(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં પાણીની ગંભીર કટોકટી અને મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવામાં આવ્યો છે ત્યારે મુંબઈમાં ધૂળના પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈના રસ્તાઓ ટેન્કરના પાણીથી ધોવાના પાલિકાના પ્રસ્તાવને શુક્રવારે સત્તાધારી અને વિરોધીપક્ષે બહુમતીએ સ્થાયી સમિતિની બેઠકમાં ફગાવી દીધો હતો.
મહારાષ્ટ્રમાં પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે અને રાજ્યમાં દુકાળ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે રસ્તાની સફાઈ માટે બિન-પીવાલાયક પાણીનો ઉપયોગ કરવાની અસંવેદનશીલતા દર્શાવી હતી. સ્થાયી સમિતિએ પાલિકા પ્રશાસનને એવો ઉકેલ શોધવાનો નિર્દેશ આપ્યો હતો જેમાં રસ્તાને ધોયા વિના ધૂળને દબાવી શકાય.
પાલિકાએ ચોમાસાને બાદ કરતા મુંબઈના સાત ઝોનમાં ઉચ્ચ દબાણવાળા પાણીનાં ટેન્કરોનો ઉપયોગ કરીને દરરોજ ૬૭૭ કિલોમીટર સુધી ફેલાયેલા ૩૭૭ રસ્તાઓને ૧૫૦ દિવસ સુધી ધોવાનો પ્રસ્તાવ મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રાખ્યો હતો. બાંધકામ, ટ્રાફિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિમાંથી ધૂળના પ્રદૂષણને રોકવા માટે ૮.૨૫ કરોડ રૂપિયાના ખર્ચનો આ પ્રસ્તાવ હતો. સ્થાયી સમિતિની બેઠકમાં પાલિકાના સભાગૃહના નેતા ગણેશ ખનકરે પાણીની કટોકટી વચ્ચે રસ્તા ધોવાની પ્રસ્તાવને રદ કરવાની વિનંતી કરી હતી. કૉંગ્રેસના જૂથના નેતા અશરફ આઝમીએ રસ્તાની સફાઈ માટે શહેરના હાઈડ્રેન્ટ્સને પુન:સ્થાપિત કરવા અને તેનો ઉપયોગ કરવા માટે હાઈડ્રેન્ટ પૉલિસીને ફરી અમલમાં લાવવાની હાકલ કરી હતી. તેમ જ વધતા વાયુ પ્રદૂષણને રોકવા માટે વૈકલ્પિક પગલાં શોધવા વિનંતી કરી હતી.
સ્થાયી સમિતિના અધ્યક્ષ પ્રભાકર શિંદેએ ડેવલપરોને ક્ધસ્ટ્રકશન સાઈટ પર ધૂળને નિયંત્રિત કરવા માટે જવાબદાર ઠેરવવા હાકલ કરી હતી અને ચેતવણી આપી હતી કે પાણીની કટોકટી વચ્ચે રસ્તાઓ ધોવા અસંવેદનશીલતા ગણાશે. રસ્તા ધોવાના પ્રસ્તાવને સ્થાયી સમિતિ દ્વારા સર્વાનુમતે નામંજૂર કરવામાં આવ્યો હતો.
પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે બોમ્બે હાઈ કોર્ટના નિર્દેશોના પાલનમાં પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા પગલાઓમાં રસ્તા ધોવાનો સમાવેશ થાય છે. પ્રસ્તાવને નકારી કાઢવામાં આવતા પાલિકા પ્રશાસનને ધૂળના પ્રદૂષણને કાબૂમાં લેવા માટે વૈકલ્પિક માર્ગો શોધવા પડશે. પાલિકાએ પહેલાથી જ ધૂળને દબાવવા માટે વાહન-માઉન્ટેડ ડસ્ટ-સક્શન સિસ્ટમ્સ, સ્પ્રિંકલર્સ અને ફોગિંગ અને મિસ્ટિંગ સિસ્ટમ્સ મેળવી છે.
નોંધનીય છે કે પાલિકાએ નવેમ્બર ૨૦૨૩માં તત્કાલીન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિર્દેશોને પગલે રસ્તાઓ ધોવાનું શરૂ કર્યું હતું. સૂચિત ડ્રાઇવમાં બાંધકામ, પુન:વિકાસ, વાહનો અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાંથી ધૂળને દબાવવા માટે ૨,૦૦૦, ૫,૦૦૦ અને ૧૦,૦૦૦-લિટરનાં ટેન્કરો રસ્તાઓ પર ઉચ્ચ દબાણવાળા પાણીનો છંટકાવ કરે છે. સફાઈ કામગીરી ઑફ-પીક અવર્સ દરમ્યાન ખાસ કરીને સવારે ૩ થી સવારે ૬ વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.
તો પાંચ સપ્ટેમ્બર, ૨૦૨૭ સુધી પાણી ચાલશે!
મુંબઈના સાત જળાશયોમાં ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટરની સંયુક્ત પાણી સંઘરવાની ક્ષમતા સામે શુક્રવારે સવારના ૧૩,૬૪,૦૪૫ મિલ્યન લિટર ઉપયોગી જળ-સંગ્રહ ઉપલબ્ધ હતો. પાલિકા દરરોજ ૪,૧૦૦ મિલ્યન લિટર પાણી પૂરું પાડે છે, જ્યારે દૈનિક ધોરણે ૫૦૦ મિલ્યન લિટર પાણીની અછત રહે છે. પાલિકાના અંદાજ મુજબ પાણીના પુરવઠામાં કોઈ કાપ મૂક્યા વિના કે અનામત જથ્થો જાળવી રાખ્યા વિના આ સંગ્રહિત પાણી ૧૦ જૂન, ૨૦૨૭ સુધી ચાલી શકે છે. જોકે જો હાલનો ૧૦ ટકા કાપ ચાલુ રહે અને અપર વૈતરણા તથા ભાતસામાં મંજૂર કરાયેલ અનામત જથ્થો જાળવી રાખવામાં આવે, તો આ પાણી પાંચ સપ્ટેમ્બર, ૨૦૨૭ સુધી ચાલી શકે છે.
સમગ્ર રાજ્યમાં ૧૦ ટકા પાણીકાપ
પાલિકાએ ૧૫ મેથી પાણીના પુરવઠામાં ૧૦ ટકા પાણી કાપ અમલમાં મૂક્યો હતો. દુકાળ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે ૧૬ ઑક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ઓછામાં ઓછો ૧૦ ટકા કાપ મૂકવાનો આદેશ આપ્યો છે. સરકારે શહેરી અને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને આ પગલાંનો અમલ કરવા અને ઉદ્યોગોને તેમના પાણીના વપરાશના ઓછામાં ઓછા ૩૦ ટકા હિસ્સાનું રિસાયક્લિગં (પુન:ઉપયોગ) કરવાનો નિર્દેશ આપ્યો છે. ચાર મહિનાની ચોમાસાની ઋતુના અંતે રાજ્યના ડેમમાં સરેરાશ ૭૫.૨૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો, જે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન ૮૮.૮૨ ટકા હતો.