હતા. તેમ જ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પણ નબળી પડી હોવાથી સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું જેફરીઝની માલિકીની ટ્રુડુ ડૉટ કૉમના વિશ્લેષક નિકોસ ઝ્બોરસે જણાવતાં ઉમેર્યું હતું કે હજુ સોનાની તેજી સામે ફુગાવાલક્ષી દબાણ અને અમેરિકી બૉન્ડની યિલ્ડની ઊંચી સપાટી જેવાં પડકારો યથાવત્ છે.
વધુમાં ગઈકાલે સેન્ટ લુઈસ ફેડનાં પ્રમુખ અલ્બર્ટો મુસાલેમે જણાવ્યું હતું કે અમેરિકી ફેડરલ રિઝર્વે લક્ષ્યાંકિત બે ટકા ફુગાવાની સપાટી હાંસલ કરવા માટે વ્યાજદરમાં વધારો કરવાની આવશ્યકતા છે. નોંધનીય બાબત એ છે કે ગત સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકના અંતે ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કર્યો છે. જોકે, આગામી 27-28 ઑક્ટોબરની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી 19 ટકા શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા છે, જ્યારે ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધારાની શક્યતા 84 ટકા મૂકવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.