Sat Oct 10 2026

Logo

પનામામાં આવ્યો શક્તિશાળી ભૂકંપ! 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ જાહેર, અનેક ઈમારતોને નુકસાન

Panama   2026-10-10 08:24:00
Author: Vimal Prajapati
પનામામાં આવ્યો શક્તિશાળી ભૂકંપ! 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ જાહેર, અનેક ઈમારતોને નુકસાન

પનામા સિટીઃ મધ્ય અને દક્ષિણ અમેરિકાના દેશ પનામામાં કુદરતી આપત્તિએ મોટો ખતરો પેદા કર્યો છે. પનામાની ધરતી શુક્રવારે અચાનક શક્તિશાળી ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. યુએસજીએસ (USGS)ના અહેવાલ પ્રમાણે, દક્ષિણ પનામામાં રિક્ટર સ્કેલ પર 7.7 અને 6.6ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ નોંધાયા છે. આ ભયાનક આંચકાઓ બાદ અનેક આફ્ટરશૉક્સ પણ અનુભવાયા છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

 7.7 અને 6.6ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યાં

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સૌથી વધુ તીવ્રતા ધરાવતો પહેલો ભૂકંપ હેરેરા પ્રાંતના પિતાલોસા અરીબાના દુર્ગમ વિસ્તારથી આશરે 10 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવ્યો હતો. આ ધરતીકંપની ઊંડાઈ જમીનથી માત્ર 10 કિલોમીટર નીચે હોવાને કારણે તેના આંચકા અત્યંત પ્રચંડ અનુભવાયા હતા. આ કુદરતી આફતના કારણે લોકો ગભરાઈને પોતાના ઘર અને ઓફિસોમાંથી બહાર ખુલ્લા વિસ્તારોમાં દોડી આવ્યા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર, ભૂકંપના તીવ્ર આંચકાના કારણે કેટલીક ઈમારતોને નુકસાન પહોંચ્યું છે અથવા ધરાશાયી થઈ હોવાના સમાચાર મળી રહ્યાં છે. 

 

આ સાથે ભૂકંપની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સુનામીનું એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. હાલ આપત્તિ વ્યવસ્થાપન ટીમો અને પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.