સ્થાપત્યનું વાઈ-ફાઈ - હેમંત વાળા
સ્પેનના એલિકેન્ટમાં વર્ષ 1973માં સ્થપતિ રિકાર્ડો બોફિલ દ્વારા નિર્ધારિત કરાયેલ હાઉસિંગની, આવાસ-સમૂહની આ એક રસપ્રદ રચના છે. સ્પેનિશ ભાષામાં લા મુરલ્લા રોજાનો અર્થ `ધ રેડ વોલ' અર્થાત લાલ દીવાલ થાય છે. અહીં એ વાત તો સ્થાપિત થઈ જાય છે કે આ મકાનના રંગરોગાનમાં લાલાશ પડતા રંગનું મહત્ત્વ વધુ હોય. સ્વાભાવિક છે કે આ રચનાને આ સ્થપતિની દસ સૌથી પ્રતિષ્ઠિત રચનામાં સ્થાન મળ્યું હોય. કહેવાય છે કે આ આવાસ-સમૂહની રચનાની પ્રેરણા ભૂમધ્ય સમુદ્રના વિસ્તારના કાસ્બાહ શૈલીની સ્થાપત્ય પરંપરા પરથી લેવાઇ છે.
આ શૈલીમાં અહીંની આબોહવા અનુસાર બહાર ખુલતાં અને પ્રમાણમાં આંતરિક કહી શકાય તેવાં રવેશના મહત્વ સાથે સાથે પ્રકૃતિ સાથે વિરોધ સ્થાપિત કરી શકે તેવાં રંગોનું પણ મહત્ત્વ રહેલું છે.
આશરે 50 જેટલાં એપાર્ટમેન્ટનો સમાવેશ કરતી આ રચનાનો પ્લાન આમ તો, ચોરસ જગ્યાઓની ચેસ બોર્ડ જેવી ગોઠવણ સમાન સામાન્ય કહી શકાય તેવો છે. આ સામાન્ય ગણી શકાય તેવી ગોઠવણમાં પણ જે રીતે જરૂરી વિવિધતા લાવી શકાઇ છે તે એક રસપ્રદ ઘટના છે.
અહીં 60 ચો.મી.નો સ્ટુડિયો એપાર્ટમેન્ટ, 80 ચો.મી.ના બે-બેડરૂમના એપાર્ટમેન્ટ અને 120 ચો.મી. ના ત્રણ-બેડરૂમના એપાર્ટમેન્ટ ગોઠવાયાં છે. આ ઉપરાંત વૈભવી જીવનની જરૂરિયાતોને પૂરી કરવા માટે છત ઉપર સોલારિયા, સ્વિમિંગ પૂલ, સોના તથા અવલોકન ગેલેરી અને નીચેના સ્તરે રેસ્ટોરાં અને પ્રાથમિક જરૂરિયાતો માટેની દુકાનની ગોઠવણ તો ખરી જ.
રક્ષણ આપતાં કિલ્લાની અનુભૂતિ કરાવે તેવી રચના, સમગ્ર મકાન જાણે ખડકોમાંથી બહાર આવ્યું હોય અથવા ખડકો ઉપર ગોઠવાઈ ગયું હોય તે પ્રકારની અનુભૂતિ, સામાજિક માળખા પ્રમાણે જાહેર અને ખાનગી સ્થાન વચ્ચેની સ્પષ્ટ નિર્ધારિતતા, જગ્યાઓને પરસ્પર રસપ્રદ રીતે સાંકળતા `ઇન્ટરલોકિગ' દાદરાઓ અને તેની સાથે સંકળાયેલા વિવિધ મંચ-પ્લેટફોર્મ તેમજ બ્રિજ-પુલ, કુદરતી પરિસ્થિતિ સાથે સ્થપાતો દૃશ્ય વિરોધાભાસ, પાડોશીઓને પરસ્પર જોડતાં સામાજિક કહી શકાય તેવાં રવેશ, બધાં જ એપાર્ટમેન્ટમાં સરળતાથી મળી રહેતાં કુદરતી હવા-ઉજાસ, કેટલાંક સ્થાનોએ ભૂલભુલામણી લાગી શકે તે પ્રમાણેનું રસિક આયોજન, આકાશ-રેખાના નિર્ધારણમાં રખાયેલી વિશેષ પ્રકારની ચોકસાઈ, બાજુમાં રહેલાં સમુદ્ર સાથે સ્થપાયેલું દૃશ્ય-સમીકરણ, પહેલી જ નજરે કુતુહલ જાગ્રત થાય તે પ્રમાણેનાં કેટલાંક સ્થાપત્યકીય નિર્ણયો, ભૌમિતિક બંધન રહેવા છતાં જ્યાં સંભાવના હોય ત્યાં સ્વીકારાયેલી મુક્તતા, દાદરાઓની રચનામાં ઊભી થતી નાટકીયતા અને તે સાથે તેની ઉપયોગીતા વખતે અનુભવાતી વિવિધતા, સમગ્ર રચનામાં સપાટીઓને મળતું મહત્ત્વ, આ પ્રકારની સપાટીઓથી દૃઢતાથી સ્થાપિત થતું સ્થાન-નિર્ધારણ અને સાથે સાથે ઊભરતું દિશા-સૂચન, અને કેટલીક નાની કહી શકાય તેવી બાબતો પર પણ સંવેદનશીલતાથી અપાયેલ ધ્યાન - આ અને આવી બાબતો આ આવાસ સમૂહને ઉલ્લેખનીય બનાવે છે.
આ આવાસ-સમૂહ તેની રંગ-વ્યવસ્થાને કારણે તે વધુ ચર્ચામાં છે. આકર્ષક રંગોને કારણે વનરાજી સાથે ઊભો થતો વિરોધાભાસ, સાથે સાથે `પેસ્ટલ કલર' કહી શકાય તેવાં પ્રાકૃતિક જણાતાં રંગોનો વ્યૂહાત્મક ઉપયોગ, સ્થાનિક આબોહવા પ્રમાણે નિર્ધારિત થતાં આકાશના રંગ સાથે વિશેષ પ્રકારનો સંવાદ સ્થાપિત થઈ શકે તે મુજબ મકાનના ઉપરના ભાગનું રંગ આયોજન, રંગોમાં ભિન્નતા તેમજ વિવિધતા હોવાં છતાં સ્થાપિત થતી સાતત્યતાની અનુભૂતિ, રંગો થકી નાની નાની વાતોને અપાયેલું મહત્ત્વ, સમગ્ર રંગ-વ્યવસ્થાથી ઊભરતો એકત્વનો ભાવ, રંગની પસંદગી સાથે સંકળાયેલી કેટલીક પરંપરાગત વાતો, સમગ્રતામાં સ્થાપિત થતી એક પ્રકારની રંગીન જીવંતતા, ક્યાંક સામાન્ય જણાઈ શકે તે પ્રકારની રચનામાં પણ રંગ દ્વારા લાવવામાં આવેલ સમૃદ્ધ અનુભૂતિ તથા સમગ્ર રચનાને રંગ સાથે એક વિશેષ પ્રકારનો અર્થ આપવાનો કરાયેલો પ્રયત્ન, આ બાબતો આ મકાનને વધુ ઉલ્લેખનીય બનાવે છે.
એમ કહેવાય છે કે આ આવાસ-સમૂહની રચનામાં ગ્રીક પરંપરાના ભૌમિતિક ક્રોસની આકૃતિનું અનુસરણ કરાયું છે. આ ક્રોસની ગોઠવણથી બે પ્રકારના સ્થાન નિર્ધારિત થાય છે. એક, એ પ્રકારનાં સ્થાન જે એક જ ક્રોસમાં આવે અને બીજા એ પ્રકારના સ્થાન કે જે બે ક્રોસમાં આવે. બે ક્રોસમાં આવનાર સ્થાનનો ઉપયોગ સામાન્ય કહી શકાય તે પ્રકારની ઉપયોગિતા માટે કરાયો છે જ્યારે જે સ્થાન એક જ ક્રોસમાં આવે તેમાં ગોપનીયતા મળવાની સંભાવના વધુ હોવાથી તેનો ઉપયોગ, જ્યાં પ્રમાણમાં કૌટુંબિક ગોપનીયતાની આવશ્યકતા હોય, ત્યાં થયો છે.
થોડું ઊંડાણમાં જોતાં જણાશે કે આ રચના ચોક્કસ પ્રકારના સિદ્ધાંતોને અનુસરે છે. ક્યાંક આ સિદ્ધાંત ભૌમિતિક છે તો ક્યાંક રંગ આધારિત. ક્યાંક આ સિદ્ધાંત પ્રમાણમાપ આધારિત છે તો ક્યાંક સ્થાનિક વિગતિકરણના નિયમોને આધારિત. અહીં કોઈપણ સિદ્ધાંત સાથે બાંધછોડ કરાઈ નથી, પરંતુ તે સિદ્ધાંત વધુ દ્રઢ બને તે રીતે તેનું ડિટેઇલિંગ કરાયું છે. આ પ્રકારના અભિગમને કારણે આ સમગ્ર રચનામાં એક પ્રકારની સ્પષ્ટતા છે, ચોકસાઈ છે, નિયમબદ્ધ કલ્પન છે, સરળ છે અને છતાં પણ રસપ્રદ છે.
આ એક સરળ, સ્પષ્ટ, દંભ વિનાની, જરૂરિયાત મુજબની, માનવીય ભાવનાઓ અનુસારની, ક્યાંક નાટકીયતા હોવા છતાં જટિલતા વિનાની, વિશ્વાસથી ભરપૂર, કોઈપણ સામાન્ય વ્યક્તિ સરળતાથી - ઉત્સાહપૂર્વક સ્વીકારી લે તે પ્રકારની રચના છે. અહીં માનવીની પ્રાથમિક લાગણીઓને સંવેદના પૂર્વક તેમજ રચનાત્મકતાથી સકારાત્મક પ્રતિભાવ અપાયો છે. તેથી જ આજે 50 વર્ષ પછી પણ તેનું આકર્ષણ એટલું જ છે.