Sat Oct 10 2026

Logo

કેટલાક મેસેજ આપણે ક્યારેય કેમ ડિલીટ કરતા નથી...

2026-10-10 08:39:00
Author: Deval Shashtri
કેટલાક મેસેજ આપણે ક્યારેય કેમ ડિલીટ કરતા નથી...

 

 

 

ઓર એ મોસમ હસીં - દેવલ શાસ્ત્રી

 

ફોનમાં હજારો મેસેજ હોય છે. કામના બૅન્કના - અનેક Good Morning- ને સાથે ઑફર્સ અને OTPના પણ મેસેજ... એમાં કોઈએ મોકલેલી મજાની તસવીર - કોઈએ પૂછેલું ક્યાં છો? - કોઈ જૂનો ફોટો અને ક્યારેક માત્ર એક જ શબ્દ લખ્યો હોય કે, પહોંચ્યા?

 

મોટા ભાગના મેસેજ આપણને બીજા દિવસે યાદ પણ રહેતા નથી. ફોનમાં કેટલાક મેસેજ એવા પડ્યા હોય છે જેને આપણે ડિલિટ કરી શકતા નથી. મેસેજ સાથે કંઈ ખાસ લખેલું પણ નથી હોતું, જેમકે કાલે મળીશું - તું ચિંતા ન કર - હું છું ને... ક્યારેક તો સામેની વ્યક્તિએ એક ઇમોજી મોકલ્યો હોય છે, છતાં વર્ષો પછી પણ એ મેસેજ સ્ક્રીન પર દેખાય ત્યારે આપણે થોડા સમય માટે એ સમયમાં પહોંચી જઈએ છીએ. બીજા શબ્દોમાં આપણે મેસેજ સાચવતા નથી. આપણે સમય સાચવીએ છીએ.

 

માનો કે તમારા ફોનમાં પાંચ વર્ષ જૂનો કોઈ મેસેજ છે. એ વ્યક્તિ હવે તમારી જિંદગીમાં નથી. સંબંધ પૂરો થઈ ગયો છે. કદાચ મિત્રતા તૂટી ગઈ. કદાચ પ્રેમ રહ્યો નથી. કદાચ એ કોઈ બીજા શહેરમાં રહે છે. શક્ય છે કે કદાચ એ દુનિયામાં જ નથી, છતાં એ મેસેજ તમે ડિલિટ કર્યો નથી. કોઈ પૂછે તો તમે કહી શકો, `એમ જ રહી ગયો' પરંતુ `એમ જ'ની પાછળ કેટલીયે કથા છુપાયેલી હોય છે.

 

ડિજિટલ યુગ પહેલાં પણ આપણે આવું જ કરતા હતા. જૂના પત્રો સાચવતા. કાગળ પીળો પડી જાય, શાહી ઝાંખી થઈ જાય, છતાં પત્ર ફેંકાતો નહીં. ડિજિટલ દુનિયાએ આ ટેવને ફક્ત નવી સ્પેસ આપી. હવે પત્રની જગ્યાએ ચૅટ અને કબાટની જગ્યાએ ફોન છે. હા, જૂના ફોટોગ્રાફના આલબમની જગ્યાએ ક્લાઉડ છે, પણ માણસ બદલાયો નથી.

 

આધુનિક ટેક્નૉલૉજીને લીધે આપણને ભૂલી જવાની તક ઓછી મળે છે. પહેલાં કોઈ પત્ર ખોવાઈ શકે, ફોટો તૂટી શકે કે કાગળ બળી શકે. કોઈ ડાયરી વર્ષો પછી પણ મળતી ન હોય. હવે વાતચીત શોધી શકાય છે. જૂનો ફોટો ફરી મળી શકે છે. કોઈનું નામ સર્ચ કરતાં વર્ષો જૂની ચેટ સામે આવી જાય છે. ટેક્નૉલૉજી ભૂતકાળને સાચવવામાં સાથ આપે છે, પણ માણસને ભૂતકાળમાંથી બહાર કાઢવાનો માર્ગ મુશ્કેલ બનાવી દે છે.

 

ગુમ હૈ કિસી કે પ્યાર મેં સાંભળું ત્યારે મને હંમેશાં એવું લાગે છે કે કોઈ બીજાની પ્રેમકથા નથી ચાલી રહી; જાણે કોઈ એક માણસ પોતાની સામે કાગળ મૂકી બેઠો છે અને એને કોઈ એક વ્યક્તિને કંઈક કહેવું છે, પણ નામ લખવાની વેળા આવે ત્યારે હાથ અટકી જાય છે.

 

પર તુમ્હેં લિખ નહીં પાઉં, મૈં ઉસકા નામ. આ વાત મને હવે સમજાય છે. ક્યારેક આપણે કોઈ એક માણસને મેસેજ કરવા ફોન ખોલીએ છીએ અને લખીએ છીએ, શું કરે છે? પછી ડિલિટ. ફરી લખીએ - ફરી ડિલિટ. સાચી વાત તો મને તારી યાદ આવે છે પણ એ લખાતી નથી. એટલે કોઈ બહાનું શોધીએ છીએ.

 

પછી પેલા ગીતમાં આવે છે, સોચા હૈ એક દિન મૈં ઉસસે મિલ કે, કહ ડાલું અપને સબ હાલ દિલ કે. મને આ એક દિવસ નજીક લાગે છે.

 

આપણે પણ કેટલી વાતો માટે એક દિવસ રાખી મૂકીએ છીએ. એક દિવસ ફોન કરીશ. એક દિવસ મળીશ. એક દિવસ કહી દઈશ કે તું મારા માટે કેટલો મહત્ત્વનો છે. અને ઘણી વાર એ એક દિવસ આવે તે પહેલાં જ સંબંધનો સમય બદલાઈ જાય છે.

 

કોઈ માણસ પોતાની લાગણી સીધી લખી શકતો નહોતો; એ નાની નાની વાતોમાં મૂકી જતો હતો. ગીતમાં નામ લખાયું નથી, છતાં આખું ગીત એ નામની આસપાસ ફરે છે. જૂના મેસેજમાં પણ ઘણી વાર એવું જ હોય છે. શબ્દો થોડા હોય છે, પણ આપણે જાણીએ છીએ કે એ શબ્દોની પાછળ કોણ ઊભું છે.                                           

 

ધ   ઍન્ડ

 

દુ:ખ સ્વયં એક ઔષધિ છે