ભુજ: આદિપુર શહેરના એક ગેરેજ સંચાલક યુવાનને વાતોમાં ભોળવી કિડાણામાં મકાન ખરીદ કરાવી, ફર્નિચર કરાવી તેમજ મોંઘોદાટ આઈફોન અને વાહન પડાવી લઈ કુલ રૂપિયા ૩૪,૫૦,૨૬૦ની છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કરવા બદલ કિડાણાની એક મહિલા વિરુદ્ધ આદિપુર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહિલાની સતત ધમકીઓ અને આર્થિક પાયમાલીથી કંટાળીને યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જે બાદ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ચોંકાવનારા બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, આદિપુરના ૪-બી વિસ્તારમાં રહેતા ફરિયાદી વિજય અમરશી સોલંકી અગાઉ ટાગોર રોડ પાસે 'શિણાય ઓટો' નામે ગેરેજ ચલાવતા હતા. આ ગેરેજમાં વીમા કોલિંગના કામ અર્થે તેમણે કિડાણામાં રહેતી શબનમ અયુબ પઠાણ નામની મહિલાને નોકરીએ રાખી હતી. શરૂઆતમાં મહિલા ઘરેથી ટિફિન લાવી સ્ટાફને જમાડતી અને વિશ્વાસ સંપાદિત કર્યો હતો. બાદમાં બંને બહાર હોટેલમાં જમવા અને ફરવા પણ જતાં હતાં.
દરમિયાન ગેરેજના સ્ટાફના રહેવા માટે ફરિયાદી મકાનની શોધમાં હતા ત્યારે શબનમે પોતાની બાજુમાં પિંકસિટી-કિડાણા ખાતે આવેલું મકાન નંબર ૧૯૨ ખરીદવા જણાવ્યું હતું. સાટાખતથી આ મકાન ખરીદ્યા બાદ મહિલાએ એવી વાત કરી કે તે પોતે આ મકાન રાખવા માંગે છે, પરંતુ હાલ નાણાંની સગવડ ન હોવાથી દસ્તાવેજ પોતાના નામે થઈ જાય તે માટે ઉછીના રૂપિયા આપવા ફરિયાદીને વિનંતી કરી હતી. તેણે વિશ્વાસ આપતાં કહ્યું હતું કે, "મારી વીશી ચાલુ છે, પતિ શિપિંગ કંપનીમાં નોકરી કરે છે અને મારે ઘેરબેઠાં આવક છે, ઘરે કંટાળો આવતો હોવાથી જ હું નોકરી કરું છું."
મહિલાની વાતોમાં આવી જઈ ફરિયાદીએ મકાનના રૂપિયા ચૂકવી દીધા હતા અને ત્યારબાદ મકાન ઉપર નવો માળ બનાવી તેમાં મોંઘુ ફર્નિચર પણ કરાવી આપ્યું હતું. આ ઉપરાંત મહિલાએ ફરિયાદી પાસેથી સમયાંતરે ₹૨,૩૧,૧૪૦ ઓનલાઇન મેળવ્યા હતા તેમજ દબાણ કરી મોંઘોદાટ આઇફોન અને સુઝુકી એક્સેસ સ્કૂટર પણ ખરીદાવડાવ્યા હતા.
સમય જતાં ફરિયાદીએ પોતાની નીકળતી તમામ રકમ પરત માંગતાં મહિલા અસલ રૂપમાં આવી ગઈ હતી અને રૂપિયા આપવાના બદલે ફરિયાદીને "સમાજમાં બદનામ કરીશ, જેલમાં નખાવી દઈશ તેમજ જાતે ઝેરી દવા પીને આપઘાત કરી તમારા બધાના નામ લખાવી દઈશ" તેવી ગંભીર ધમકીઓ આપવા લાગી હતી.
આર્થિક તંગી અને મહિલાના ત્રાસના કારણે ફરિયાદીનો ધંધો પણ ઠપ્પ થઈ ગયો હતો. માનસિક ત્રાસ સહન ન થતાં આખરે કંટાળીને ગત તા. ૮ ઓક્ટોબરના રોજ ફરિયાદી વિજયભાઈએ પોતાના ઘરે ફિનાઈલ ગટગટાવી લીધું હતું. તેમને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી સાજા થયા બાદ તેમણે આદિપુર પોલીસ મથકે શબનમ અયુબ પઠાણ વિરુદ્ધ ₹૩૪,૫૦,૨૬૦ની છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ઉત્સવ વૈદ્ય