Fri Oct 09 2026

Logo

હેં!? હવે Facebook અને Instagram ને ટક્કર આપવા આવશે 'Orkut'? જાણો હકીકત!

California   2026-10-09 19:36:18
Author: Mumbai Samachar Team
હેં!? હવે Facebook અને Instagram ને ટક્કર આપવા આવશે 'Orkut'? જાણો હકીકત!

AI


કેલિફોર્નિયાઃ હાલમાં જે સોશિયલ મીડિયા છે એ એટલા પોપ્યુલર નહોતા એવા સમયમાં એક વેબસાઈટ સૌથી વધુ યુવાનોમાં હોટફેવરિટ હતી. આ સાઈટ એટલે ગૂગલની પ્રોડક્ટ 'ઓર્કુટ'. આ એક સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ હતી, જે ગૂગલે પછી બંધ કરી દીધી હતી. જે લોકોને આ સાઈટ અંગે ખ્યાલ હશે એમની મેમરીઝ ફરી તાજા થઈ જવાની છે. આજની જેન-ઝી પ્રજાને આ નામ થોડું નવું લાગશે. એક સમયે આને સોશિયલ મીડિયાનું 'ઓજી' પ્લેટફોર્મ મનાતું હતું. મિત્રોની બિન્દાસ્ત પ્રોફાઈલ જોવી, એકબીજાની પ્રોફાઈલ પર મેસેજ મૂકવો, પોતાની પસંદગીની કમ્યુનિટીમાં જોઈન થઈને કંઈક અલગ એક્સપ્લોર કરવું. આવી એક્ટિવિટી એક સમયના લોકોએ કરી જ હશે. 

12 વર્ષ બાદ ફરી ચર્ચામાં
આજની સોશિયલ મીડિયાની દુનિયામાં જે ફીડ છે એ એક સમયે સ્ક્રેપ હતુ. આ નેટવર્ક પર એક્ટિવ લોકો એકબીજાને સ્ક્રેપ લખતા હતા. જેના સ્ક્રેપ સૌથી વધારે એ વ્યક્તિ સૌથી વધારે પોપ્યુલર મનાતી હતી. હવે 12 વર્ષ બાદ આ વેબસાઈટ સૌથી વધારે ચર્ચામાં છે.આ વેબસાઈટના ફાઉન્ડર Orkut Buyukkoktenએ લોકો પાસેથી એક નવું પ્લેટફોર્મ બનાવવા માટે સપોર્ટ માગ્યો છે. આ ટેક્નોક્રેટનો હેતું એ છે કે, એક એવું ઈન્ટરનેટ તૈયાર કરવું જે લાઈક, વ્યૂ અને અલ્ગોરીધમથી પણ વધારે મહત્ત્વ જે તે લોકોને આપે.

દોસ્તીને આપે, બે વ્યક્તિ વચ્ચેના મેચ્યોર રિલેશનશિપને આપે. ગૂગલમાં કામ કરતા એક સોફ્ટવેર એન્જિનિયરે વર્ષ 2004માં ઓર્કુટ પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું. ગૂગલના ઈન્ટરનલ પ્રોજેક્ટ તરીકે આ સાઈટ તૈયાર કરવામાં આવી હતી.વર્ષ 2014માં આવેલા એક શટડાઉનમાં સાઈટ બંધ થઈ ગઈ. પણ ઓર્કુટના માલિક તરીકે આ જ વ્યક્તિ આજે પણ હૈયાત છે. આ જ વ્યક્તિ પાસે વેબસાઈટના રાઈટ્સ અને ટ્રેડમાર્ક હજુ પણ યથાવત છે. 

આ રીતે થઈ શરૂઆત
ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને બીજા સોશિયલ મીડિયા પર જ્યાં ચેટબોટ, એઆઈ કોન્ટેટ, નકલી પ્રોફાઈલ અને અલ્ગોરિધમનો જમાનો મધ્યાહને છે એવા સમયે આ ન્યૂઝ સામે આવ્યા છે. વેબસાઈટના માલિકનું એવું માનવું છે કે, સોશિયલ મીડિયા લોકોને જોડવાના બદલે હાલમાં ધ્યાન ખેંચવાનું સાધન છે. લોકોને વધુને વધુ સમય સુધી સ્ક્રિન પર ચોંટાડી રાખવા માટેનું પ્લેટફોર્મ બની રહ્યું છે. આ કારણે લોકોનું ધ્યાન પર વધારે પડતું સ્ક્રિન પર કેન્દ્રીત થઈ ગયું છે.  એવા સમયમાં હું ઈન્ટરનેટના એક અલગ પ્લેટફોર્મને નવા રંગરૂપ સાથે ખરેખર અને સાચા માણસોની વચ્ચે લાવવા માગુ છું. 

વર્ષ 2004માં ઓર્કુટની શરૂઆત થઈ હતી. પોતાના જ નામ પર માલિકે પોતાની વેબસાઈટ શરૂ કરી હતી. ઓર્કુટના સ્થાપકનું નામ પણ ઓર્કુટ જ છે. ગૂગલ જેવી ટેકજાયન્ટ કંપનીમાં સોફ્ટવેર એન્જિનીયર તરીકે લાંબા સમય સુધી કામ કરતા કરતા આ સાઈટ બનાવી હતી. આ સાઈટ ભારત અને બ્રાઝિલમાં સૌથી વધારે પોપ્યુલર બની ગઈ હતી. વર્ષ 2014માં ગૂગલે જ આ સાઈટને તાળા મારી દીધા. 

કંપનીની સ્પષ્ટતા
આ પછી આ વેબસાઈટ પર રહેલા કોઈ પણ એકાઉન્ટ ક્યારેય ફરી શરૂ ન થયા અને રીકવર પણ ન થયા. હાલમાં ઓફિશિયલ વેબસાઈટ પર એક અભિયાન ચાલી રહ્યું છે. જેના પરથી લોકોને જ પૂછવામાં આવી રહ્યું છે કે, આ સાઈટને ફરી શરૂ કરી શકાય કે નહીં? શું અગાઉના લોકો ફરી એ જ પ્લેટફોર્મ કે કમ્યુનિટીમાં જોડાવવા ઈચ્છે છે કે નહીં? અભિયાનમાં લોકો પોતાનું નામ જોડીને અભિયાનમાં સામેલ થઈ શકે છે. 

સપોર્ટ કાર્ડ પણ આ લોકોને મળી શકે છે. નામ રજિસ્ટર્ડ કરાવવાનો અર્થ એ નથી કે, નામ આપી દેવાથી ઓર્કુટ પર તમારૂ જુનુ એકાઉન્ટ પાછું આવી જશે. આવું બિલકુલ નહીં થાય.  કંપનીએ હજુ સુધી એ સ્પષ્ટતા કરી નથી કે, ખરેખર આ નવું પ્લેટફોર્મ આવશે કે નહીં? આ સોશિયલ નેટવર્ક સૌથી સરળ અને કલરફૂલ હોવાના કારણે સૌથી ખાસ હતું. હવે નવા ફીચર સાથે આવશે તો એમાં શું નવું હશે એના પર સૌની નજર રહેલી છે.